02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / બનાસકાંઠા / ડીસામાં પોલીસના સ્વાંગમાં વેપારી સાથે મોટો તોડ થયાની ગરમાગરમ ચર્ચા

ડીસામાં પોલીસના સ્વાંગમાં વેપારી સાથે મોટો તોડ થયાની ગરમાગરમ ચર્ચા   22/08/2019

ડીસા : ડીસા પંથકમાં બટાકાના વેપારી પાસે તોડની ઘટના બની હોવાની ચર્ચા વાયરલ થઇ છે. કોલ્ડ સ્ટોરેજના વેપારીના ગોડાઉને ગાંજાનો છોડ હોવાથી તપાસ કરવા કથિત પોલીસ પહોંચી હતી. જેમાં બંને વચ્ચે ચર્ચાને અંતે કથિત પોલીસે અઢી લાખનો તોડ કર્યો હતો. વેપારીએ તાત્કાલિક આંગડીયા મારફત પૈસા મંગાવી ચૂકતે કર્યા બાદ ભાગીદારો વચ્ચે મુંઝવણ બની છે. છેતરાયા તો નથી ને તેવી ભાવનાથી હવે વેપારીએ તપાસ આદરી છે.
બનાસકાંઠા જીલ્લાના ડીસા તાલુકાના રાણપુરમાં કોલ્ડ સ્ટોરેજના વેપારીનું ગોડાઉન કમ ઓફીસ આવેલી છે. જેના કમ્પાઉન્ડમાં ગાંજાનો છોડ ઉગી ગયો હોવાથી તપાસના ભાગરૂપે કથિત પોલીસ પહોંચી હતી. કથિત પોલીસની ગાડીમાં સાદા કપડામાં આવેલા ચાર વ્યક્તિઓ વેપારી સાથે ચર્ચા કરવા ઓફીસમાં પહોંચે છે. જ્યાં તમામના મોબાઇલ કબજે કરી નાણાંની માંગણી કર્યાનો મામલો વેપારી આલમમાં ચર્ચાઇ રહ્યો છે. વેપારી અને કથિત પોલીસ વચ્ચે વાતચીતને અંતે અઢી લાખમાં જતુ કરવાનું બહાર આવ્યુ છે. કમ્પાઉન્ડની બહાર હાઇવે ઉપર પહોંચી વેપારીના ભાગીદારે કોથળીમાં રકમ હાથોહાથ આપી હોવાનું જણાવ્યુ છે. જેમાં કથિત પોલીસના ચાર વ્યક્તિઓ ગણતરીની મિનીટોમાં રકમ લઇ નિકળ્યા બાદ ભાગીદારો વચ્ચે સવાલો ઉભા થયા છે. ઘટનાને લઇ એક ભાગીદારે આશંકા વ્યકત કરી છેતરાઇ ગયા હોવાનું સમજી તપાસ શરૂ કરી છે. સમગ્ર મામલે વેપારીએ ડીસા તાલુકા પોલીસ, જીલ્લા પોલીસ, એલસીબી સહિતનાને પુછતા કોઇ કેસ ન હોવાનું જણાવ્યુ હતુ. આથી વેપારીને વધુ આશંકા જતાં લાગતા વળગતાને બોલાવી કથિત પોલીસ કોણ અને કયાંથી આવી હતી તે સહિતની તપાસ આદરી છે. ઉલ્લેખનિય છે કે, વેપારીએ કથિત પોલીસના વ્યકિતઓ તેમની ગાડી, રકમ આપવા જતા વ્યકિતઓ સહિતના સીસીટીવી વિડીયો રજૂ કરતા ચકચાર મચી ગઇ છે.

Tags :