બનાસકાંઠામાં આજ સુધી કોરોના સંક્રમિત એકપણ પોઝીટીવ કેસ નથી

બનાસકાંઠા
બનાસકાંઠા

બનાસકાંઠા આરોગ્ય તંત્રનું સઘન મોનીટરીંગઃ ગામડાઓમાં ઓ.પી.ડી.શરૂ કરી છેલ્લા ૩ દિવસમાં ૧૨,૭૯૬ લોકોને તપાસ્યા
 
પાલનપુર
        
બનાસકાંઠા જિલ્લામાં વૈશ્વિક મહામારી કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા માટે જિલ્લા કલેકટર સંદીપ સાગલેની સુચના અને માર્ગદર્શન અનુસાર આરોગ્ય વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા વ્યાપક કામગીરી કરવામાં આવી રહી છે. બનાસકાંઠા જિલ્લાના આરોગ્ય વિભાગના અધિકારીઓ સઘન મોનીટરીંગ કરી કોરોના વાયરસનું સંક્રમણ જિલ્લામાં ન ફેલાય તે માટે અથાગ મહેનત કરી રહ્યા છે. જિલ્લામાં હાઇરીસ્ક ગ્રુપમાં આવતા તમામ વ્યક્તિઓનું જિલ્લાકક્ષાએથી સીધુ મોનીટરીંગ કરવામાં આવે છે. ગામડાઓમાં લોકોને ઘેરબેઠાં સારવાર મળી રહે તે માટે મોબાઇલ ઓ.પી.ડી. શરૂ કરવામાં આવી છે. જેમાં આયુષ મેડીકલ ઓફિસર અને આર.બી.એસ.કે. મેડીકલ ઓફિસર લોકોના ઘરે જઇ સારવાર આપી રહ્યા છે. છેલ્લા ત્રણ દિવસમાં જિલ્લામાં ૧૨,૭૯૬ લોકોને આરોગ્યની ઓ.પી.ડી.માં તપાસવામાં આવ્યા છે. તાવ, શરદી, ખાંસી કે માથાના દુઃખાવાના લક્ષણો જણાય તો તાત્કાલીક આશા કે મલ્ટી અથવા ફિમેલ હેલ્થ વર્કરનો સંપર્ક કરવા આરોગ્ય કચેરી દ્વારા ગામલોકોને જણાવાયું છે. 
     
     બનાસકાંઠા જિલ્લામાં પ્રથમ તબક્કાનો સઘન સર્વે પૂર્ણ કર્યા બાદ ૨૪૨૫ આશા, ૧૫૨૮ મલ્ટી પર્પઝ અને ફિમેલ હેલ્થ વર્કર, ૨૫૨ જેટલાં મેડીકલ ઓફિસર તબીબો સહિતના સ્ટાફ દ્વારા ઘેર ઘેર ફરીને બીજા તબક્કાનો સર્વે કરવામાં આવી રહ્યો છે. બનાસકાંઠા જિલ્લામાં બહારથી આવતા પ્રવાસીઓનું સઘન મોનીટરીંગ અને સ્ક્રીનીંગ કરવામાં આવે છે. વિદેશથી અને બહારથી આવેલા શંકાસ્પદ જણાતા તમામ વ્યક્તિઓના રિપોર્ટ નેગેટીવ આવ્યા છે એટલે આજદિન સુધી બનાસકાંઠા જિલ્લામાં કોરોના સંક્રમિત એકપણ પોઝીટીવ કેસ નોંધાયો નથી. જિલ્લામાં કોરોનાને લઇ વાયલેટ કરતા વ્યક્તિઓ સામે પણ કડક કાર્યવાહી કરવામાં આવી છે તેમ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ર્ડા.મનીષ ફેન્સીએ જણાવ્યું છે.

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.