પાલનપુરમાં ક્રિકેટનો સટ્ટો રમતા ત્રણ જુગારીયા ઝડપાયા

પાલનપુર : પાલનપુર ખાતે ઇંગ્લેન્ડ ખાતે રમાઇ રહેલ આઇસીસી વર્લ્ડ કપ ૨૦૧૯ માં બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાન વચ્ચેની વન-ડે ક્રિકેટ મેચ પર જુદીજુદી જગ્યાએ પૈસાની હારજીતનો સટ્ટો ખેલતા ત્રણ જુગારીયાઓને પોલીસે રૂ.૧૦.૮૭ લાખના મુદ્દામાલ સાથે ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરતા સટ્ટોડિયા તત્વોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે. પાલનપુરના અમદાવાદ હાઇવે પર આવેલ માઉન્ટ વે હોટેલ એન્ડ ગેસ્ટ હાઉસના રૂમમાં સટ્ટો ખેલાતો હોવાની બાતમીના આધારે પાલનપુર એલ.સી.બી ના પી.એસ.આઈ પી.એલ. વાઘેલાએ તેમની ટીમ સાથે માઉન્ટ વે હોટલમાં ઓચિંતી રેઇડ કરી હતી. જ્યાં રૂમ નં.૧૧૫ માં વર્લ્ડકપની અફઘાનિસ્તાન બાંગ્લાદેશ ઇન્ટરનેશનલ વન-ડે મેચ  પર વિદ્યુત ઉપકરણ અને મોબાઈલ પર ગ્રાહકો પાસેથી ભાવ મેળવીને જુગાર રમતા તેમજ રમાડતા મનીષકુમાર રાધેશ્યામજી ખટીક અને પારસ કુમાર રાધેશ્યામજી ખટીક બંને રહે. ભીલવાડા વાળા ક્રિકેટ મેચ ઉપર સટ્ટો રમતા પોલીસ ના હાથે ઝડપાઇ જતા તેમની અટકાયત કરવા માં આવી હતી. જેમની પાસેથી વિદ્યુત ઉપકરણ,રોકડ રકમ, ૨૭ મોબાઇલ અને એક સ્કોર્પિયો ગાડી મળીને કુલ રૂ.૧૦,૭૨,૬૫૦ નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. જ્યારે શહેરના ઢૂંઢિયાવાડી ઘેમરપુરા ત્રણ રસ્તા પર એક યુવક મોબાઈલ પર આઈસીસી વર્લ્ડકપમાં બાંગ્લાદેશ અફઘાનિસ્તાન વન-ડે મેચ ઉપર લાઈવ પ્રસારણ જોઈને રન દીઠ હવાલાનો સટ્ટો રમતો તેમજ રમાડતો હોય બાતમી ના આધારે પશ્ચિમ પોલીસની ટીમે ઓચિંતી રેડ કરીને વિજયભાઈ જગદીશભાઈ પરમાર (ઠાકોર) નામના શખ્સને મોબાઇલ ઉપર સટ્ટો રમતાં ઝડપી પાડયો હતો અને તેની પાસેથી રૂ.૧૫૭૦ રોકડ રકમ અને રૂ.૧૩ હજાર ની કિંમત ના ૪ મોબાઇલ મળી કુલ રૂ.૧૪,૫૭૦ ના મુદ્દામાંલ કબ્જે કરવા માં આવ્યો હતો અને તેની વિરુદ્ધ પશ્ચિમ પોલીસ મથકે કાયદેસર ની કાર્યવાહી હાથ ધરાઇ હતી.
આમ, પાલનપુરમાં વર્લ્ડકપ ની ક્રિકેટ મેચ પર સટ્ટો રમતા ત્રણ શખ્સો લાખોના મુદ્દામાલ સાથે પોલીસ ના હાથે ઝડપાઇ જતાં ક્રિકેટ ઉપર સટ્ટો રમવાની કુટેવ ધરાવતા તત્વોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.