ગુજરાતની 26 લોકસભા અને 4 વિધાનસભા બેઠક પર મતદાન, વડાપ્રધાન મોદીએ માતાનાં આશીર્વાદ લીધા બાદ કર્યું મતદાન

ગુજરાતની 26 લોકસભા બેઠકો અને વિધાનસભાની 4 બેઠકોની પેટાચૂંટણી માટે સવારે 7 વાગ્યાથી મતદાન શરૂ થયું છે. રાજ્યમાં 4.51 કરોડ મતદારો માટે ઉભા કરવામાં આવેલા 51,851 મતદાન કેન્દ્રો પરથી મતદાન શરૂ થઈ ગયું છે. રાજ્યમાં અનેક સ્થળોએ ઈવીએમ ખોટકાયા છે. પ્રથમ બે કલાકમાં રાજ્યની તમામ બેઠકો પર સરેરાશ 10થી 11 ટકા મતદાન નોંધાયું છે.
અમિત શાહે પરિવાર સાથે નારણપુરાની નિષ્કલ સ્કૂલમાં જ્યારે મધ્યપ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ શીલજ ખાતેની પ્રાથમિક શાળામાં મતદાન કર્યું હતું. તેમજ પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહે વાસણ ગામમાં મતદાન કર્યું.
વડાપ્રધાન મોદીએ માતા હીરાબાનાં આશીર્વાદ લીધા બાદ અમદાવાદના રાણીપ ખાતે નિશાન હાઇસ્કૂલ રૂમ નંબર 3માં મતદાન કર્યું હતું. જ્યાં તેને આવકારવા માટે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ પણ પહોંચ્યા હતા. ત્યાર બાદ મોદી અને અમિત શાહે લગભગ અડધો કિલો મીટર ચાલીને લોકોનું અભિવાદન ઝિલ્યું હતું.પીએમ મોદીએ મતદાન કર્યા બાદ મીડિયા સાથે વાત કરતા જણાવ્યું કે, મને આજે કર્તવ્ય નિભાવવાની ગૌરવપૂર્ણ પળ મળી છે. મને આનંદ છે કે મારા વતનમાંથી મને મતદાન કરવાની તક મળી છે. જેમ કુંભનાં મેળામાં સ્નાન કરીને પવિત્રતાની અનુભૂતિ થાય તેવો જ અનુભવ મને અમદાવાદમાં મતદાન કરીને થાય છે. તમામ લોકો મતદાન જરૂરથી કરજો. પહેલીવાર વોટ કરનારની આ સદી છે, તેઓ બધા જ ચોક્કસથી મતદાન કરજો.
અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાત લોકસભાની 26 બેઠકો પરથી કુલ 371 ઉમેદવાર ચૂંટણી લડી રહ્યા છે. સૌથી વધુ ઉમેદવાર(31) સુરેન્દ્રનગર તો સૌથી ઓછા પંચમહાલ(6)માં છે. રાજ્યમાં આશરે 10 લાખ મતદારો પહેલીવાર મતાધિકારનો ઉપયોગ કરશે. ઉલ્લેખનીય છે કે, ગુજરાત સહિત 13 રાજ્ય, 2 કેન્દ્ર શાસિત પ્રદેશની 116 સીટ પર વોટિંગ શરૂ થયું છે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.