હિંમતનગરના ગઢોડા ગામના ચકચારી ગેંગરેપ કેસમાં બે શખ્સોની ધરપકડ

 હિંમતનગર : હિંમતનગર તાલુકાના ગઢોડા ગામની સીમમાં થોડાક દિવસ અગાઉ જ મધરાતે ખેતરની ઓરડીમાં રહેતા અને ખેતમજૂરી કરી ગુજરાન ચલાવતા પરિવારની મહિલા પર તેના પતિ તેમજ પાંચ સંતાનોની નજર સમક્ષ પાણીની જરૂર હોવાનું કહી અંદર ઘૂસી ગયેલા પાંચ શખ્સો પૈકીના બે અજાણ્યા શખ્સોએ શ્રમિક પરિવારને જાનથી મારવાની ધમકીઓ આપી મહિલા પર બે શખ્સોએ દુષ્કર્મ આચર્યાની ઘટના બન્યા બાદ તે ઘટના અંગે હિંમતનગર એ ડીવીઝનમાં પોલીસે ગુનો દર્જ કરી દુષ્કર્મની ઘટના સંદર્ભે જિલ્લા પોલીસ અધિક્ષકે ઘટનાની તપાસ ક્રાઇમ બ્રાન્ચને સોંપી પંદર ટીમો દ્વારા તપાસ હાથ ધરી મંગળવારે તલોદ તાલુકાના માલવણ ગામના અને મોડાસાના રાણાસૈયદ ખાતે રહેતા બે શખ્સોને જાયલો ગાડી સાથે ઝડપી લીધા હતા, જયારે ક્રાઇમ બ્રાન્ચે મોડાસાની ચાંદ ટેકરી ખાતે રહેતા ફરાર વધુ ત્રણ શખ્સોને દબોચવા માટે તપાસના ચક્રો તેજ   બનાવ્યા છે. 
દુષ્કર્મની ઘટના અંગે ક્રાઇમ બ્રાન્ચના સૂત્રો દ્વારા પ્રાપ્ત વિગત અનુસાર હિંમતનગર તાલુકાના ગઢોડા ગામની સીમમાં આવેલ એક ખેતરની ઓરડીમાં શ્રમિક પરિવાર રહેતો હતો. ગત શનિવારે મધરાતે જાયલો ગાડીમાં આવેલા પાંચ શખ્સોએ ઓરડી બહાર સૂતેલા પરિવારને જગાડી ગાડી બંધ થઇ ગઇ છે પાણી જોઇએ છે તેમ કહી ઓરડીમાં ઘૂસી મહિલા તેમજ તેના પતિ અને પાંચ બાળકોને ઓરડીમાં પુરી દીધા હતા. ત્યારબાદ પાંચ શખ્સો પૈકીના બે શખ્સોએ શ્રમિક પરિવારને જાનથી મારવાની ધમકીઓ આપી પતિ તેમજ બાળકોની હાજરીમાં જ સામુહિક દુષ્કર્મ આચર્યુ હતું, જયારે અન્ય ત્રણ શખ્સો ઓરડીની બહાર ઉભા રહ્યા હતા. મહિલા પર બે શખ્સોએ દુષ્કર્મ આચર્યા બાદ પાંચેય શખ્સોએ મહિલા તથા તેના પતિ અને પાંચેય બાળકોને ઓરડીમાં પુરી દઇ ઓરડીનું બારણુ બહારથી બંધ કરી દઇ જાયલો ગાડીમાં ભાગી છૂટયા હતા. દુષ્કર્મની ઘટના અંગે હિંમતનગરના એ ડીવીઝનમાં ગુનો નોંધાયા બાદ ગુનાની ગંભીરતાને ધ્યાને લઇ જિલ્લા પોલીસ અધિક્ષક ચૈતન્ય મંડલિકે ક્રાઇમ બ્રાન્ચને તપાસ સોંપી હતી.
પોલીસ અધિક્ષકના માર્ગદર્શન હેઠળ દુષ્કર્મની ઘટનામાં અલગ અલગ પંદર ટીમો બનાવી હિંમતનગરના નાયબ પોલીસ અધિક્ષક, એલસીબીના પી.આઇ. વી.આર.ચાવડા., પી.એસ.આઇ. જે.એમ.પરમાર સહિતની ટીમે બનાવ વાળી જગ્યાની આસપાસના વિસ્તારના સીસી ટીવી ફૂટેજ ચેક કરી ડોગ સ્કવોર્ડ, એફએસએલ વાનની મદદથી તપાસ આરંભી હતી. જેમાં સીસી ટીવી ફૂટેજમાં દેખાયેલ મહિન્દ્રા જાયલો ગાડી તલોદ તાલુકાના માલવણ ગામે રહેતા રામાભાઇ અભાભાઇ વાદીની વપરાયેલ હોવાનું શોધી કાઢયા બાદ પોલીસે બાતમીદારોથી બાતમી મેળવતા મોડાસાની ચાંદ ટેકરી ખાતે ઢોર ચોરી કરવાની ટેવવાળા કેટલાક શખ્સો મહિન્દ્રા જાયલો ગાડી નં.જીજે.૦૮.આર.૮૨૮૩ લઇને જુદા જુદા ઠેકાણે ફરતા હોવાની બાતમી મળી હતી, સાથે સાથે ક્રાઇમ બ્રાન્ચને રામાભાઇ અભાભાઇ વાદી આ જાયલો ગાડી લઇને મોડાસા તરફથી નીકળી હિંમતનગર થઇ કોઇક જગ્યાએ જનાર હોવાની બાતમી મળતા એલસીબી પી.આઇ. વી.આર.ચાવડા, પી.એસ.આઇ. જે.એમ.પરમાર, પી.એસ.આઇ. બી.યુ.મુરીમા, હે.કો. મો.સલીમ ઇકબાલહુસેન, હરપાલસિંહ હરિશચંદ્રસિંહ, પોકો. મહેન્દ્રકુમાર શંકરલાલ, વિરેન્દ્રસિંહ નરેન્દ્રસિંહ, હે.કો. રજુસિંહ હીરસિંહ સહિતની ટીમ સહકારી જીન ચાર રસ્તા પાસે વોચમાં રહી હતી અને તે દરમિયાન એલસીબીની ટીમે જાયલો ગાડી નં.જીજે.૦૮.આર.૮૨૮૩ સાથે રામાભાઇ અભાભાઇ વાદી અને શાહરૂખ ઉર્ફે બોડો યાકુબભાઇ મુલતાની મંગળવારે અટક કરી પુછતાછ કરી હતી. જેમાં દુષ્કર્મની ઘટનાનું સમગ્ર રાજ ખુલવા પામ્યુ હતું. ક્રાઇમ બ્રાન્ચે ઝડપાયેલા બંને શખ્સોને હિંમતનગર એ ડીવીઝન પોલીસ સ્ટેશન હવાલે કરી વોન્ટેડ તોફીકશફી શેરખા મુલતાની (રહે.ચાંદ ટેકરી, મોડાસા), સિરાજ યુસુફ મુલતાની (રહે.ચાંદ ટેકરી, મોડાસા), સાજીદ યુસુફ મુલતાની (રહે.ચાંદ ટેકરી, મોડાસા) ને દબોચવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.