ધાનેરાના શેરગઢમાં ૧૮ વર્ષથી તમાકુના વેચાણ ઉપર પ્રતિબંધ

ધાનેરા આજે વિશ્વ તમાકુ દિવસ છે ત્યારે આ દિન વિશેષની ઉજવણી અંતર્ગત તમાકુથી થતા નુકશાન નિવારવા માટે આજે જનજાગૃતિ કેળવવાના પ્રયાસો થઈ રહ્યા છે ત્યારે બનાસકાંઠાના એક ગામમાં  છેલ્લા ૧૮ વર્ષથી તમાકુના  વેચાણ પર પ્રતિબંધ છે અને આ ગામના બાળકા તેમજ યુવાનો ગુટખા કે તમાકુના સેવનથી દુર જ રહે છે. દર વર્ષે ૩૧ મી મે ના દિવસની વિશ્વ તમાકુ નિષેધ દિવસ તરીકે ઉજવણી કરાય છે. તમાકુના સેવનના દુષ્પરિણામો અંગે લોકોમાં જાગરૂકતા લાવવા અને તમાકુની ખરાબ આદતમાંથી બહાર આવવાની જાગૃતિ કેળવવા માટે અનેક સંસ્થાઓ સક્રિય પ્રયાસો કરે છે. તમાકુનું કોઈપણ પ્રકારે કરાતું સેવન સ્વાસ્થ્ય માટે જોખમી હોવાનો વ્યાપક પ્રચાર પ્રસાર કરાતો હોવા છતાં આજના યુવાનો તેમજ મહિલાઓ પણ તમાકુના બંધાણી બની શરીરનો નાશ કરી રહ્યા છે.મિત્રો અને સાથીઓના દબાણથી કે બહારી જીજ્ઞાસાના કારણે આજનું યુવાધન તમાકુનું સેવન કરવામાં કોઈ ખચકાટ અનુભવતું નથી.તમાકુ, સિગારેટ, બીડી,ગુટખા અને હુક્કા જેવા સ્વરૂપે તમાકુનું સેવન કરતા લોકોને તમાકુમાં રહેલું નિકોટીન થોડા સમય માટે ખુબ આનંદ આપે છે પરંતુ લાંબા સમયે તે તમારાં  હદય, ફેફસાં, પેટ અને  જ્ઞાનતંતુઓને અસર કરે છે.જેથી તમાકુના સેવનથી દૂર રહેવામાં જ શાણપણ છે.ત્યારે બનાસકાંઠાના  ધાનેરા તાલુકાના શેરગઢ ગામમાં છેલ્લા ૧૮ વર્ષથી  તમાકુ તેમજ ગુટખાના વેચાણ પર પ્રતિબંધનો આકરો અમલ થઈ રહ્યો છે. શેરગઢ ગામમાં કુલ ૨૫૦૦ થી પણ વધારે લોકો વસવાટ કરે છે.ત્યારે આ ગામની નવી પેઢી નશાના રવાડે ના ચડે તે માટે ૧૮વર્ષો પૂર્વે ગામની શાળામાં ફરજ પર હાજર થયેલ નવા શિક્ષકની જાગૃતિના લીધે આજે આ ગામના બાળકો ગુટખા જેવા નશીલા દ્રવ્યોના વળગણથી દુર રહી શક્યા છે.
ધાનેરા તાલુકાના છેવાડે આવેલા શેરગઢ ગામમાં ૧૦ જેટલી દુકાનો આવેલી છે.આ દુકાનોમાં જીવન જરૂરિયાતની તમામ ચીજવસ્તુઓ મળી રહે છે.પણ કોઈ દુકાનમાં બીડી,  ગુટખા કે અન્ય નશીલા પદાર્થ મળતા નથી. ગામના યુવાનો તેમજ વડીલોએ લીધેલા તમાકુબંધીના નિર્ણયનો દુકાનદારો પણ આકરો અમલ કરી રહ્યા હોઈ આજે આ ગામમાં લોકો વ્યસનના વળગણથી દુર રહી શક્યા છે તેવું દુકાનદારે જણાવ્યું હતું.
ખાસ કરીને પશુપાલન તેમજ ખેતીના વ્યવસાય પર નિર્ભર આ ગામમાં તમાકુના વેચાણ પર પ્રતિબંધ હોઈ ગામની નવી પેઢીના બાળકો પણ તમાકુ અને મીરાજ ગુટખા વિશે સંપૂર્ણપણે અજાણ છે. ગામની શાળા દવારા અવારનવાર રેલી તેમજ વ્યસનમુક્તિના કાર્યક્રમો યોજી ગામના લોકોને વ્યસનના નુકશાન અંગે જાગૃત બનાવવા પ્રયાસો કરાય છે.તમાકુના સેવન બાબતે સમગ્ર વિશ્વમાં  ભારત પહેલા નંબરે છે.અને વર્ષ દરમિયાન ભારતમાં અસંખ્ય લોકો કેન્સર ના લીધે મોતને ભેટે  છે.ત્યારે એક નાનકડુ ગામ આવો નિર્ણય લઈ અન્ય ગામોને પણ રાહ ચીંધી રહ્યું છે. જો અન્ય ગામો  પણ તમાકુ પર પ્રતિબંધ મુકવા આગળ આવે તો યુવાધનને ખોખલું બનતા  બચાવી શકાય તેમ છે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.