મેતાની ૯ વર્ષીય બાળકીને શંકાસ્પદ ડિપ્થેરિયા

છાપી : બનાસકાંઠાના વડગામ તાલુકાના મેતા ગામમાં એક નવ વર્ષીય બાળકી ડિપ્થેરિયાના ઝપેટમાં આવતા તાલુકામાં ખળભળાટ સાથે આરોગ્ય વિભાગ હરકતમાં આવી સર્વે હાથ ધર્યો હોવાનું જાણવા મળે છે.
સરહદી બનાસકાંઠાના ધાનેરામાં શંકાસ્પદ ડિપ્થેરિયાના કારણે છ બાળકો ભોગ બનતા જિલ્લામાં ફફડાટ વ્યાપી ગયો છે. દરમિયાન આ રોગ ટૂંકા ગાળામાં વડગામના ગામડાંઓ સુધી પહોંચતા લોકોમાં ભયનું વાતાવરણ જોવા મળી રહ્યું છે.સૂત્રો દ્રારા પ્રાપ્ત માહિતી મુજબ વડગામ તાલુકાના મેતાના ઇન્દીરાનગરમાં રહેતી નવ વર્ષીય કિંજલ નારણભાઇ માજીરાણાને બે ચાર દિવસથી ગળામાં બળતરા તેમજ સોજો આવવા સાથે દુખાવો થતાં પ્રાથમિક સારવાર દરમિયાન ડિપ્થેરિયા થયાનું સામે આવતા બાળકીને તાત્કાલીક પાલનપુર સિવિલમાં આઇસોલેશન વોર્ડમાં સારવાર અર્થે ખસેડવામાં આવી હોવાનું જાણવા મળે છે. જ્યાં બાળકીની તબિયત સ્થિર હોવાનું આરોગ્ય વિભાગે જણાવ્યું હતું. ડેન્ગ્યુ બાદ ડિપ્થેરિયા જેવા જીવલેણ રોગનો વડગામ તાલુકામાં પગપેસારો થતાં આરોગ્ય વિભાગ હરકતમાં આવી સર્વેની કામગીરી હાથ ધરી હોવાનું જાણવા મળે છે. ચોમાસુ લગભગ પૂર્ણ થતાની સાથે મચ્છરજન્ય અનેક રોગોએ તાલુકામાં માથું ઊંચક્યું છે અને ઘેર ઘેર માંદગીના ખાટલા ખડકાય હોવાનું જાણવા મળી રહ્યું છે.તાલુકામાં હજુ પણ ડેન્ગ્યુનો કહેર યથાવત રહેવા પામ્યો છે ત્યારે ડિપ્થેરિયાની ઝપેટમાં બાળકી આવતા તાલુકામાં ચકચાર મચી જવા પામી છે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.