લોકરક્ષક પરીક્ષાના પગલે મુસાફરો બસની રાહ ના જોવે....

એક્સપ્રેસ બસરૂટનું સંચાલન યથાવત રીતે ચાલુ રાખી અરજદારોને બસસેવા પુરી પાડવા તંત્રનું આયોજન
 
આગામી રવિવારે યોજાનારી લોકરક્ષક દળની પરીક્ષા માટે અરજદારોને વિનામૂલ્યે મુસાફરી માટે પુરતી બસસેવા પુરી પડવા રાજય સરકારના આદેશના પગલે એસ.ટી.નિગમના પાલનપુર વિભાગ દ્વારા પણ જિલ્લાના પરિક્ષાર્થીઓ માટે ૩૨૦ થી વધુ બસોની ફાળવણી કરી દેવાઈ હોઈ આવતીકાલ શનિવાર અને રવિવાર એમ બે દિવસ માટે જિલ્લામાં બસસેવા મહદઅંશે પ્રભાવિત થાય તેમ છે.જોકે નિગમના પાલનપુર ડિવિઝન દ્વારા એક્સપ્રેસ બસરૂટનું સંચાલન યથાવત રીતે ચાલુ રાખવાનું આયોજન કરાયું છે.પરંતુ લોકલ બસ રૂટનું સંચાલન બંધ રાખવાની ફરજ પડે તેમ છે.આવી સ્થિતિમાં આગામી બે દિવસ બસની રાહ ના જોઇ સહકાર આપવા એસ.ટી.તંત્ર દ્વારા મુસાફરોને આગોતરો અનુરોધ કરાયો છે.
 
બનાસકાંઠામાંથી લોકરક્ષકની પરીક્ષા આપવા જનાર અરજદારો માટે ગોઠવાયેલી બસસેવાની વિસ્તૃત વિગતો આપતાં એસ.ટી.નિગમના પાલનપુર ખાતેના વિભાગીય નિયામક જે.એચ.સોલંકીએ 'રખેવાળ' દૈનિકને જણાવ્યું હતું કે એસ.ટી.નિગમના પાલનપુર વિભાગ દ્વારા જિલ્લાના અરજદારોને અન્ય જિલ્લાના પરીક્ષા કેન્દ્રો સુધી પહોંચતા  કરવા માટે અમે કુલ ૨૮૦ મોટી બસોની ફાળવણી કરી છે અને બહારના જિલ્લાઓમાંથી બનાસકાંઠામાં પરીક્ષા આપવા આવનાર અરજદારોને પણ તાલુકા મથકો સુધી પહોંચાડવા ૪૪ મીની બસોની ફાળવણી કરી છે.જેથી શનિવાર અને રવિવાર એમ બે દિવસ દરમ્યાન લોકલ બસ રૂટનું સંચાલન સંપૂર્ણપણે બંધ રાખવાની ફરજ પડશે.જોકે પાલનપુર વિભાગના તમામ ડેપોના એક્સપ્રેસ બસ રૂટનું સંચાલન યથાવત રીતે જ ચાલુ રખાશે.
 
નિગમના પાલનપુર વિભાગે અરજદારોને એડવાન્સ રિઝર્વેશનનો લાભ આપતા મોટાભાગના એક્સપ્રેસ રૂટમાં પણ સીટો બુક થઈ ગઈ છે.અને બીજી ૩૬ વધારાની બસોમાં પણ સો ટકા સીટનું બુકીંગ થઈ ગયું હોઈ અરજદારોને છેલ્લી ઘડીએ કોઈ મુશ્કેલી વેઠવી ના પડે એ માટે કોઈ પણ આકસ્મિક સ્થિતિને પહોંચી વળવા ૮૦ જેટલી બસો અનામત રખાઈ છે.જેથી લોકલ બસરૂટ સંપૂર્ણપણે બંધ રહે તેવી સ્થિતિ હોઈ બે દિવસ લોકલ બસની રાહ ના જોઈ નિગમને સહકાર આપવા પણ વિભાગીય નિયામક દ્વારા મુસાફર જનતાને આગોતરો અનુરોધ કરાયો છે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.