સાબરડેરીના ચેરમેન પદેથી મહેશભાઈ પટેલનું રાજીનામું

સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના પશુપાલકો અને દૂધ ઉત્પાદકો માટે જીવાદોરી સમાન સાબરડેરીના ચેરમેનની ચૂંટણીના વિવાદનો આજે નાટકીય રીતે અંત આવ્યો છે. સાબરડેરીના ચેરમેન મહેશભાઇ પટેલે મંગળવારે પોતાનું રાજીનામુ ડેરીના એમ.ડી. સમક્ષ ધરી દેતા કામચલાઉ ધોરણે સાબરડેરીના ચેરમેનનો ચાર્જ વાઇસ ચેરમેનને સોંપાયો છે. સહકારી રાજકારણીઓની અગ્નિ પરીક્ષા સમાન બનેલી સાબરડેરીના ચેરમેનની ચૂંટણીમાં અનેક વિવાદો બાદ સાબરડેરીના ચેરમેન તરીકે સાબરકાંઠા બેંકના ચેરમેન મહેશભાઇ પટેલની સર્વસંમતિથી વરણી કરાયા બાદ કેટલાક નારાજ ડિરેકટરોએ હાઇકોર્ટના દ્વાર પણ ખખડાવ્યા હતા. સતત વિવાદો વચ્ચે સાબરડેરીના ચેરમેને એમ.ડી. સમક્ષ રજૂ રાજીનામું ધરી દીધા બાદ ડેરીના વાઇસ ચેરમેનને કામચલાઉ ધોરણે ચેરમેનની જવાબદારી સોંપાઇ છે. જયારે બીજીબાજુ આગામી સમયમાં નવા ચેરમેનની વરણી માટે ચૂંટાયેલા ડિરેકટરો દ્વારા સોગઠાબાજીની તૈયારીઓ આરંભાઇ ગઇ છે. સમગ્ર ઘટના ક્રમ અંગે પ્રાપ્ત વિગત અનુસારસાબરડેરીના બોર્ડ ઓફ ડિરેકટરોની ચૂંટણીમાં મહેશભાઇ પટેલ અને જેઠાભાઇ પટેલે ખભેખભા મિલાવી ૧૬ પૈકી ૧૨ બેઠકો બિનહરીફ કરવામાં સફળતા મેળવી હતી. પરંતુ ૪ બેઠકો માટે સર્વસંમતિ ન થતા ચૂંટણી યોજાઇ હતી. જેના પરિણામ બાદ તત્કાલિન સમયે પ્રાંત અધિકારી યતિન ચૌધરીની ઉપસ્થિતિમાં સાબરડેરીના ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી યોજાઇ હતી. સાબરડેરીના ચૂંટાયેલા ડિરેકટરોની હાજરીમાં ચેરમેન તરીકે જેઠાભાઇ પટેલના નામની સર્વસંમતિ ન થતા આખરે નોમીનેટ થયેલા બેંકના ચેરમેન મહેશભાઇ પટેલે ચેરમેન પદની દાવેદારી કરતા સાબરડેરીના ઇતિહાસમાં સૌપ્રથમવાર નોમીનેટ થયેલા ડિરેકટરની ચેરમેન તરીકે સર્વાનુમતે બિનહરીફ વરણી કરવામાં આવી હતી. જોકે સાબરડેરીના ચેરમેન પદે મહેશભાઇ પટેલની વરણી થયા બાદ કેટલાક ડિરેકટરોમાં ભારે અસંતોષની લાગણી જોવા મળી હતી અને ચેરમેનની વરણીને હાઇકોર્ટમાં પડકારવામાં આવી હતી.
જયારે બીજીબાજુ સાબરકાંઠા બેંકના ચેરમેન મહેશભાઇ પટેલે ડેરીમાં પણ પેરાશુટ એન્ટ્રી કરતા અન્ય ડિરેકટરો ચોકી ઉઠયા હતા. સાબરકાંઠા જિલ્લાના સહકારી રાજકારણમાં આ ઘટના બાદ અનેક વિવાદો સર્જાયા હતા. હાઇકોર્ટમાં પણ ડેરીના ચેરમેનની ચૂંટણી અંગે કેવા પ્રકારનો નિર્ણય આવશે તેના ઉપર સહકારી આગેવાનો, ડિરેકટરો, દૂધ ઉત્પાદકો સહિતના મીટ માંડીને બેઠા હતા. મહેસાણાની નોમીનીઝ કોર્ટમાં પણ દાદ માગવામાં આવી હતી. પરંતુ આ બંને કોર્ટોમાં ચાલતા કેસનો નિવેડો ન આવતા પક્ષીય રાજકારણના કેટલાક દિગ્ગજોએ ચંચુપાત કરીને સહકારી રાજકારણમાં ચાલી રહેલા વિવાદનો અંત લાવવાનો પ્રયત્ન કર્યો હતો. સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં ડેરીના ચેરમેનના વિવાદને પગલે પક્ષીય રાજકારણ પણ ગરમાયુ હતું. તો બીજી તરફ સાબરડેરીના ચેરમેન પદેથી થોડાક દિવસ અગાઉ મહેશભાઇ પટેલે ભાજપના કમલમ ખાતેના કાર્યાલય રાજીનામુ આપ્યાની અફવાઓએ પણ જોર પકડયુ હતું. જેનું તે સમયે મહેશભાઇ પટેલે ખંડન પણ કર્યુ હતું. મંગળવારે સાબરડેરીના ચેરમેન મહેશભાઇ પટેલે બંધ કવરમાં એમ.ડી.ને રાજીનામુ આપતો પત્ર મોકલી આપતા જિલ્લાના સહકારી રાજકારણમાં ખળભળાટ મચી જવા પામ્યો છે.  
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.