થરાદ સાંચોર હાઇવે પરથી આઠ ગાયોને બચાવાઈ

થરાદ : બનાસકાંઠાના સરહદી થરાદ સાંચોર હાઇવે પરથી શુક્રવારની બપોરના સુમારે એક મીની ટ્રકમાં એક નાના વાછરડા સહિત આઠ ગાયોને ભરીને ઘાસચારા પાણીની સગવડ વગર બાંધીને લઇ જવાઈ રહ્યા હતા. આ બાબતની થરાદ નગર અને પંથકના જીવદયા પ્રેમીઓને જાણકારી મળતાં તેમણે ગાયત્રી મંદિર પાસે ટ્રકને ઉભી રખાવી હતી અને પુછપરછ કરતાં તેમાં બેઠેલી વ્યક્તિઓએ માલિકીની પશુઓ હોવાનું જણાવ્યું હતું. જોકે આ બાબતે જીવદયાપ્રેમીઓને અસંતોષ થતા તેમણે થરાદ પોલીસને બનાવ અંગે જાણ કરી હતી આથી ટ્રકને પોલીસ મથક લવાઈ હતી. જ્યાં પોલીસે તપાસ કરતાં મુળ થરાદ તાલુકાના રાણેસરી ગામના કુરશીભાઈ ધનાભાઈ રબારી એકાદ વર્ષ પહેલા સાબરકાંઠાના ઈડરથી પશુઓ અને પરિવાર સાથે માદરે વતન આવ્યા હતા. પણ અહીં હવે ઘાસચારા પાણીની અછતના કારણે ચાર મહિના ટુંકા કરવા માટે ફરી પાછા તબેલા સાથે ગાંધીનગર બાજુ જતા હોવાનું જણાવ્યું હતું. જ્યારે રાણેશરી ગામના સરપંચે પણ આ વાતને પુષ્ટિ આપી હતી. આથી પોલીસને પણ માલધારીની વાતમાં તથ્ય જણાતાં નિવેદન લઇ જવા દેવામાં આવ્યાં હતાં. તેમજ જીવદયાપ્રેમીઓ અને પોલીસે પણ માલધારીને વાહનમાં પશુઓની હેરાફેરી અંગેના નિયમથી વાકેફ કર્યા હતા. જો કે તે પુર્વે ગાયોને કતલખાને લઇ જવાતી હોવાની આશંકાને પગલે બહોળી સંખ્યામાં જીવદયાપ્રેમીઓ એકઠા થઈ જવા પામ્યા હતા.આથી ભારે ઉત્તેજનાનો માહોલ પ્રસરવા પામ્યો હતો. જો કે જીવદયાપ્રેમીઓને પણ સંતોષ થતાં માલધારીને તેમની ગાયો સાથે જવા દેવામાં આવ્યો હતો અને ગાયો માટે ઘાસની વ્યવસ્થા પણ કરી આપી હતી. 
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.