બનાસકાંઠા જિલ્લામાં જમીન રી-સર્વેમાં વ્યાપક છબરડાઓથી ખેડૂતો ત્રાહિમામ

પાલનપુર
સરહદી બનાસકાંઠા જિલ્લામાં સેટેલાઇટ દ્વારા ખેડૂતોની જમીનનું સર્વે હાથ ધરાયુ હતું. જેમાં ભારે છબરડા સર્જાતા જિલ્લાના ૩૦ હજારથી વધુ ખેડૂતોને તેની અસર થઇ છે. ત્યારે અસરગ્રસ્ત ખેડૂતોએ આજે કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું. જેમાં ૧૦ દિવસમાં ન્યાય નહીં મળેથી આંદોલન છેડવાની ચીમકી ઉચ્ચારી હતી.
સરકાર દ્વારા ખેતીની જમીનોની સાચી માપણી માટે ડિજિટલ સર્વેની કામગીરી હાથ ધરાઈ હતી. જેનો કોન્ટ્રાક્ટ ખાનગી એજન્સીઓને આપી જમીનોની માપણી કરાવી હતી. જોકે ખેડૂતોને વિશ્વાસમાં લીધા વિના થયેલી આ આ માપણીમાં મોટાપાયે છબરડા બહાર આવ્યા છે. સેટેલાઈટથી માપણી થતા સરવે નંબર માં જુના ક્ષેત્રફળ અને નવા ક્ષેત્રફળમાં મોટી ઘટ થઈ છે. એક સરવે નંબરમાંથી બીજા સર્વે નંબરમાં જવા માટેના રસ્તાઓમાં ક્ષતિ થતા ખેડૂતો ખેડૂતો વચ્ચે ઘર્ષણ થઇ રહ્યા છે. સર્વે નંબરો એક ખેડૂતના નામથી બીજા ખેડૂતનાં નામે થઇ ગયા હોઇ ઉતારામાં પણ બીજા ખેડૂતોનું નામ આવી રહ્યું છે. અનેક ખેડૂતોના આખે આખા સર્વે નમ્બર ગુમ થયા છે. અને ખેડૂતોની મોટા ભાગની જમીનો ઘટી ગઈ છે. આવા અનેક ગરબડ ગોટાળા ઓને કારણે ખેડૂતો ભારે હેરાનગતિ ભોગવી રહ્યા છે. આવા ૩૦,૦૦૦થી વધુ અસરગ્રસ્ત ખેડૂતોની અરજીઓ જમીન દફ્‌તરમાં ધૂળ ખાઈ રહી છે. ખેડૂતોને સંતોષકારક જવાબ પણ અપાતો નથી. ત્યારે લાલઘૂમ થયેલા ખેડૂતોની વ્હારે ચડતા ભારતીય કિસાન સંઘએ જિલ્લા પ્રમુખ ભીખાભાઇ ભુટકાની આગેવાની તળે આજે જિલ્લા કલેક્ટર સંદીપ સાંગલેને આવેદનપત્ર પાઠવ્યું હતું.
ડિજિટલ સર્વેમાં થયેલી ક્ષતિઓને પગલે જિલ્લામાં ૩૦ હજાર ખેડૂતો હેરાન થઈ રહયા છે.જેના કારણે ખેડૂતો પાક વિમાના હકદાર હોવા છતાં પાક વીમો મળ્યો નથી. સરકાર દ્વારા આ અંગે યોગ્ય પગલાં લેવામાં નહિ આવે તો ખેડૂતોએ આંદોલન નું શસ્ત્ર ઉગામવાની ચીમકી ઉચ્ચારી છે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.