દિયોદરના રાંટીલામાં પત્નીને બચાવવા જતાં પતિને હડકાયા ભૂંડે કરડી ખાતાં મોત

દિયોદર :  રાંટીલા ગામે રવિવારે સાંજે ખેતરમાં પતિ-પત્ની નિંદામણનું કામ કરી રહ્યા હતા. ત્યારે પાછળથી આવેલ ભુંડ પત્નીને કરડતા ભુંડના મુખમાંથી પત્નીને બચાવવા જતાં ભૂંડ પતિ ઉપર ત્રાટક્યું હતું અને પતિને ફાડી ખાધો હતો. જોકે પતિને વધુ લોહી વહી જતા મોત નિપજ્યું હતું. હડકાયા ભુંડે વિસ્તારમાં અન્ય ત્રણ લોકોને પણ બચકા ભરતાં થરાદની રેફરલ હોસ્પીટલ ખાતે સારવાર અર્થે ખસેડાયા હતા. ઘટનાને પગલે રાંટીલા સહિત આજુબાજુના વિસ્તારમાં ફફડાટ પ્રસરી જવા પામ્યો હતો.
દિયોદરના રાંટીલા ગામે રહેતા બાબાભાઇ પંચાલના ખેતરમાં ખેતમજુર તરીકે કામ કરતા ભરતભાઇ ગણેશભાઇ પ્રજાપતિ રવિવારે સાંજના સમયે પોતાની પત્ની ગીતાબેન સાથે ખેતરમાં નિંદામણનું કામ કરી રહ્યા હતા. ત્યારે પાછળથી અચાનક આવેલા ભુંડે ગીતાબેનને બચકા ભરતા તેમના પતિ ભરતભાઇ તેમને બચાવવા વચ્ચે પડ્યા હતા. ત્યારે ભુંડે ગીતાબેનને છોડી ભરતભાઇને બચકા ભરીને શરીરના આગળના ભાગેથી ફાડી ખાધા હતા. જેથી ભરતભાઇને વધુ ઇજાઓ પહોંચતા શરીરમાંથી ભારે માત્રામાં લોહી વહી ગયું હતું.
સારવાર મળે તે પહેલાં ભરતભાઈનું મોત નિપજ્યું હતું અને ગીતાબેનને થરાદ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા. તે બાદ લોહીનો સ્વાદ ચાખી ગયેલા ભુંડે અન્ય વિસ્તારમાં ઘુસી જઇ ધુડાભાઇ જગનાભાઇ દેસાઇ, મશરૂભાઇ જગનાભાઇ દેસાઇ અને વાઘાભાઇ મેઘાભાઇ ડાભીને પણ કરડી જતા તેમને સારવાર અર્થે થરાદની હોસ્પીટલ ખાતે ખસેડાયા હતા. તે બાદ ભુંડ ગામના તળાવ બાજુ દોડી ગયું હતું.
ઘટનાની જાણ ગામના સરપંચ રાણીબેન જેઠાભાઇ વાઘેલાને થતા તેમણે વનવિભાગ, મામલતદાર, ટીડીઓને ઘટનાની જાણ કરી હતી. ઘટનાને પગલે વનવિભાગની ટીમ મોડી રાત્રે ઘટના સ્થળે પહોંચી હડકાયા ભુંડને પકડવાની કામગીરી હાથ ધરી હતી. જો કે પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી મૃતકનું પીએમની તજવીજ હાથ ધરી હતી. ભરતભાઇના મોતને લઇ તેમની બે નાની દિકરી અને ૧ નાનો દિકરો નોંધારા બનયા હતા.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.