02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / રાષ્ટ્રીય / ઉત્તરાખંડના ઘનસાલીમાં વાદળ ફાટ્યું, એક પરિવારના સાત લોકો કાટમાળ નીચે દટાયા

ઉત્તરાખંડના ઘનસાલીમાં વાદળ ફાટ્યું, એક પરિવારના સાત લોકો કાટમાળ નીચે દટાયા   29/08/2018

દહેરાદૂન: ઉત્તરાખંડના પહાડો પર અતિભારે વરસાદ થવાથી સમગ્ર પ્રદેશમાં તબાહી મચી ગઈ છે. આજે વહેલી સવારે ટિહરી જિલ્લાના ઘનસાલીમાં વાદળ ફાટતાં એક જ પરિવારના સાત લોકો કાટમાળ નીચે દટાઈ જતાં તમામનાં મોત થયાં છે.

 

સૂત્રોના જણાવ્યા અનુસાર ઘનસાલીના કોટ ગામમાં આજે વહેલી સવારે ચાર વાગ્યે વાદળ ફાટ્યું હતું. વાદળ ફાટવાના કારણે એક જ પરિવારના સાત સભ્ય ઘરના કાટમાળ નીચે દટાઈ ગયા હતા. આ ઘરમાં કુલ આઠ વ્યક્તિ રહેતી હોવાનું આસપાસના લોકોએ જણાવ્યું હતું. આ પરિવારની એક નાની બાળકી કુદરતી રીતે બચી જવા પામી હતી. આઘાતમાં સરી પડેલી આ બાળકીને નજીકની હોસ્પિટલે ખસેડવામાં આવી છે.

 

બદરીનાથ હાઈવે સતત છઠ્ઠા દિવસે પણ બંધ રહેતાં લોકોની પરેશાની ખૂબ વધી ગઈ છે. આ હાઈવે પર હાલ વાહનવ્યવહાર સદંતર બંધ છે. ફક્ત પગપાળા યાત્રીઓ આ રસ્તેથી પસાર થઈ રહ્યા છે. અંદાજે ર૪૪ તીર્થયાત્રીઓ બદરીનાથ હાઈવે ખૂલે એની રાહ જોઈને બેઠા છે.

 

આજે સવારે આ હાઈવે વધુ બે જગ્યાએ કાટમાળ તણાઈને આવતાં ફરી બંધ થઈ ગયો છે. સ્થાનિક તંત્ર હાલ રસ્તા પર આવેલા કાટમાળને હટાવવાની કામગીરીમાં લાગેલું છે, પરંતુ સતત વરસી રહેલા વરસાદના કારણે તેમની કામગીરી ખોરંભે ચડી છે.

 

બદરીનાથ હાઈવે પર તંત્ર દ્વારા દર પાંચ કિમી વિસ્તારમાં એક જેસીબી તહેનાત કરવાના આદેશ કરી દેવાયા છે. હાઈવે લાંબો સમય સુધી બંધ ન રહે તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. લામબગડ અને ક્ષેત્રપાલ ભૂસ્ખલન ઝોનમાં હાઈવે વારંવાર બંધ થઈ જવાથી જિલ્લા કલેક્ટરે અધિકારીઓને આ આદેશ આપ્યા છે.

 

દરમિયાન હાઈવેથી નજીક આવેલી પાંચ દુકાનો પાણીના વહેણમાં તણાઈ ગઈ છે અને ત્યાં હાજર લોકોએ ભાગીને મહામહેનતે પોતાનો જીવ બચાવ્યો છે. જિલ્લા અધિકારી સ્વાતિ ભદોરિયાએ જિલ્લામાં નિર્માણાધીન હાઈડ્રો પાવર પ્રોજેક્ટ અને સડક નિર્માણ એજન્સીઓના અધિકારીઓ સાથે એક બેઠક યોજી હતી.

 

તેમણે જણાવ્યું હતું કે અધિકારીઓમાં પરસ્પર સમન્વયનો અભાવ હોવાથી બદરીનાથ હાઈવે વારંવાર બંધ થઈ જાય છે. કુદરતી હોનારતની દૃષ્ટિએ ચમોલી જિલ્લાને સૌથી વધુ સંવેદનશીલ જાહેર કરવામાં આવ્યો છે અને ત્યાં વધુ મદદ મોકલવામાં આવી રહી છે.

 

નૈ‌નિતાલમાં પણ સ્થિતિ વિકટ બની છે. પહેલાં લોઅર મોલ રોડ અને હવે અપર મોલ રોડ તથા તેની નીચે વહેતી સીવર લાઈન પણ ખતરામાં મુકાતી લાગી રહી છે. અપર મોલ રોડ પર સતત વધી રહેલાં વાહનોનાં દબાણ અને પાણી ભરાતાં ઠેકઠેકાણે રસ્તો તૂટી ગયો છે.

 

જમીન નીચે બેસી રહી છે અને લોકો માટે મોટો ખતરો ઊભો થયો છે. નૈ‌નિ તળાવમાં પાણીનું સ્તર સતત વધી રહ્યું છે. સ્થાનિક અધિકારીઓના જણાવ્યા પ્રમાણે જો નૈ‌િન તળાવમાં પાણીનો પ્રવાહ આ ગતિએ જ આવતો રહ્યો તો થોડા દિવસોમાં જ તળાવ મોટા ધડાકા સાથે તૂટી જશે અને સમગ્ર શહેર પાણીમાં ગરકાવ થઈ જશે.

 

ઉત્તરાખંડની રાજધાની દહેરાદૂનમાં પણ સવારથી જ ભારે વરસાદ વરસી રહ્યો છે. આ ઉપરાંત રુદ્રપ્રયાગમાં પણ મુશળધાર વરસાદ પડતાં અનેક લોકો ફસાઈ ગયા હોવાનું જાણવા મળ્યું છે.

Tags :