દારૂના શોખીનો માટે ડીસા કોર્ટનો દાખલારૂપ ચુકાદો

ડીસા કોર્ટે દારૂ પીવાના શોખીન લોકો માટે સમાજમાં દાખલો બેસે તેવો હુકમ કર્યો છે. આજથી નવ વર્ષ પહેલા શહેરની એક હોટલમાં દારૂ પીધેલી હાલતમાં જડપાયેલ ડીસા નગરપાલિકાના તત્કાલિન ઇન્ચાર્જ ચીફ ઓફિસર અને નાયબ મામલતદાર સહિત ત્રણ વ્યક્તિઓને ડીસાની એડિશનલ સેસન્સ કોર્ટે એક માસની સાદી કેદની સજા ફટકારી છે સાથે એક મહિના સુધી ડીસા સિવિલ હોસ્પિટલમાં સવારે અને સાંજે બે ટાઈમ નિયમિત સફાઈ કરવા હુકમ કર્યો છે તેમજ દર અઠવાડિયે સફાઈનું સ્વખર્ચે વિડિયો રેકોર્ડિંગ કરી તેની સીડી હોસ્પિટલના હેડને સુપ્રત કરવા પણ જણાવાયું છે.કોર્ટનો આ ચુકાદાને લઈ દિવસભર રમુજ સાથે ચર્ચા થતી જોવા મળી હતી.
 
વિગત એવી છે કે,ડીસાની ટોપ ઇન ટાઉન હોટલમાં તા.૨૧-૧૦-૨૦૦૯ના રોજ પોલીસ રેડ દરમિયાન ડીસાના તત્કાલિન ઇન્ચાર્જ ચીફ ઓફિસર અને નાયબ મામલતદાર કિર્તિલાલ ચમનલાલ મકવાણા(નાઈ),દેવચંદ પુનમચંદ મોદી અને નવીનભાઈ પ્રહલાદભાઈ પટેલ દારૂની મહેફિલ માણતા અને જુગાર રમતા દારૂ પીધેલી હાલતમાં મળી આવ્યા હતા. આથી ત્રણેય વિરુદ્ધ ડીસા શહેર પોલીસ મથકે ગુનો દાખલ થયો હતો. જેનો કેસ ડીસાના પાંચમા એડી. જ્યુડી. મેજિસ્ટ્રેટની કોર્ટમાં ચાલી જતાં કોર્ટે એક માસની સજા અને રૂ.૧૦૦૦નો દંડ ફટકાર્યો હતો. પરંતુ તે સજાની સામે ડીસા એડી. ચોથા સેસન્સ જજશ્રીની કોર્ટમાં અપીલ દાખલ થઈ હતી. તા. ૧૫-૧૧-૨૦૧૮ના રોજ આ અપીલ ચાલી જતાં જજશ્રીએ ઉપરોક્ત કોર્ટનો હુકમ યથાવત રાખ્યો હતો તેમજ સજામાં ફેરફાર કરી દારૂ પીવાના શોખીન લોકો માટે સમાજમાં એક દાખલો બેસે તેવો આદેશ કર્યો હતો. કોર્ટે ત્રણેય આરોપીઓને તા.૧૬-૧૧-૨૦૧૮થી તા. ૧૫-૧૨-૨૦૧૮ દરમિયાન એક માસ સુધી સવારે ૧૦થી૧૨ અને સાંજે ૪થી૬ વાગ્યા સુધી ડીસા સિવિલ હોસ્પિટલમાં સમાજ સેવાના ભાગ રૂપે નિયમિત સફાઈ કરવા આદેશ કર્યો હતો અને દરેક આરોપીએ તેમના સ્વખર્ચે વિડિયો રેકોર્ડિંગ કરી તેની સીડી હોસ્પિટલના હેડને આપવા હુકમ કર્યો છે. આ કેસના સરકારી વકીલ ડી.પી.પટેલ અને વકીલ ટી.એ.ત્રિવેદીએ જણાવ્યુ હતું કે, સમાજમાં વધતાં જતાં દારૂના દૂષણને અટકાવવા કોર્ટે દાખલારૂપ સજા ફટકારી દારૂ પીનારા લોકો માટે લાલબતી સમાન ચુકાદો આપ્યો છે.  
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.