ડીસા હાઈવે ઉપર પિલ્લર પર ઓવરબ્રીજ બાંધવાની મંજૂરી મળી હોવાના અહેવાલો

          ડીસા
સરહદી બનાસકાંઠા જિલ્લાના આર્થિક મુખ્ય મથક એવા ડીસા શહેરને દોઢ દાયકા પૂર્વે આસામના સીલચરથી ગુજરાતના પોરબંદરને જોડતા નવા ફોરલેન હાઈવેની ભેટ મળ્યા બાદ વાહન વ્યવહારમાં ઘણી સરળતા થઈ ગઈ હતી. જોકે ફોરલેન હાઇવેના નિર્માણ બાદ ડીસા હાઇવે પર ટ્રાફિકની સમસ્યા ખૂબ પેચીદિ બની ગઈ છે અને ડીસા હાઇવે પર પ્રાણઘાતક અકસ્માતોનું પ્રમાણ પણ વધી રહ્યું છે.આવી સ્થિતિ વચ્ચે ડીસા હાઇવે પર ટ્રાફિકની સમસ્યાના કાયમી ઉકેલ માટે પીલ્લર ઓવરબ્રિજ બાંધવાની માંગણીએ જોર પકડયું હતું અને ગુજરાત વિધાનસભાની ગત ચૂંટણી પૂર્વે ડીસા શહેરના બુદ્ધિજીવીઓએ ડીસા શહેર હિતરક્ષક સમિતિના બેનર હેઠળ મોરચો માંડી ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચિમકી ઉચ્ચારતા સર્જાયેલા ગરમાવા વચ્ચે કેન્દ્રીય મંત્રી હરિભાઈ ચૌધરીએ જે તે વખતે ડીસા દોડી આવી ડીસા હાઇવે પર ઓવરબ્રિજના નિર્માણ માટે કેન્દ્ર સરકારમાં રજુઆત કરવાની ખાતરી આપી હતી. દરમ્યાન વિધાનસભા ચૂંટણી સંપન્ન થયા બાદ ડીસાના નવનિર્વાિચત ધારાસભ્ય શશીકાંતભાઈ પંડ્‌યાએ પણ આ મામલે કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરી સમક્ષ લેખિત રજુઆત કરતાં હાઇવે ઓથોરિટીના અધિકારીઓએ ડીસા હાઈવેની મુલાકાત લઈ ઓવરબ્રિજના નિર્માણની શક્યતાઓ પણ ચકાસી હતી.આવી સ્થિતિમાં કેન્દ્ર સરકારે ડીસા ખાતે હાઇવે પર ઓવરબ્રિજ બાંધવાની મંજૂરી આપી હોવાના તેમજ હાઇવે ઓથોરિટી દ્વારા ટેન્ડર પ્રક્રિયા હાથ ધરી દેવાઈ હોવાના અહેવાલો ગતરોજ સોશિયલ મીડિયામાં વાયરલ થતા આ મામલો ચર્ચાની એરણે ચઢ્યો છે.જોકે આ અહેવાલોને કોઈ સત્તાવાર સમર્થન સાંપડ્‌યું નથી.
ડીસા શહેરમાંથી પસાર થતાં નેશનલ હાઈવે નં.ર૭ ઉપરના દિપક હોટેલ,જલારામ મંદિર અને ગાયત્રી મંદિર સર્કલ પર લગભગ પ્રતિદિન સર્જાતી ટ્રાફીક સમસ્યાના કાયમી અને સ્થાયી ઉકેલ માટે છેલ્લા ઘણા વર્ષોથી ડીસા હાઇવે પર ઓવરબ્રીજ બાંધવાની માંગણી થઇ રહી છે.  
ઈસ્ટ-વેસ્ટ કોરીડોરનો આસામના સીલચરથી ગુજરાતના પોરબંદર સુધીનો નેશનલ હાઈવે નં.ર૭ ડીસાથી પસાર થાય છે આ હાઈવે પરથી મોટા ટ્રક કન્ટેઈનર સહીત અનેક નાના મોટા વાહનોની અવર જવર રહે છે.આ ઉપરાંત ડીસા હાઈવે ઉપર અનેક ખાનગી હોસ્પિટલો તેમજ અનાજમાર્કેટ તથા રહેણાંક વિસ્તારો આવેલા હોવાથી દિવસભર આ હાઇવે રોડ ધમધમતો રહે છે અને લગભગ દરરોજ ડીસા હાઇવે પણ  ટ્રાફીકજામના દ્રશ્યો પણ સર્જાતાં રહે છે. વળી, ડીસા હાઈવે ઉપર રોજિંદી બની ગયેલી  પ્રાણઘાતક અકસ્મા તોની ગંભીર  ઘટનાઓમાં પણ નિર્દોષ લોકોની મહામુલી જીંદગી રોળાઈ રહી હોઈ હાઈવે ઉપર ટ્રાફીક સમસ્યા તેમજ અકસ્માતોના કાયમી નિવારણ માટે ઓવરબ્રીજ બનાવવાની માંગણી કરાઈ હતી.અગાઉ નેશનલ હાઈવે ઓથોરીટી દ્વારા ઓવરબ્રીજની વિચારણા થઈ હતી.પરંતુ જે તે સમયે પીલ્લર વગરનો ઓવરબ્રીજ બનાવવાની વાતને લઈ ભારે વિરોધ થયો હતો અને પીલ્લર આધારીત ઓવરબ્રીજ બનાવવા માંગણી કરાઈ હતી.બાદમાં આ મામલો ટલ્લે ચડ્‌યો હતો.શહેરીજનો દ્વારા વારંવાર રજુઆતો કરવા છતાં કોઈ પરિણામ મળતું ન હતું અને લોકોને ટ્રાફીક સમસ્યાના ભોગ બનવું પડતું હતું. કેન્દ્ર સરકારે ડીસા હાઈવે ઉપર પીલ્લર આધારીત ફ્‌લાય ઓવરબ્રીજ બાંધવાની મંજૂરી આપી હોવાના અહેવાલો વહેતા થતા  શહેરીજનોમાં આનંદની લાગણી છવાઈ છે. આ નવો એલિવેટેડ ઓવરબ્રિજ બંધાઈ જશે તો ડીસા શહેરનો ટ્રાફીકનો પેચીદો પ્રશ્ન મહદઅંશે હલ થઈ શકે. 
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.