વડોદરામાં જુનીગઢી અને પાણીગેટ મંડળના શ્રીજીના વિસર્જનને ધ્યાનમાં રાખી ચૂસ્તબંદોબસ્ત ગોઠવાયો

વડોદરા: સંસ્કારી નગરી વડોદરામાં ગણેશોત્સવ ઉત્સાહભેર ઉજવાઇ રહ્યો છે. આજે 7માં દિવસે શહેરના સંવેદનશીલ મનાતા જુનીગઢી અને પાણીગેટ યુવક મંડળના શ્રીજીનું વિસર્જન, એશિયાકપમાં ભારત – પાકિસ્તાન વચ્ચે ક્રિકેટ મેચ અને મોહરમના પગલે શહેર પોલીસ તંત્ર દ્વારા જડબેસલાખ પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
 
શહેરના અત્યંત સંવેદનશિલ મનાતા ભદ્રકચેરી જુનીગઢી અને પાણીગેટ યુવક મંડળ દ્વારા શ્રીજીનું 7માં દિવસે વિસર્જન કરવામાં આવે છે. યોગાનુંયોગ એશિયા ક્રિકેટ કપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે મુકાબલો છે. અને મેચ પણ સાંજે શરૂ થનાર છે. આ સાથે શહેરમાં મોહરમની પણ ઉજવણી થઇ રહી છે. ત્યારે એક સાથે આવેલા ત્રણે ઉત્સવો દરમિયાન કોઇ અપ્રિય ઘટના ન બને તે માટે શહેર પોલીસ તંત્ર દ્વારા પૂર્વ રાતથીજ શહેરના ચાર દરવાજા વિસ્તારોમાં લોખંડી પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
 
શહેર પોલીસ તંત્ર આજનો દિવસ અગ્નિપરિક્ષા સમાન છે. પરંતુ, પોલીસ તંત્ર આજના પડકારૂપ દિવસને પહોંચી વળવા માટે સજ્જ હોવાનો પોલીસ કમિશનર અનુપસિંહ ગેહલોટે દાવો કર્યો છે. જોકે, શહેરમાં જુનીગઢી, પાણીગેટ યુવક મંડળના ગણપતિનું વિસર્જન અને ભારત-પાકિસ્તાન વચ્ચેની મેચને પગલે શહેરીજનોમાં ભારે ઉત્તેજના છે.
 
જુનીગઢી અને પાણીગેટ યુવક મંડળના શ્રીજીનું વિસર્જન નવલખી મેદાનમાં તૈયાર કરવામાં આવેલા આર્ટીફિશ્યલ તળાવોમાં કરવામાં આવશે. પોલીસ તંત્ર દ્વારા નવલખી મેદાન ખાતે પણ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. તો કોર્પોરેશન દ્વારા નવલખી મેદાન ખાતે શ્રીજીના વિસર્જન માટે ફ્લડ લાઇટો સહિતની સુવિધાઓ કરી દેવામાં આવી છે.
 
ગણેશોત્સવના 7માં દિવસે જુનીગઢી અને પાણીગેટ યુવકમંડળના શ્રીજી સહિત શહેરના વિવિધ નાના-મોટા યુવક મંડળો દ્વારા તેમજ ઘરોમાં બેસાડવામાં આવતા શ્રીજીનું વિસર્જન કરવામાં આવશે. કેટલાંક યુવક મંડળો અને ઘરોમાં બેસાડેલા શ્રીજીની વિદાય સવારીઓ સવારથીજ શહેરના માર્ગો ઉપર શરૂ થઇ ગઇ હતી. ગણપતિ બાપા..મોરયા...પૂઢચ્યા વર્ષી લવકરયા..ના નાદ, અને ડી.જે.થી માર્ગો ગુંજી ઉઠ્યા હતા.
 
આ ત્રણે ઉત્સવોને ધ્યાનમાં રાખીને શહેર પોલીસ તંત્ર દ્વારા ગઈકાલ રાતથી પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. સંભવતઃ કોઇ અપ્રિય ઘટનાને ધ્યાનમાં લઇ પોલીસ તંત્ર દ્વારા જુનીગઢી અને પાણીગેટ વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. 
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.