નવરાત્રીમાં રોમિયોગીરી કરતા પકડાયા તો હવે ખેર નથી!

રાજ્યમાં આગામી માસથી નવરાત્રીનો આરંભ થવા જઈ રહ્યો છે ત્યારે ગરબે ઘૂમવા જતી મહિલાઓ કે પછી દીકરીઓની કેટલાક રોમિયો દ્વારા છેડતી કરવાના કિસ્સા બનતા હોય છે ત્યારે આ પ્રકારની ઘટનાઓને રોકવા માટે રાજ્યના મહિલા બાલ આયોગ દ્વારા આજે ગાંધીનગર ખાતે મહત્ત્વની બેઠક કરવામાં આવી હતી. જેમાં નવરાત્રી પર્વ દરમિયાન મહિલાઓની સુરક્ષા માટે શું પગલાં ભરવા તે મુદ્દે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. જેમાં ગુજરાત મહિલા આયોગની ગાંધીનગર સ્થિત કચેરીમાં રાજ્યભરમાંથી નારી અદાલતના પ્રતિનિધિઓએ આજની બેઠકમાં હાજરી આપી હતી અને નવરાત્રી દરમિયાન કોઈ પણ છેડતી કે મશ્કરીની ઘટના બને તો તાકિદે પોલીસને જાણ કરી રોમિયો વિરુદ્ધ પગલાં ભરવા માટેનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ઉપરાંત રાજ્ય પોલીસ વડાને પણ પત્ર લખવામાં આવ્યો છે અને પોલીસ વિભાગનો પૂરો સહયોગ મળે તે માટે માગણી કરી હોવાનું મહિલા આયોગના અધ્યક્ષ લીલાબેન અંકોલીયાએ જણાવ્યું હતું. સાથે સાથે નવરાત્રી ઉત્સવ દરમિયાન રોમિયોગીરી અટકાવવા માટે મહિલા આયોગ અને નારી અદાલતના પ્રતિનિધિઓ કઈ રીતે સુરક્ષા આપશે તેની જાણકારી પણ લેવામાં આવી હોવાનું જણાવ્યું છે.

આ તબક્કે ગઇકાલે હિંમતનગરના ગાંભોઈ પાસે આવેલ ઢુંઢર ભાવપુર ગામમાંથી એક નાની બાળકી ગુમ થયાની ફરિયાદ અંગે પ્રતિક્રિયા આપતા લીલાબેન અંકોલીયાએ જણાવ્યું હતું કે ઘટના અંગે પોલીસે ફરિયાદ નોંધાઈ હતી અને આ મામલે પોલીસે તપાસ હાથ ધરતા બાળકી નજીકના ખેતરમાં મળી આવી હતી. પોલીસને બાળકી સાથે દુષ્કર્મ થયું હોવાનું લાગતા તેને સારવાર માટે ગાંભોઈ સિવિલ અને ત્યારબાદ વધુ સારવાર અર્થે હિંમતનગર સિવિલમાં ખસેડવામાં આવી હતી. બાળકીની તબિયત વધુ નાજુક લાગતા તેને વધુ સારવાર માટે અમદાવાદ સિવિલ ખાતે ખસેડવામાં આવી હોવાનું જણાવ્યું હતું. જોકે આ મામલે રાજ્યના મહિલા અને બાલ આયોગ દ્વારા પણ સમગ્ર મામલે તપાસ શરૂ કરવામાં આવી છે. ત્યારે રાજ્યના મહિલા આયોગના ચેરપર્સન લીલાબેન અંકોલીયાએ જણાવ્યું હતું કે સમર્ગ ઘટનામાં તપાસના આદેશ આપ્યા છે. ઉપરાંત અમે પોલીસ પાસે સમગ્ર કેસની વિગતો પણ માગી છે અને આગામી દિવસોમાં બાળકીને ન્યાય મળે દોષીને કડક દાખલારૂપ સજા થાય તે માટે આયોગ દ્વારા તમામ પ્રકારના પગલાં ભરવામાં આવશે તેમ રાજ્ય મહિલા આયોગના અધ્યક્ષ લીલાબેન આંકોલીયાએ હૈયાધારણાં વ્યક્ત કરી હતી.

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.