થરાદ વાવ પંથકના દાતાર યુવાનની ગૌભક્તિ માટે અનોખી દાતારી: પિતાની સવા કરોડની સંપત્તિ ગૌસેવામાં વાપરવાનો સંકલ્પ

જનની જણ તો ભગત જણ કાં દાતા કાં સુર,નહિતર રહેજે વાંજણી તારૂ મત ગુમાવીશ નુર પ..લોકસાહિત્યકારોએ આ દુહામાં ભારતવર્ષની આર્ય નારી અને તેના કુખે જન્મ લેનાર પુરુષની અડાભીડ શુરવીરતાનું લડાવીને વર્ણન કર્યું છે.ત્યારે દેશની ગૌરવવંતી સંસ્કૃતીમાં ઉપરોક્ત દુહાને યથાર્થ ઠેરવતા અનેક દાખલાઓ આજે પણ ઇતિહાસના પાને સોનેરી અક્ષરે અમર છે.બનાસકાંઠાના સરહદી થરાદ વાવ પંથકમાં પણ આવો એક દાતાર યુવાન તેની ગૌભક્તિ માટે દાતારી ભરી ખુમારીના કારણે લોકજીભે પોતાના માતાપિતા અને સમાજનું નામ ઉજળું કરી રહ્યો છે.મુળ વાવ તાલુકાના સણવાલ ગામના વતની અને હાલ ધંધાર્થે સ્થાયી થયેલા અને જમીન કન્સલ્ટના વ્યવસાય સાથે સંકળાયેલા યુવકનું નામ દિનેશભાઇ રાયમલજી બારોટ છે.દિનેશભાઇ બારોટને નાનપણથી જ ગૌસેવાનો અનોખો લગાવ હોઇ તેઓ પોતાના ધંધાને એક બાજુ મુકીને પણ ગૌમાતાઓ માટે અચુક સમય ફાળવે છે.અનેક ગૌશાળાઓમાં તેમના દ્રારા હજારો લાખો રૂપીયાનું દાનની સરવાણી વહાવવામાં આવી છે.
    ગત ખરીફ સિઝન નિષ્ફળ રહેતાં થરાદ વાવ પંથકમાં રળાઉ (રખડતી) ગાયો માટે ઘાસચારાની વ્યવસ્થા કરવામાં પણ ઉદાર સાથે દાનની સરવાણી વહાવી હતી.થરાદ નગરમાં નવી ઉભી કરાયેલી શ્રી ડાંગેશ્વર ગૌશાળામાં પણ દિનેશભાઇ બારોટનો ઉદાર હાથે ફાળો રહ્યો છે.દિનેશભાઇની ઓફીસમાં કામ કરતા રતનાભાઇ વેણે જણાવ્યું હતું કે ગત દુષ્કાળમાં આજુબાજુના ગામડાંની અને શહેરની નિરાધાર ગાયોને ઘાસચારા માટે તેમણે લીલી જુવારનું આખું ખેતર સાડા પાંચ લાખમાં વેચાતું રાખી લીધું હતું.
    જો કે આટઆટલું પણ ઓછુ હોય તેમ ગૌસેવાની ભક્તિની અન્યોને પ્રેરણાભરી એક અનોખી મિશાલ કાયમ કરતાં પોતાના પિતાજીની પુણ્યતીથીએ તેમની આપેલી સંપત્તિમાંથી ૫૧ લાખ રૂપીયા ઉપરાંત બારોટ સમાજના પાંચ પરગણાં ધરાવતા ગામોમાં ક્યાંય પણ ગૌશાળા હોય તો તેમાં ૨૫૧૦૦૦ રૂપીયાનું દાન આપવાનો સંકલ્પ જાહેર કર્યો હતો.તેમણે  નિરાધાર ગાયો માટે રોજનું ૧૨ હજાર કિલો ઘાસ આપવાની વ્યવસ્થા પણ કરી છે.હિંદુ સંસ્કૃતિમાં ગાયને માતાનો દરજજો આપવામાં આવેલો છે.જેમાં તેત્રીસ કરોડ દેવતાઓનો વાસ છે અને જેનાં પુજન,અર્ચન અને દર્શન દેવોને પણ દુર્લભ છે એવા પૃથ્વી લોકના આ અબોલ જીવની કતલખાનામાં સરેઆમ થતી કત્લથી વ્યથિત બનેલા દિનેશભાઇ એ જણાવ્યું હતું કે પોતાના પિતાજી પાંચ વર્ષ પહેલાં (તા.૧૯/૦૪/૨૦૧૪ના રોજ) એક કરોડને બાર લાખ રુપીયા વારસામાં સંપત્તિ આપીને સ્વર્ગવાસી થયા હતા.બીજી બાજુ ભુખના કારણે ગવતરીઓના મૃત્યુ ન થાય એ અને પિતાજીના આત્માને પણ સદગતિ મળે તથા ગૌમાતા અને પિતાજીના આશિર્વાદ કાયમ મળી રહે એ જ ભાવનાથી પિતાએ આપેલી તમામ સંપત્તિ ગૌસેવામાં વાપરવાનો સંકલ્પ કર્યો હતો.દિનેશભાઇ બારોટની ગૌભક્તિની દાતારીની સુવાસ સમગ્ર થરાદ વાવ પંથક ઉપરાંત રાજસ્થાનમાં પ્રસરવા પામી છે.ગૌમાતાને અખુટ પ્રેમ કરતા દિનેશભાઇએ તેમના કલ્યાણ માટે રાજસ્થાનમાં સુંધામાતાજીનાં દર્શન કરી ગૌમાતાના કલ્યાણ માટે પ્રાર્થના પણ કરી હતી.દિનેશભાઇ બારોટ અનેક વખત પોતાની જાતે ટ્રેક્ટર પર ચડીને ગાયોને ઘાસચારાનું નિરણ કરતા પણ જોવા મળે છે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.