દિલ્હીમાં ઝાડુ ફરી વળ્યુંઃ ૬૨ બેઠકોમાં આમ આદમી પાર્ટી ઃ ભાજપને માત્ર ૮, કોંગ્રેસનું ખાતુ ન ખુલ્યું

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

દિલ્હીની ચૂંટણીના રણસંગ્રામમાં ફરી એક વખત આમ આદમી પાર્ટી સિકંદર બનીને બહાર આવી છે. અરવિંદ કેજરીવાલના નેતૃત્વમાં આમ આદમી પાર્ટીએ સટાસટી બોલાવી ભાજપ અને કોંગ્રેસને ધૂળ ચાટતા કરી દીધા છે. સમગ્ર દેશની જ્યાં નજર કેન્દ્રીત હતી તે દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં કોમનમેન તરીકેની છાપ  ધરાવતા અરવિંદ કેજરીવાલ હેટ્રીક સર્જી રહ્યા છે અને ફરી એક વખત રાજ્યના સરતાજ બની રહ્યા છે. આ લખાય છે ત્યારે વિધાનસભાની ૭૦માંથી તમામના ટ્રેન્ડ મળ્યા છે અને આપ ૬૨ બેઠકો પર આગળ છે અથવા તો વિજય મેળવ્યો છે જ્યારે ભાજપ માત્ર ૮ બેઠકો પર આગળ ચાલે છે અથવા તો વિજય મેળવ્યો છે. સૌથી ખરાબ સ્થિતિ કોંગ્રેસની છે તેનુ ખાતુ પણ ખુલ્યુ નથી. કેજરીવાલનો જાદુ દિલ્હીવાસીઓ ઉપર કાયમ રહ્યો છે અને તેમના પક્ષને દિલ્હીની જનતાએ ખોબલે ખોબલે મત આપ્યા છે. આમ આદમી પાર્ટીએ ઐતિહાસિક વિજય પ્રાપ્ત કર્યો છે અને ભાજપ સતત બીજી વખત સિંગલ ડીઝીટમાં રહી ગયો છે. દિલ્હી પર રાજ કરવાના ભાજપના સપના ચકનાચુર બની ગયા છે. રાજ્યમાં ફરી એક વખત કેજરીવાલનો રાજ્યાભિષેક થશે. વિધાનસભાની ચૂંટણીમા આપનો વિજય થતા તેના પક્ષના કાર્યકરો જશ્નમાં ડૂબ્યા છે. તમામ એકઝીટ પોલના તારણો મોટાભાગે સાચા પડયા છે. દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં આ લખાય રહ્યું છે ત્યારે મતગણતરીના  પ્રવાહ અનુસાર કુલ ૭૦ બેઠકોમાંથી આપ ૬૨ બેઠક પર બહુમતી સાથે આગળ ચાલી રહી છે જ્યારે ભાજપ માત્ર ૮ બેઠક પર આગેકુચ કરી રહી છે. દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં અત્યાર સુધીના પરિણામોથી સ્પષ્ટ છે કે અરવિંદ કેજરીવાલ ત્રીજીવાર દિલ્હીના મુખ્યમંત્રી બનવા જઇ રહ્યા છે. આ ચૂંટણીમાં આપ અને બીજેપી બંનેએ મત મેળવવા માટે સંપૂર્ણ જોર લગાવી દીધુ હતું. મતદાનના કેટલાક સપ્તાહ પહેલા બીજેપીએ ચૂંટણી પ્રચારની આક્રમક નિતી અપનાવી હતી. બીજેપીના કેટલાક નેતાઓ સતત કેજરીવાલ પર શાબ્દીક પ્રહારો કરી રહ્યા હતા. સાંસદ પ્રવેશ વર્મા પર આરોપ લાગ્યો કે તેઓએ કેજરીવાલને આતંકવાદી કહ્યું હતું. આ નિવેદન પર ચૂંટણી પંચે કડક વલણ અપનાવીને પ્રવેશના ચૂંટણી પ્રચાર પર પ્રતિબંધ લગાવી દીધો હતો. કેજરીવાલ એક ટીવીના કાર્યક્રમમાં પ્રશ્નના જવાબમાં તેઓએ હનુમાન ચાલીસા વાચી તેઓ ઉલ્લેખ કર્યો ત્યારબાદ તો બીજેપીના અનેક નેતાઓ હનુમાન ચાલીસા પર રેલીમાં કમેન્ટ કરવાનું શરૂ કરી દીધું. આ રીતે જોઇએ તો આતંકવાદી ઉપર હનુમાન ચાલીસા ભારે પડી. દિલ્હીવાસીઓએ એકવાર ફરી આમ આદમી પાર્ટી પર વિશ્વાસ વ્યકત કર્યો. રાજ્યના મુખ્યમંત્રી અને પક્ષના નેતા કેજરીવાલને સતત હેટ્રીકથી જીત અપાવી. આપને દિલ્હીની આ જીત ફકત કેજરીવાલના નામ પર જ મળી છે. આપે તેમનો સંપૂર્ણ પ્રચાર અભિયાન દિલ્હી સરકાર દ્વારા કરવામાં આવેલા કાર્યો પર જ ફોકસ રાખ્યું. તેમાં મોહલ્લા કિલનીક, મફત વિજળી – પાણી, મહિલાઓને ફ્રી બસ સેવા, વૃધ્ધોને તિર્થયાત્રા અને શિક્ષણ ક્ષેત્રમાં મહત્વના બદલાવ વિશેષ તરીકે શામેલ છે. કેજરીવાલે તેમની દરેક રેલી અને જનસભામાં વિકાસના કાર્યોને ગણાવ્યા. આ ઉપરાંત પાંચ વર્ષોની રૂપરેખા રજૂ કરી. બીજીબાજુ ભાજપને ઘેરવા માટે ફકત એક જ સવાલ કર્યો કે દિલ્હીમાં બીજેપીના સીએમ ઉમેદવાર કોણ છે ? તેના જવાબમાં બીજેપીએ પીએમ મોદીના ચહેરાનો પ્રયોગ પણ કર્યો પરંતુ બીજેપીને કોઇ સફળતા મળી નહિ.  ઉપરાંત પાકિસ્તાન અને શાહીનબાગ જેવી બીજેપીની આક્રમક નિતી કંઇ કામ ન આવી. દિલ્હીની સત્તા પર સતત ૧૫ વર્ષો સુધી રાજ કરેલી કોંગ્રેસ પક્ષ માટે ૨૦૧૫ના છેલ્લી વિધાનસભા ચૂંટણી પરિણામ ખૂબ જ નિરાશાજનક રહ્યા હતા. એટલે કે દિલ્હીની ચૂંટણી રાજનિતીમાં છેલ્લી ચૂંટણીમાં હાંશિયામાં પહોંચેલી કોંગ્રેસ આ વખતે મેદાનમાંથી બહાર થઇ ગઇ છે. દિલ્હી વિધાનસભાની ચૂંટણીના પરિણામોમાં કેજરીવાલની ઝાડૂએ ભાજપ-કોંગ્રેસ સૂપડા સાફ કરી નાંખ્યા છે. આવામાં લોકોની નજર દિલ્હીની આઠ મુસ્લિમ બહુલ સીટો પર રહી હતી. દિલ્હીની આ સીટો પર સીએએ વિરુદ્વ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. વિધાનસભા ક્ષેત્રમાં આવતી શાહીન બાગમાં પાછલા ૫૮ દિવસથી મુસ્લિમ મહિલા રાત-દિવસ પ્રદર્શન કરી રહી છે. ભાજપે ચૂંટણી પ્રચારમાં શાહીન બાગને મુખ્ય મુદ્દો બનાવી દીધો હતો તો અરવિંદ કેજરીવાલે મુસ્લિમ બહુલ વિસ્તારોમાં સમગ્ર ચૂંટણી પ્રચાર દરમિયાન અંતર જાળવી રાખ્યું હતું. જયારે શાહીન બાગમાં કોંગ્રેસ પ્રદર્શનકારીઓના સમર્થનમાં ઉભેલી જોવા મળી હતી. દિલ્હીના રાજકારણમાં મુસ્લિમ મતદારો લગભહ ૧૨ ટકાની આસપાસ છે. દિલ્હીની કુલ ૭૦ વિધાનસભા બેઠકોમાંથી ૮ સીટ પર મુસ્લિમ મતદારો નિર્ણાયક છે. બલ્લીમરાન, સીલમપુર, મુસ્તાફાબાદ, ચાંદની ચોક, મટીયા મહલ, બાબરપુર અને કીરાડી જેવી બેઠકો મુસ્લિમ બહુલ ગણાય છે. આ મત વિસ્તારોમાં ૩૫થી ૬૦ ટકા મુસ્લિમ મતદાતાઓ છે. વળી, ત્રિલોકપુરી અને સીમાપુરી બેઠકો પર મુસ્લિમ મતદારો ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે.
આભાર – નિહારીકા રવિયા  દિલ્હીમાં ૮મીએ ૭૦ બેઠકો માટે મતદાન થયુ હતુ અને તેની ટકાવારી ૬૨.૫૯ ટકા રહી હતી. ૭૦ બેઠકો માટે ૬૭૨ ઉમેદવારો મેદાનમાં હતા અને તમામ એકઝીટ પોલમાં એવુ બહાર આવ્યુ હતુ કે ફરી આપની સરકાર રચાશે.

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.