રાજીનામું આપવા પર મક્કમ રાહુલ ગાંધીએ પ્રિયંકા સાથે મુલાકાત કરી, ગેહલોત સાથે ચર્ચા થાય તેવી શક્યતા

નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણીમાં કારમી હાર મેળવ્યાં બાદ રાહુલ ગાંધીના કોંગ્રેસ અધ્યક્ષ પદેથી રાજીનામું આપવાની રજૂઆત વચ્ચે કોંગ્રેસમાં ભારે ઉથલપાથલ જોવા મળી રહી છે. મંગળવારે પ્રિયંકા ગાંધી વાડ્રા, પાર્ટી પ્રવક્તા રણદીપ સિંહ સુરજેવાલા અને સચિન પાયલટ સહિતના નેતાઓ તેમને મળવા પહોંચ્યા હતા. મળતી માહિત મુજબ આજે રાહુલની રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત સાથે મુલાકાત થઈ શકે છે. સોમવારે રાહુલે ગેહલોતને મળવા માટેનો સમય આપ્યો હતો જો કે બાદમાં મુલાકાત કરી ન હતી. 
પ્રાપ્ત થતી માહિતી મુજબ રાહુલ ગાંધી પોતાના પદ પરથી રાજીનામું આપવા મક્કમ છે. પાર્ટી તેમને મનાવવા માટે રાષ્ટ્રીય સંમેલન બોલાવી શકે છે. રાહુલે શનિવારે કોંગ્રેસ કાર્યસમિતિની બેઠકમાં કહ્યું હતું કે ગેહલોત, કમલનાથ અને ચિદમ્બરમ જેવાં નેતાઓએ પુત્ર-સંબંધીઓને ટિકિટ અપાવવાની જીદ કરી અને તેમને જ ચૂંટણી જીતાડવામાં લાગ્યા હતા.
 
ગેહલોતે 93 રેલી પુત્રના સમર્થનમાં કરી હતીઃ ગેહલોતે રાજસ્થાનમાં કુલ 130 રેલી અને રોડ શો કર્યા હતા. જેમાંથી 93 સભા જોધપુરમાં કરી. જોધપુરથી કોંગ્રેસે ગેહલોતના દીકરા વૈભવને ટિકિટ આપી હતી. પાર્ટી રાજ્યની તમામ 25 સીટ પર ચૂંટણી હારી ગઈ છે. મધ્યપ્રદેશના મુખ્યમંત્રી કમલનાથે પોતાની પારંપરિક લોકસભા સીટ છિંદવાડાથી પુત્ર નકુલ નાથને મેદાનમાં ઉતાર્યો હતો, કોંગ્રેસ આ બેઠક પરથી ચૂંટણી જીતી ગઈ છે.
 
રાષ્ટ્રીય સંમેલન બોલાવી શકે છે કોંગ્રેસઃ કોંગ્રેસની શરમજનક હાર બાદ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી રાજીનામું આપવા અડગ છે. સૂત્રોના જણાવ્યા મુજબ સોમવારે અહેમદ પટેલ અને મહાસચિવ કેસી વેણુગોપાલ રાહુલને મળ્યા હતા. રાહુલે તેમને નવા નેતાની પસંદગી કરવાનું કહ્યું છે. સંકેત મળ્યાં છે કે રાહુલ મક્કમ બની રહેશે તો કોંગ્રેસ એક દિવસીય રાષ્ટ્રીય સંમેલન બોલાવીને તેમને પુનર્વિચારની અરજી કરી શકે છે. આ વચ્ચે રાહુલની મદદ માટે ત્રણ વરિષ્ઠ અને જમીન સાથે જોડાયેલાં નેતાઓને કાર્યકારી અધ્યક્ષ બનાવવાની પણ અટકળો છે. જેમાં એક એકે એન્ટોની, અહેમદ પટેલ અને કેપ્ટન અમરિંદર સિંહના નામ સામેલ છે.
 
પંજાબ, ઝારખંડ અને આસામના પ્રદેશ અધ્યક્ષોના રાજીનામાઃ લોકસભા ચૂંટણીમાં હારની જવાબદારી લેતાં પંજાબ કોંગ્રેસ અધ્યક્ષ સુનીલ જાખડ, ઝારખંડ કોંગ્રેસ અધ્યક્ષ અજય કુમાર અને આસામ કોંગ્રેસ અધ્યક્ષ રિપુન વોરાએ સોમવારે રાજીનામા આપ્યા હતા. અત્યાર સુધીમાં વિભિન્ન પ્રદેશોના 13 વરિષ્ઠ નેતાઓએ રાહુલ ગાંધીને રાજીનામા મોકલ્યાં છે.
 
સિંધિયાને મધ્યપ્રદેશના અધ્યક્ષ બનાવવાની માગઃ મધ્યપ્રદેશમાં કમલનાથની જગ્યાએ જ્યોતિરાદિત્ય સિંધિયાને પ્રદેશ અધ્યક્ષ બનાવવાની માગ ઊઠી છે. સિંધિયાએ વેણુગોપાલ સાથે ચર્ચા કરી છે. આ પહેલાં વેણુગોપાલ રાહુલને મળ્યાં હતા. જે બાદ તેઓ ફરી સિંધિયાને મળ્યા. જેનાથી સિંધિયાને પ્રદેશમાં મોટી જવાબદારી મળશે તેવી અટકળો વધી રહી છે. સિંધિયાને પ્રદેશ અધ્યક્ષ બનાવવા માટે ખાદ્ય તેમજ નાગરિક આપૂર્તિ મંત્રી પ્રદ્યુમન સિંહ તોમરે અવાજ ઉઠાવ્યો હતો જેને મહિલા તેમજ બાલ વિકાસ મંત્રી ઈમરતી દેવીએ સમર્થન આપ્યું છે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.