રાધનપુર તાલુકાના ગામેગામ મેઘરાજા પધાર્યાની પાવન પધરામણી

રાધનપુર : વરસાદની વધામણીમાં આખા વઢિયારમાં હરખની હેલી ચડતી. કારણ, ખેતી વરસાદ આધારીત. ક્યાંય કોઈ પાણીના બીજા સ્રોત નહીં. એમાં પણ જો વરસાદની ખેંચ પડે તો આકાશ સામે મીટ માંડીને આંખે અંધારાં આવે. આવા સમયે છેલ્લો ઉપાય બસ એક વધતો ગામની બાળાઓ ઢૂંઢિયા બાપજી કરે.આ ઢૂંઢિયા બાપજી એટલે વરસાદના દેવ પ્રજન્ય. નાની બાળાઓ તળાવની કાળી ચીકણી માટી લાવી એને આકાર આપી મૂર્તિ બનાવે. એ મૂર્તિ(ઢૂંઢિયા)ને કુંવારી કન્યા માથે મોચીલો રાખી ઉપાડતી. બાળાઓ શેરીએ શેરીએ ફરતી અને ગીતો ગાતીપઢૂંઢિયા બાપજી મે વરહાવો, સુપડે ને સોંડલે મે વરહાવો, ઘરડી ઘરડી ડોશીયોનાં છાપરાં તણાવો, છાપરામાં એરુ, કરસિયો મારો પિટ્યો, પાલુડીમાં પાણી, ઢુંઢીયા માથે મે વરહાવો., ઢૂંઢિયા બાપજી મે વરહાવો.આ ગીત બાળપણમાં સાંભળેલ. વઢિયારના ગામડાંઓમાં નાની-નાની બાળાઓ ઢૂંઢિયા બાપજીને ગામની ગલીઓમાં નવરાત્રીના ગરબાની જેમ માથે લઈ ફરતી. દરેક ઘરના ઝાંપે આવી ઊભી રહેતી. ગામડું ભાવનાઓમાં જીવતું હોય છે. ભોળા માનવીઓ આ ભોળી બાળાઓના પર્જન્યને મનાવવાના કાર્યથી ખુશ થઈ જતા. ઢૂંઢિયા બાપજી ઉપર ઘોર કરીને બાળાઓને છૂટા રૂપિયા આપતા. ઢૂંઢિયા બાપજી ઉપર પાણીનો લોટો હોંશે હોંશે રેડીને નવરાવે. વળી, વાટકો કે સુપડું ભરીને ઘઉં, બાજરી કે જુવારના દાણા હાથમાં લઈ ઢૂંઢિયા બાપજીનાં ભામણાં(દુખણાં-ઓવારણાં) લેતાં. ગામની બાળાઓ ઢૂંઢિયા બાપજીને આવી રીતે ગામમાં ફેરવે તો સાંજ પડતાં સુધીમાં વરસાદ આવે આવી માન્યતા હતી. વરસાદ વરસતો પણ ખરી. માની લો કે આ બાળાઓ ભાવથી મલ્હાર ગાતી હોય ને એટલે જ મેઘ આવી વરસતો હોય.રાધનપુર તાલુકાના કોલાપુર, કામલપુર સહીત અનેક ગામોમાં પણ મેઘરાજાને વિનવણી કરતા મેઘરાજાએ આગમન કર્યું હતું,અને ખેડૂતો અને લોકોના દિલ આનંદથી ઝૂમી ઉઠ્‌યા હતા. 
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.