પબ્લિક ટ્રાન્સપોર્ટમાં સેફ્ટી ડિવાઈસ થશે ફરજિયાત

 કેન્દ્રીય રોડ અને ટ્રાન્સપોર્ટ મંત્રાલયે પબ્લિક ટ્રાન્સપોર્ટનાં તમામ વાહનોમાં વિ‌હિકલ લોકેશન ટ્રેકિંગ સિસ્ટમ (વીએલટીએસ) અને ઈમર્જન્સી બટન લગાવવાનું ફરજિયાત કરી દીધું છે. આમ તો આ સંબંધે ગત રપ ઓક્ટોબરે જ આદેશ જારી કરી દેવામાં આવ્યો હતો. આ આદેશ અનુસાર ૧ જાન્યુઆરી, ર૦૧૯ બાદ રજિસ્ટર થનારી તમામ પબ્લિક બસ અને કારમાં સેફ્ટી ડિવાઈસ લગાવવાં હવે અનિવાર્ય બનશે.

મંત્રાલયના જણાવ્યા પ્રમાણે તમામ પ્રકારનાં નવાં પબ્લિક ટ્રાન્સપોર્ટ વાહનો પર આ નિયમ લાગુ પડશે, જોકે ઈ-રિક્ષા અને ઓટોરિક્ષાને આ સિસ્ટમ લગાવવામાંથી મુક્તિ આપવામાં આવી છે. વીએલટીએસ બનાવનારી કંપનીઓએ જ આ વાહનોનું મોનિટરિંગ કરીને તેમની સર્વિસ પણ પૂરી પાડવાની રહેશે. આ આદેશ પબ્લિક ટ્રાન્સપોર્ટમાં મુસાફરી કરનારા મુસાફરોની સુરક્ષા માટે જારી કરવામાં આવ્યો છે, જેમાં ખાસ કરીને મહિલાઓ સામેલ છે.

૩૧ ડિસેમ્બર, ર૦૧૮ સુધીમાં નોંધાયેલા કોમર્શિયલ વાહનોમાં સેફ્ટી ડિવાઈસ લગાવવા અંગે સંબંધિત રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશોએ જાણકારી આપવાની રહેશે. આ અંગે મંત્રાલયે તમામ રાજ્ય માટે એક એડ્વાઈઝરી પણ જારી કરી દીધી છે. આ ઉપરાંત મંત્રાલયે પબ્લિક ટ્રાન્સપોર્ટમાં સેફ્ટી સિસ્ટમની શરૂઆત કરવા સંબંધી જાણકારી અને માર્ગદર્શિકા પણ સુપરત કરી છે.

મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીના જણાવ્યા અનુસાર જૂનાં વાહનોમાં સેફ્ટી સિસ્ટમ લગાવવાની તારીખ નક્કી કરવાનો અધિકાર રાજ્ય સરકાર પર છોડવામાં આવ્યો છે. આ ઉપરાંત રાજ્ય સરકારને વિહિકલ લોકેશન ટ્રેકિંગ સિસ્ટમ માટે કમાન્ડ એન્ડ કન્ટ્રોલ સેન્ટર પણ ઊભા કરવાના રહેશે.

રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશોએ આ આદેશ લાગુ પાડવા અંગે પણ સરકારને જાણકારી આપવાની રહેશે, તેમાં પબ્લિક ટ્રાન્સપોર્ટમાં લગાવેલ વીએલટીએસ ડિવાઈસનું ફિટમેન્ટ અને ફંકશનલ સ્ટેટસ જણાવવું પડશે.

આ ઉપરાંત તમામ રાજ્યએ વાહનોની ઓવર સ્પીડ, ડિવાઈસ હેલ્થ સ્ટેટસ અંગેની જાણકારી પણ વાહન ડેટાબેઝને આપવાની રહેશે. વીએલટીએસ બનાવનારી કંપનીઓ આ ડેટાનો ઉપયોગ સુરક્ષિત સિસ્ટમ બનાવવામાં કરશે.

મંત્રાલયે સૌથી પહેલા નવેમ્બર, ર૦૧૬માં એક નોટિફિકેશન જારી કર્યું હતું. જે મુજબ ૧ એપ્રિલ, ર૦૧૭થી દેશભરના પ૦ લાખ કોમર્શિયલ વાહનોમાં ટ્રેકિંગ સિસ્ટમ અને પેનિક બટન લગાવવાની ડેડલાઈન નક્કી કરવામાં આવી હતી. જોકે જાન્યુઆરી, ર૦૧૮માં મંત્રાલયે આ નોટિફિકેશન ફરી એક વખત બહાર પાડ્યું હતું, આમ છતાં પણ વાહનોમાં હજુ સુધી સેફ્ટી ડિવાઈસ લગાવવામાં આવ્યા નથી.

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.