થરાદના મલુપુર ગામની દૂધડેરીના મંત્રીને છરી ઝીંકી પ લાખની લૂંટ

થરાદને અડીને આવેલા મલુપુર ગામના રણછોડજી દુધ ઉત્પાદક સહકારી મંડળીના મંત્રી ખેમજીભાઇ કરશનભાઇ પટેલ ઉ.વ.૨૫ ગુરુવારની સાંજના ચારેક વાગ્યે ૨૦ લાખ રૂપીયા લઇને ગ્રાહકોના પગાર અને વાર્ષિક ભાવ વધારા પેટેની રકમનું ચુકવણુ કરવા ગયા હતા.જે પૈકી બચેલા રૂપીયા પાંચ લાખ લઇને રાત્રિના સાડા આઠ વાગ્યાના સુમારે ડેરી બંધ કરી મોટરસાયકલ પર ખભે થેલો લટકાવીને તેમાં મોબાઇલ અને પાકીટ તથા રજીસ્ટરો મુકી ઘર તરફ જવા નિકળ્યા હતા. દરમ્યાન ડીસા હાઇવે પર હેલીપેડ પાસે પોતાના ઘર તરફ જવાના રસ્તે પહોંચતાં વળાંકમાં એક મોટર સાયકલ સાથે ત્રણ માણસો  ઉભેલા હતા.
 
જે પૈકી એક ગામના શ્રવણભાઇ સવજીભાઇ પટેલ સહિત તમામે તેમને અટકાવી મોટરસાયકલની ચાવી કાઢી લીધી હતી.અને શ્રવણભાઇ સાથેના એક વ્યક્તિએ તેની પાસેનો છરો જોરથી પેટમાં મારતાં મંત્રી પડી જતાં ત્રણેય જણાઓ થેલો લઇને ફરાર થઇ ગયા હતા. ત્યારબાદ લોહી નિંગળતી હાલતમાં રોડ પર આવેલા મંત્રીએ અવરજવર કરતાં વાહનોને ઉભાં રખાવવાની કોશીષ કરતાં કોઇ વાહન ઉભું નહી રહેતાં બાજુમાં આવેલી ગૌશાળાએ જઇને બુમો પાડતાં છગનભાઇ રબારી રોડ પર દોડી આવ્યા હતા.
 
જેમણે મંત્રીના પિતાને જાણ કરતાં તેઓ બીજા પુત્ર સાથે તેમની બોલેરો ગાડી લઇને દોડી આવી ગંભીર ઇજાગ્રસ્ત ખેમજીભાઇને સારવાર માટે શહેરની જેજેપટેલ હોસ્પીટલમાં લઇ ગયા હતા. જ્યાં પુષ્કળ પ્રમાણમાં લોહી વહેવાના કારણે લોહીની બોટલો ચડાવી લિવરમાં ગંભીર ઇજા થતાં તેનું બે વખત ઓપરેશન કરવામાં આવ્યું હતું. આ બનાવની મંત્રીની ફરીયાદના આધારે પોલીસે ત્રણેય સામે ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.બનાવના પગલે પંથકમાં ચકચાર સાથે ખળભળાટ મચવા પામ્યો હતો.પોલીસ સુત્રોએ હુમલાખોરોને ઝડપવાનાં ચક્રો ગતિમાન કર્યાં હોવાનું જણાવ્યું હતું.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.