નારોલના કારખાનામાં મજૂરી કરતા બિહારના ૯ બાળકોને બાળ મજૂરીમાંથી મુક્ત કરાવ્યા, કારખાના માલિકની ધરપકડ

 નારોલ વિસ્તારમાં જે.કે એસ્ટેટ નામના ગોડાઉનમાં જ્યોતિ જોબવર્ક નામના સિલાઈકામના કારખાનામાં મૂળ બિહારના ૯ બાળકોને બાળમજૂરીમાંથી મુકત કરાવાયા છે. નારોલ પોલીસે કારખાનાના માલિક વિરૂધ્ધ બાળમજૂરી અંગેનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. જો કે આ કેસમાં નારોલ પોલીસે ૧૦ બાળકો હતા તેની જગ્યાએ ૯ બાળકો જ બતાવ્યા છે. ફરિયાદમાં બાળકોને ૧૦-૧૦ હજાર ચુકવવાંમાં આવતા હોવાનો પોલીસે ઉલ્લેખ કર્યો છે જો કે કેટલાક બાળકોને પૈસા જ ન ચુકવાતા હોવાનું જાણવા મળ્યું છે.ગત અઠવાડીયે સુરતના પુણા વિસ્તારમાંથી રાજસ્થાન અને બિહારના ૧૩૪ બાળકોને બાળ મજૂરીમાંથી મુક્ત કરાવવામાં આવ્યા હતા. ત્યાં અમદાવાદમાં પણ બિહારના બાળકોને લાવી કારખાનાઓમાં મજૂરી કરાવવામાં આવતી હોવાનું બહાર આવ્યું છે. ઓઢવ વિસ્તારમાં રહેતા ઇન્ટરનેશનલ હ્યુમન રાઈટ કાઉન્સિલ સંસ્થાના આગેવાન સુરેશગીરી ગોસ્વામીને નારોલના જે.કે એસ્ટેટમાં આવેલા કારખાનામાં બાળ મજૂરો કામ કરતા હોવાની વિગતો મળી હતી જેના પગલે તેમણે પોતાની સંસ્થાના કાર્યકરો સાથે તપાસ કરતા ગોડાઉન નં. ૩૪માં આવેલા જયોતિ જોબવર્ક નામના કારખાનામાં કેટલાક બાળકો મજુરી કામ કરતા મળી આવ્યા હતા. જેથી તેઓએ આ મામલે નારોલ પોલીસને જાણ કરતા પોલીસ કારખાનામાં પહોંચી હતી.આ કારખાનામાંથી મૂળ બિહારના અને અમદાવાદમાં વટવા અને નારોલમાં રહેતા ૧૪થી ૧૬ વર્ષના ૯ બાળકો મળી આવ્યાં હતાં. ન્યુ મણિનગરમાં જૈનમસિટીમાં રહેતો મોહન ગવંડર નામનો યુવક પોતાના કારખાનામાં છેલ્લા બે-ત્રણ મહિનાથી બાળ મજૂરી કરાવતો હતો. નારોલ પોલીસ સ્ટેશનનાં પીઆઇ એસ.એ. ગોહિલે DivyaBhaskar  સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે બાળકોના વાલી વારસ જેઓ તેમના ભાઈ કે મામા-કાકા છે તેઓ ત્યાં નોકરી કરતા હતા અને તેઓએ જ કામે લગાડ્યા હતા. તેમના વાલીવારસની સામે પણ કાર્યવાહી કરવામાં આવશે. જો ફરીથી તેમની પાસે કામ કરાવશે તો પણ કાર્યવાહી કરીશું. આરોપી મોહન જે રીતે કામ કરતા તે મુજબ મજૂરી પેટે રૂપિયા ચુક્વતો હતો.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.