જળશક્તિ અભિયાન અંતર્ગત હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી ખાતે કૃષિ શિબિર તથા કૃષિ મેળો યોજાયો

પાટણ : પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના કન્વેન્શન હાલ ખાતે જળશક્તિ અભિયાન અંતર્ગત કૃષિ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. પાટણ જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી વિનુભાઈ પ્રજાપતિના અધ્યક્ષસ્થાને તથા જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી.કે.પારેખની ઉપસ્થિતીમાં યોજાયેલી કૃષિ શિબિરમાં કૃષિ વૈજ્ઞાનિકો દ્વારા ખેડૂતોને ખેતીમાં પાણીના બચાવ અને જળસંચય અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સાથે કેમ્પસમાં યોજાયેલા કૃષિ મેળામાં વિવિધ વિભાગો તથા કંપનીઓ દ્વારા કૃષિલક્ષી સામગ્રી તથા યોજનાઓના ૨૫ જેટલા સ્ટોલનું નિદર્શન યોજાયું હતું. ખેડૂતોની સાથે સાથે મહાનુભાવોએ વિવિધ સ્ટોલની મુલાકાત લઈ વિસ્તૃત માહિતી મેળવી હતી.
કન્વેન્શન હાલ ખાતે યોજાયેલી કૃષિશિબિરમાં જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી વિનુભાઈ પ્રજાપતિએ જણાવ્યું કે, સરકારે જળસંચય સંદર્ભે ચિંતા કરી છે. પાણી બચાવવા અને તેના સંગ્રહ માટે સરકારના વિવિધ વિભાગો દ્વારા દરેક સ્તરે માર્ગદર્શન પૂરૂ પાડવામાં આવે છે. પણ તે માર્ગદર્શન થકી તેનો અમલ ખેડૂતોએ કરવાનો છે. પ્રમુખશ્રીએ સફળ ખેતી દ્વારા આવકમાં વૃદ્ધિ થાય તે માટે વૈજ્ઞાનિક ખેત પદ્ધતિ અપનાવવા ખેડૂતોને અપીલ કરી હતી. વાટરશેડના અધિકારીશ્રી જિતુભાઈ મકવાણાએ પ્રેઝન્ટેશન દ્વારા જળશક્તિ અભિયાનની જરૂરિયાત અને જળસંગ્રહ તથા જળસંચયની વિવિધ પદ્ધતિઓ વિષે માર્ગદર્શન આપ્યું હતું. નાયબ વન સંરક્ષકશ્રી જે.જે.રાજપૂત દ્વારા ખેતરના શેઢા-પાળા પર વૃક્ષો વાવવા ખેડૂતોને અનુરોધ કરતાં જણાવ્યું હતુ કે, ખેતીની સાથે સાથે બાગાયતી વૃક્ષ ઉછેર દ્વારા ખેતીમાં લાભ સાથે વધારાની આવક ઉભી કરી શકાશે. જમીનની ગુણવત્તા સુધારવા અને જળસંચયમાં પણ વૃક્ષો ઉપયોગી નિવડશે.
આત્મા પ્રોજેક્ટ અને કૃષિ વિજ્ઞાન કેન્દ્રના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા કૃષિ મેળામાં કેન્દ્ર સરકારના મદદનીશ સચિવશ્રી મનિષકુમાર ગોલવાણી, જિલ્લા પંચાયત બાંધકામ સમિતીના ચેરમેનશ્રી દશરથજી રાજપૂત, જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી શૈલેષભાઈ પટેલ,કૃષિ વિજ્ઞાન કેન્દ્ર સમોડાના ડાયરેક્ટરશ્રી ઉપેશ કુમાર, બાગાયત વિભાગના નાયબ નિયામકશ્રી મુકેશભાઈ ગાલવાડિયા, આત્મા પ્રોજેક્ટના પ્રોગ્રામ ડાયરેક્ટર મયુરભાઈ પટેલ, કૃષિ વિજ્ઞાન કેન્દ્ર સમોડાના કૃષિ વૈજ્ઞાનિકો, સંલગ્ન વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ તથા મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.