રાધનપુર પાલિકાના પૂર્વ પ્રમુખ ભાજપ સાથે છેડો ફાડી કોંગ્રેસમાં જોડાયા

રાધનપુર  : રાધનપુરમાં વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીમાં કોંગ્રેસના કાર્યાલયના શુભારંભ પ્રસંગે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિતભાઇ ચાવડા,પૂર્વ અધ્યક્ષ અર્જુનભાઈ મોઢવાડીયા સહિતની ઉપસ્થિતિમાં યોજાયેલ વિરાટ સભામાં પાલિકાના પૂર્વ પ્રમુખ જુગલદાસ ગરો,વઢિયાર આહીર સમાજના ઉપપ્રમુખ વીરાભાઇ અમથાભાઈ આહીર, આહીર સમાજના અગ્રણી અને બકુત્રા માજી સરપંચ જીવાભાઈ હાજાભાઇ આહીર,વાઘાભાઈ ભુરાભાઇ આહીર સહીત ઠાકોર, વાદી, ચૌધરી તેમજ ઠાકોરસેનાના અનેક કાર્યકરો સહીત અલગ-અલગ સમાજના એક હજારથી વધુ કાર્યકરો ભાજપને અલવિદા કરીને કોંગ્રેસમાં જોડાઈ ગયા હતા,જેમને કોંગ્રેસનો ખેસ પહેરાવવામાં આવ્યો હતો. જેના કારણે ભાજપના ઉમેદવાર અલ્પેશ ઠાકોરને મોટો ફટકો પડે તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે.
સોમવારે મોડી સાંજે ભીલોટ ત્રણ રસ્તા પાસે યોજાયેલ કાર્યક્રમમાં કોંગ્રેસના ઉમેદવાર રઘુભાઇ દેસાઈના ચૂંટણી કાર્યાલયનો શુભારંભ કરવામાં આવ્યો હતો.વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર સિદ્ધપુરના ધારાસભ્ય ચંદનજી ઠાકોર, કડી-કલોલના ધારાસભ્ય બળદેવજી ઠાકોર, જયરાજસિંહ પરમાર,જિલ્લા પ્રમુખ બાબુજી ઠાકોર સહિતની ઉપસ્થિતિમાં વિશાળ જનમેદની વચ્ચે ભાજપના અગ્રણીઓ અને કાર્યકરો કોંગ્રેસમાં જોડાઈ ગયા હતા.
આ પ્રસંગે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિતભાઇ ચાવડાએ જણાવ્યું હતું કે રાધનપુરની જનતાનો આજ સુધીનો ઇતિહાસ રહેલો છે કે જેણે પ્રજા અને પક્ષ સાથે દ્રોહ કર્યો છે તેને ફરીથી આ વિસ્તારની જનતાએ ક્યારેય આશિર્વદ નથી આપ્યા. રાધનપુરની જનતા કોંગ્રેસના ઉમેદવારને જીતાડીને ભાજપ સરકારનો અહંકાર ઉતારશે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે સોશિયલ મીડિયામાં ફરતા થયેલા વિડીયો બાબતે રાજ્યના ગૃહમંત્રી જનતાને ધમકાવવાની કોશિશ કરે છે,તે ના કરે,કારણકે લોકશાહી છે જનતાને અધિકાર મળેલો છે.ગૃહમંત્રી લોકોને ડરાવી રહ્યા છે તેનો જવાબ લોકો મતથી આપશે.   પૂર્વ પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ અર્જુનભાઈ મોઢવાડિયાએ જણાવ્યું હતું કે ગુજરાતમાં રાજસ્થાન-મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ બોર્ડરો અને દીવ-દમણથી રોજ સેકંડોની સંખ્યામાં ટ્રકલોડ દારૂ આવે છે.એ ખુલ્લેઆમ ગુજરાતની અંદર વેચાય છે.બધા જ લોકો જાણે છે કે આના હપ્તાઓ કોણ લે છે. અશોક ગેહલોતજીએ જે વાત કરી છે એ સાચી જ છે. ગેરકાનૂની રીતે રાજ્યમાં દારૂ આવે છે,
જેના કારણે નવી પેઢી ખુબ મોટું નુકશાન થઇ રહ્યું છે. આ બાબતે અશોક ગેહલોતજીએ માફી માંગવાની જરૂર નથી,માફી તો રાજ્યના મુખ્યમંત્રીએ માંગવી જોઈએ, દારૂબંધીનો કાયદો હોવા છતાંય લીકરમાફીયાઓ દ્વારા ગેરકાનૂની રીતે દારૂ ગુજરાતમાં લાવીને ગામડે-ગામડે અને શેરીએ-શેરીએ વેચાવે છે,આ દુઃખદ બાબત છે.
જે બાબતે રાજકારણ કરવાને બદલે રાજ્ય સરકારે અને મુખ્યમંત્રીશ્રીએ આત્મખોજ કરવાની જરૂર છે.રાજ્ય સરકાર ભ્રષ્ટાચારને કારણે દારૂબંધીનો અમલ કરવામાં આવતો નથી. 
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.