ધાનેરા : ધાનેરા તાલુકાના શેરા ગામની દૂધ ડેરી આજે સતત દશમાં દિવસે પણ બંધ રહેતા પશુપાલકોમાં રોષની લાગણી ફેલાઇ છે.
શેરા ગામે આવેલ દૂધ ઉત્પાદક સહકારી મંડળીને છેલ્લા ૧૦ દિવસથી તાળા લાગેલા હોઈ ગામના પશુપાલકો પોતાના પશુઓનું દૂધ રહેણાંક વિસ્તાર કે અન્ય ડેરી પર વેચવા મજબૂર બન્યા છે. શાળાઓ ખુલતા બાળકો માટે કપડાં, ચોપડા, ફી સહિતના પૈસા ભરવા માટે પશુપાલકો દૂધના પગારનાં નાણાં મળવાની રાહ જોઈ બેઠા છે. જો કે ૧૦ દિવસથી ડેરી બંધ હોઇ ગ્રાહકોનું બજેટ પણ ખોરવાઈ ગયું છે. શેરા ગામની દૂધ ડેરી બંધ હોઈ ગામના પશુપાલકો સાથે ડેરીને પણ દૈનિક ધોરણે મોટું નુકશાન થઈ રહ્યું છે ત્યારે આજે શેરા ગામના લોકોએ એકઠા થઈ ડેરી ચાલુ થાય તે માટે મંડળીના મંત્રી અને ચેરમેન સમક્ષ રજુઆત કરી હતી પરંતુ ડેરીના ચેરમેન તેમજ મંત્રી ભેળસેળવાળું દૂધ ભરાવતા ગ્રાહકોને મદદ કરતા હોઈ નજીકના દિવસોમાં આ ડેરી ચાલુ થાય તેમ લાગતું નથી. ગામલોકો નવી વ્યવસ્થાપક કમિટી રચવાની માંગણી કરી રહ્યા છે.જો કે આ મામલે હજુ બનાસ ડેરીના જવાબદાર અધિકારીઓના પેટનું પાણી પણ હાલ્યું નથી. ગ્રાહકો રોજ ડેરી પર જઇ જવાબદાર અધિકારી સમક્ષ ડેરીને ચાલુ કરાવવા રજૂઆત કરી રહ્યા છે પરંતુ આ મામલે કોઇ પ્રગતિ થઈ ના હોઈ ગ્રાહકોમાં રોષની લાગણી જોવા મળી રહી છે.