આજે ગુજરાત વિધાનસભા પોલીસ છાવણીમાં ફેરવાઈ જાણો કેમ ?

ગુજરાત વિધાનસભાના બે દિવસીય ચોમાસુ સત્રનો આજે સવારે ૧૧ વાગ્‍યાથી પ્રારંભ થઈ રહ્યો છે. ખેડૂતોના મુદ્દે કોંગ્રેસ આક્રમક છે. રાજ્‍યભરના હજારો ખેડૂતોને ગાંધીનગરમાં એકત્ર કરી વિધાનસભાને ઘેરાવ કરવાનો કાર્યક્રમ કોંગ્રેસે જાહેર કર્યો છે. ખેડૂતોના દેવા માફી, મગફળીના ગોદામમાં આગ, બારદાનમાં આગ, મગફળી સાથે માટીની મિલાવટ, પાણી અને વિજળીના ધાંધીયા, પોક્ષણક્ષમ ભાવનો અભાવ વગેરે મુદ્દે કોંગ્રેસ ખેડૂતોને સાથે રાખી આજે  આક્રોશ વ્‍યકત કરશે. બે દિવસીય સત્ર તોફાની બનવાના સ્પષ્ટ અણસાર છે. ગૃહમાં આક્રમક રજૂઆત માટે કોંગ્રેસે તેમજ વિપક્ષના અસરકારક વિરોધ સામે ભાજપે મંત્રી મંડળ અને ધારાસભ્‍યોની બેઠક બોલાવી છે. વધુ દિવસ માટે સત્ર બોલાવવાની કોંગ્રેસની માંગણી શાસક ભાજપે માન્‍ય રાખી નથી. ખેડૂતોના પ્રશ્નો ઉપરાંત કાયદો વ્‍યવસ્‍થા, બેરોજગારી, મોંઘવારી વગેરે મુદ્દે કોંગ્રેસ તડાપીટ બોલાવવા માગે છે. આજે સવારે ૧૧ વાગ્‍યે ગૃહ શરૂ થયા બાદ એક કલાક પ્રશ્નોત્તરી માટે ફાળવાયો છે. ત્‍યાર બાદ અટલજી અને દિવંગત પૂર્વ ધારાસભ્‍યોને શ્રધ્‍ધાંજલી આપી ગૃહ મુલત્‍વી રહેશે. બુધવારે સવારે ફરી ગૃહની કાર્યવાહી શરૂ થશે. તે દિવસે ચાર-પાંચ વિધેયકો પણ રજૂ થનાર છે. કોંગ્રેસે આજે સવારે ૧૦ વાગ્‍યે ઘ-૩ પાસે આવેલ સત્‍યાગ્રહ છાવણીમાં ખેડૂતોની સભા રાખી છે જેમાં અમિત ચાવડા, પરેશ ધાનાણી સહિતના નેતાઓ સંબોધન કરશે. ત્‍યાંથી ચાલીને જતા વિધાનસભા સંકુલનો રસ્‍તો ૧૫ મીનીટ દૂરનો છે. આક્રોશ સભા બાદ રેલી સ્‍વરૂપે ખેડૂતો વિધાનસભા તરફ કૂચ કરી જવા માગે છે. વિધાનસભાને ઘેરાવ કરવા જતા કોંગ્રેસીઓ અને ખેડૂતોને પોલીસ રોકે તે ઘર્ષણ થવાની પુરી સંભાવના છે. કોંગ્રેસના આંદોલનાત્‍મક કાર્યક્રમની જાહેરાતના પગલે પોલીસ તંત્રએ લોખંડી બંદોબસ્‍ત ગોઠવવાની તૈયારી કરી છે. પાટનગરમાં રાજકીય ઉત્તેજના વ્‍યાપી ગઈ છે

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.