ભૂગર્ભ ગટર પાછળ ૧૩૬ કરોડના આંધણ બાદ પણ કામગીરી અધૂરી

 
 
 
 
                          ભાજપ શાસિત પાલનપુર નગરપાલિકા ના રાજમાં ગંદા પાણીનો નિકાલ કરવા માટેની ભૂગર્ભ ગટર યોજના રૂપિયા ૧૩૬ કરોડના આંધણ બાદ પણ હજુ સુધી અધુરી હોઇ તાત્કાલિક પુરી કરવા માટે નગરપાલિકાના વિપક્ષના નેતા દ્વારા મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવતાં ચકચાર મચી જવા પામી છે.
રાજ્યના મુખ્યમંત્રી આગામી ૨૬ જાન્યુઆરીએ રાજ્યકક્ષાના પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવા માટે આવનારા છે. ત્યારે પાલનપુર નરગપાલિકા દ્વારા શહેરમાં મોટાપાયે સફાઇની કામગીરી હાથ ધરવામાં આવી છે. જોકે, અગાઉની અધુરી ભૂર્ગભ ગટર લાઇનનું કામ પુરી કરવામાં ન આવતાં નગરપાલિકાના વિપક્ષના નેતા અમૃતભાઇ જોષીએ મુખ્યમંત્રીને રજૂઆત કરી છે. જેમાં જણાવ્યું છે કે, પાલનપુર નગરપાલિકા દ્વારા માર્ચ ૨૦૧૪માં જીયુડીસી ગાંધીનગર દ્વારા રૂપિયા ૧૩૬ કરોડના ખર્ચે ભૂર્ગભગટર યોજના મંજુર કરવામાં આવી હતી. જે પાંચ વર્ષે પણ પુરી થઇ નથી. જુની ભુર્ગભ ગટર યોજનાના ઓકસીડેશન પોન્ડ માટે સર્વે નં. ૮૫ની જમીન ૧૯૮૬માં નગરપાલિકાને ફાળવવામાં આવી હતી. તેમાં ગંદા પાણીનો નિકાલ કરવામાં આવતો હતો. જોકે, પાલિકાના સત્તાધીશોના અણધડ વહિવટના કારણે સર્વે નં. ૧૨૮-૧૨૯ હરિપુરામાં મંજુર થયેલા રાજીવ ગાંધી આવાસો ગેરકાયદે અને મંજુરી વિના સદરપુર ગામે બનાવી દેતાં ભૂર્ગભ ગટરનું કામ અટવાઇ ગયું છે. બીજી તરફ હવે ગંદા પાણીનો નિકાલ કરવા માટે પાલનપુર તાલુકાના આકેસણ ગામે નવી જમીનની દરખાસ્ત કરવામાં આવી છે. જેનો ગ્રામજનો દ્વારા ઉગ્ર વિરોધ થઇ રહ્યો છે. ત્યારે આ ખોટા નિર્ણયને કારણે વર્તમાન સમયે શહેરનું ઐતિહાસિક માનસરોવર અને લડબી નદી ગંદકીથી ઉભરાઇ રહી છે. શહેરમાં ઠેર- ઠેર ગટરો ઉભરાઇ રહી હોવાથી રોગચાળો ફાટી નીકળવાની દહેશત છે. ત્યારે શહેરીજનોના હિતમાં સત્વરે આ ભૂર્ગભ ગટર લાઇનની અધુરી કામગીરી પૂરી કરવામાં આવે તેવું શહેરીજનો પણ ઇચ્છી રહ્યા છે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.