થરાદમાં યુવાનોની ખુલ્લી બગાવત : ‘નોટા'માં મત નાંખવાના નિર્ણયથી ભાજપ માટે કપરાં ચઢાણ

 ડીસા : નાની મોટી કોઈ પણ ચૂંટણીમાં ભાજપના કાર્યકરો વડાપ્રધાન મોદીના નામે મત માંગી કોઈપણ ઉમેદવારને વિજયી બનાવી દેતા હોવાની ભાજપમાં દ્રઢ બની ગયેલી માન્યતા વચ્ચે આ વખતે ગુજરાતમાં વિધાનસભા બેઠકોની પેટા ચૂંટણીમાં ઉમેદવારોની પસંદગી સામે સર્જાયેલી ખુલ્લા બળવા જેવી સ્થિતિએ ભાજપની શિસ્તબદ્ધતાના લિરા ઉડાડતા મોવડીમંડળની ઊંઘ હરામ થઈ ગઈ છે અને આ વખતે વિજયનો વધુ પડતો વિશ્વાસ જ પાર્ટીને ડૂબાડે એવી સ્થિતિ આકાર પામી રહી હોઇ ભાજપ માટે મતદાન પૂર્વે જ કપરાં ચઢાણ જેવી સ્થિતિ સર્જાઈ ગઈ છે. આ બદલાયેલા પ્રવાહો વચ્ચે હવે બનાસકાંઠાની થરાદ બેઠક પર ફરી 'કમળ' ખીલવવાનુ સપનું રોળાઈ જાય તેવી શક્યતાઓ ઉત્તરોત્તર મજબૂત બની રહી હોઈ પક્ષના મોભીઓ અત્યારથી જ માથું ખંજવાળતા થઈ ગયા છે.
બનાસકાંઠા લોકસભા બેઠકની સામાન્ય ચૂંટણી વખતે ભાજપ મોવડી મંડળે ઉમેદવાર પસંદગીમાં લાંબી વિલંબનીતિ અપનાવ્યા બાદ છેવટે રાજ્ય સરકારના તત્કાલિન મંત્રી અને થરાદ બેઠકના તત્કાલીન ધારાસભ્ય પરબતભાઇ પટેલ પર પસંદગીનો કળશ ઢોળતા બનાસકાંઠા બેઠક પર ભાજપની જીત નિશ્ચિત બની ગઈ હતી. જોકે લોકસભા ચૂંટણીના પરિણામ બાદ થરાદ બેઠકની પેટાચૂંટણી માટે શંકરભાઇ ચૌધરીની દાવેદારીને મજબૂત સમર્થન મળવા લાગતા કેશાજી ચૌહાણે હથિયાર હેઠા મૂકી દીધા હતા. જોકે છેલ્લી ઘડીએ પરબતભાઇ પટેલ થરાદ બેઠક માટે પોતાના પુત્રની પસંદગીનો આગ્રહ રાખતા પક્ષના મોવડી મંડળે બિનજરૂરી ગજગ્રાહ અને સંભવિત નુકશાન ટાળવા બન્ને મુખ્ય દાવેદારો શંકરભાઇ ચૌધરી તેમજ શૈલેષભાઇ પટેલની દાવેદારીને અવગણી છેલ્લી ઘડીએ સહકારી માળખાના ખૂબ ઓછા જાણીતા સ્થાનિક અગ્રણી જીવરાજભાઇ પટેલની પસંદગી કરી લીધી છે. 
થરાદ બેઠક પર શંકરભાઇ ચૌધરીના બદલે શૈલેષભાઇ પટેલને પણ મતદારો અને કાર્યકરો આવકારી લેત. પરંતુ એકદમ અનપેક્ષિત પસંદગીએ બળતામાં ઘી હોમી દીધું છે. થરાદ બેઠક પર જીવરાજભાઇ પટેલની પસંદગી સામે સર્જાયેલા વિરોધ વંટોળ વચ્ચે બુધવારે થરાદ મત વિસ્તારના યુવાનોએ થરાદ તાલુકાના આસોદર ગામે એકઠા થઇ આ વખતે ભાજપને પાઠ ભણાવવા 'નોટા' નો વિકલ્પ પસંદ કરવાનો ખુલ્લો નીર્ધાર વ્યકત કર્યો હોવાના અહેવાલોએ ભાજપના રણનીતિકારોની ઊંઘ પણ હરામ કરી દીધી છે. આસોદર ગામે મળેલી યુવાનોની આ બેઠકમાં લેવાયેલ નિર્ણયના અહેવાલો પણ વાયરલ થઈ ગયા હોઈ ભાજપ માટે ચઢાણ ઉત્તરોત્તર કપરાં બની રહ્યાં છે.હવે આ ભૂલ સુધરે એવી પણ કોઈ શકયતા ના હોઈ આ વખતે ભાજપનો આ નિર્ણય સામે ચાલીને મુસીબતને આમંત્રણ આપવા જેવો પુરવાર થાય તેવી મજબૂત શક્યતાઓ નિર્માણ પામી રહી છે. જોકે ભાજપના આ ભવાડાએ આ કોંગ્રેસ માટે બગાસું ખાતા પતાસું પડે એવી સ્થિતિનું સર્જન કર્યું છે ત્યારે કોંગ્રેસ આ બદલાયેલી સ્થિતિનો કેવો અને કેટલો લાભ ઉઠાવી શકે છે તે પણ જોવું રહ્યુ...!!!
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.