દિલ્હીમાં જૈશના ચાર આતંકીઓ ઘૂસ્યાઃ સ્વાતંત્ર્ય દિને આતંકી હુમલાનો ખતરો

નવી દિલ્હી: સ્વાતંત્ર્યદિન પહેલાં જ રાજધાની નવી દિલ્હીમાં આતંકી હુમલાનું હાઈ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. ગુપ્તચર એજન્સીઓનાં સૂત્રોના જણાવ્યા અનુસાર આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદ નવી દિલ્હીમાં મોટા હુમલાનું ષડ્યંત્ર ઘડી રહ્યું છે અને સ્વાતંત્ર્યદિનની ઉજવણી વખતે જ રાજધાનીને ટાર્ગેટ કરવાના છે. આતંકી હુમલાની માહિતી બહાર આવ્યા બાદ રાજધાની દિલ્હી સહિત દેશનાં મહત્ત્વનાં સ્થળોએ સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી છે.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદના ચાર ખૂંખાર આતંકવાદી જમ્મુ-કાશ્મીરના રસ્તેથી દિલ્હીમાં પ્રવેશ્યા છે. આ ચારેય આતંકી દિલ્હીમાં અલગ અલગ સ્થળે મોટા હુમલા કરવાની ફિરાકમાં છે.

ગુપ્તચર એજન્સીઓના અધિકારીઓના કહેવા અનુસાર રાજધાની દિલ્હી પર ખતરનાક આતંકી હુમલો કરવાની આ યોજના પાછળ જૈશના કમાન્ડર ઈબ્રાહીમ પંજાબીનો હાથ છે. હકીકતમાં ગુપ્તચર એજન્સીઓ પાસેથી મળેલા આ ઈનપુટ્સ બાદ દિલ્હી ઉપરાંત દેશનાં અન્ય મહત્ત્વનાં સ્થળોની સુરક્ષા પણ રાતોરાત વધારી દેવામાં આવી છે.

બીજી તરફ દિલ્હી પોલીસ અને સ્પેશિયલ સેલ બંનેને એલર્ટ જારી કરીને સક્રિય કરી દેવામાં આવ્યા છે. દિલ્હીમાં પ્રવેશવાના તમામ માર્ગો અને શહેરની અંદરના મુખ્ય રસ્તાઓ પર બેરિકેડ લગાવીને તમામ વાહનોનું સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. શકમંદ લાગે તેવી કોઈ પણ વ્યક્તિની અટકાયત કરીને તેની પૂછપરછ કરવાના આદેશો પણ જારી કરી દેવામાં આવ્યા છે.

એજન્સીઓને મળેલા ઈનપુટ્સ પ્રમાણે જૈશના ચાર આતંકીઓ જુલાઈ મહિનામાં જમ્મુ-કાશ્મીરના રસ્તે દિલ્હીમાં પ્રવેશી ચૂક્યા છે. આ ચારમાંથી એક આતંકી પેશાવરનો રહેવાસી શમ્સ છે. શમ્સને પકડી લેવા દિલ્હી પોલીસ અને સુરક્ષા એજન્સીઓએ ખાસ અભિયાન પણ હાથ ધર્યું છે.

આ ઉપરાંત લાલ કિલ્લા, સંસદ ભવન, રાષ્ટ્રપતિ ભવન, નોર્થ બ્લોક, સાઉથ બ્લોક સહિતના દિલ્હીના તમામ ભીડભાડવાળા વિસ્તારોમાં પોલીસ તહેનાત કરી દેવામાં આવી છે.

દેશભરમાં બુધવારે સ્વાતંત્ર્યદિન નિમિત્તે ઠેર ઠેર કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. દિલ્હીના લાલ કિલ્લા પરથી વડા પ્રધાન નરેન્દ્ર મોદી દેશને સંબોધિત કરશે. દરમિયાન લાલ કિલ્લા પરિસરમાં કેન્દ્ર સરકારના તમામ પ્રધાનો સહિત અન્ય મહાનુભાવો પણ ઉપસ્થિત રહેશે. દિલ્હીના તમામ સંવેદનશીલ વિસ્તારોને હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યા છે.

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.