સ્વ.ગલબાભાઈ પટેલ સ્પષ્ટપણે માનતા હતા કે,‘‘દરેક માણસ પ્રેમથી એકબીજાની સાથે રહે તે સૌથી મોટી ક્રાંતિ છે’’

ગુજરાત
ગુજરાત

હંમેશા મહાન માણસની જેટલી સારી વાતો છે તેનું અનુસરણ કરવાથી દિવ્યમાન સમાજનું નિર્માણ થાય છે. દિવ્યમાન સમાજ હોય ત્યાં આદર્શ ગુણો આપમેળે ઊગી નીકળતા હોય છે અને કોઈ પ્રકારનો ભેદભાવ ન હોય ! માત્ર ત્યાં પ્રેમ અને માનવતાની સુગંધ હોય છે. બનાસકાંઠાના લોક સેવક સ્વ. ગલબાભાઈ પટેલે માનવીય સંબંધ મજબૂત કરવાનું કામ કર્યું હતું.
સ્વ. ગલબાભાઈ પટેલ સ્પષ્ટપણે માનતા હતા કે, ‘‘દરેક માણસ પ્રેમથી એકબીજાની   સાથે રહે તે સૌથી મોટી ક્રાંતિ છે. આપણો દેશ ૧૫મી ઓગસ્ટ ૧૯૪૭ના દિવસે આઝાદ થયો હતો. આઝાદી તો મળી ગઈ પણ સામાજિક આઝાદીમાં અસમાનતા જોવા મળે છે. મહાત્મા ગાંધીજીએ કહેલું કે, ‘‘ સામાજિક આઝાદી ખૂબ જ મહવની છે. સામાજિક આઝાદી વગર માનવી ગુલામ બની જાય છે’’ આપણા ગલબાભાઈ પટેલ પણ ગાંધીજી અસ્પૃશ્યતા- નિવારણની લડત ચાલવતા હતા ત્યારે તેમાં જોડાઈ  ગયા હતા અને આ ઝંડો પોતાના કંધા પર લઈને પછાત વિસ્તાર બનાસકાંઠામાં જાગૃતિ લાવવા માટે પ્રયત્નો કર્યા હતા.
ગલબાભાઈ પટેલ સૌને સરખો પ્રેમ  આપતા હતા. માનવતાના મૂલ્યો ધરાવતા 
સ્વ. ગલબાભાઈ પટેલે માત્ર સવર્ણોને જ મિત્રો બનાવ્યા ન હતા,  પણ  હરિજનોને  પણ મિત્ર બનાવ્યા હતા. દરેક સમાજના લોકોને પ્રેમ આપવો એવા વિચારો બાળપણથી જ સ્વ. ગલબાભાઈના હૃદયમાં જાણે આકાર પામેલા હતા.
મહાત્મા ગાંધીજી આફ્રિકાની લડત લડીને ભારત આવ્યા, તે સમયે ભારત દેશની રાજકીય અને સામાજિક પરિસ્થિતિ જોઈને તેઓ અનેક વ્યથામાં ડૂબી ગયા હતા. ગાંધીજીએ પોતાની વ્યથામાં માનવીય સ્વમાન શોધ્યું હતું. મહાત્મા ગાંધીજીએ ભારત દેશમાં ‘અસહયોગ આંદોલન’, ‘સવિનયન કાનુનભંગ’ તેમજ ૧૯૪૨માં ‘ ભારત છોડો આંદોલન’ વગેરે પ્રવૃત્તિ દ્વારા સમગ્ર  ભારતીયોના જનમાનસને રાષ્ટ્રીયતાના રંગે રંગી દીધું હતું. તેમની રચનાત્મક, સામાજિક સમરસતા લાવવા માટેની પ્રવૃત્તિમાં ‘અસ્પૃશ્યતા નિવારણ’ લડત પણ સામેલ હતી. ગલબાભાઈ પટેલના માનસપટ પર ગાંધીજીના વિચારોની અસર જોવા મળે છે. તેઓ સુખદાયક સમાજના નિર્માણ માટે સતત પ્રયત્નશીલ રહ્યા હતા. 
મહાત્મા ગાંધીજીએ  પણ લોકો સ્વમાનભેર જીવન જીવે તેના હિમાયતી હતા.  રેંટિયો કાંતતી  વખતે જાતે જ કાપડ વણવું, તેમણે રેંટિયો અપનાવ્યા પછી તેઓ રેંટિયા પર અનેક નવતર પ્રયોગ કરતા રહ્યા હતા. મહાત્મા ગાંધીજીએ રેંટિયા વિશે કહ્યું હતું તે શબ્દો અહીંયાં મૂક્યા છે, ‘‘સન ૧૯૦૮ સુધીમાં રેંટિયો કે સાળ મેં જોયા હોય એવું મને સ્મરણ નથી. છતાં ‘હિંદ સ્વરાજ’માં રેંટિયાની મારફતે હિંદુસ્તાનની કંગાલિયત માટે એમ મેં માન્યું. ને જે રસ્તે ભૂખમરો લાગે તે રસ્તે સ્વરાજ મળે એ તો સહુ સમજી શકે એવી વાત ગણાય. સન ૧૯૧૫માં દક્ષિણ આફ્રિકાથી દેશમાં આવ્યો ત્યારે પણ મેં રેંટિયાનાં દર્શન તો ન જ કર્યાં. આશ્રમ ખોલ્યું એટલે સાળ વસાવી. સાળ વસાવતાં પણ મને બહુ મુશ્કેલી આવી. અમે બધા અજાણ, એટલે સાળ મેળવ્યે, સાળ ચાલે તેમ નહોતું. અમે બધા કલમ ચલાવનાર કે વેપાર કરી જાણનાર ભેળા થયા હતા; કોઈ કારીગર નહોતા. એટલે સાળ મેળવ્યા પછી વણાટકામ શીખવનારની જરૂર હતી. કાઠિયાવાડ અને પાલણપુરથી સાળ મળી ને એક શીખવનાર આવ્યો. તેણે પોતાનો બધો કસબ ન બતાવ્યો. પણ મગનલાલ ગાંધી લીધેલું કામ ઝટ છોડે તેવા નહોતા. તેમના હાથમાં કારીગરી તો હતી જ, એટલે તેમણે વણવાના હુન્નરને પૂરો જાણી લીધો, ને એક પછી એક એમ આશ્રમમાં નવા વણકરો તૈયાર થયા.’’
જયારે ગાંધીજી સ્વદેશી કાપડ તરફ લોકોને વધુ પ્રવૃત્ત કરવાનો દૃઢ સંકલ્પ સાથે કામને આગળ વધારી રહ્યા હતા, તે સમયે આઝાદીની ચળવળ દેશમાં ચાલી રહી હતી. ગુલામ ભારતના લોકો સ્વમાન સાથે જીવી શકે તે માટે રેંટિયો કાંતવા પર ધ્યાનઆપેલ હતું. એ સમયે તેમનું  ધ્યાન બનાસકાંઠાનું કાણોદર ગામ પર આવ્યું હતું.  કાણોદર ગામમાં વણકરો વધારે રહે છે. શાયદ કબીર સાહેબના ગુરુ કબ્રુદ્દીન સાહેબના સમયથી  રેંટિયા ચાલતો હતો. તે સમયમાં ગુરુ કબ્રુદ્દીન સાહેબના વંશ વારસોએ રેંટિયો અને સાળ  ઉપર અવનવા પ્રયોગ કરીને હાથવણાટનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્‌યું હતું.
ગાંધીજીએ પણ તેના સૌથી મોટા પુત્ર મણીલાલ ગાંધીને કાણોદરમાં સાળની    અગત્યતા સમજવા માટે કરીમભાઈ વણકરને  ત્યાં  મોકલ્યા હતાં. તે સમયે મણીભાઈ ગાંધીના મુખમાંથી સત્યાગ્રહની વાતો ચાલતી હતી… ગલબાભાઈ જે શ્રેષ્ઠ હોય તે ઝડપભેર ગ્રહણ કરવાની શક્તિ ધરાવતા હતા. એ શ્રેષ્ઠ વિચાર ગલબાભાઈના કાને અથડાયા હશે એટલે તેને ઝીલવા માટે સ્હેજ પણ વિચાર કર્યા વગર ઉત્સુક રહ્યા હશે.
ગાંધીજીની સામાજિક ક્રાંતિને વેગ આપવા માટે ગલબાભાઈએ  હરિજન મિત્રો બનાવ્યા હતા… કદાચ એ સમયે એટલે કે આઝાદી પછી હરિજન બાળકો સાથે ઉચ્ચ વર્ણનાં બાળકો ગામડામાં એક સાથે બેસતા તે પણ ગલબાભાઈના ક્રાંતિકારી વિચારો થકી આવેલી સમાજિક ક્રાંતિથી જ શક્ય બન્યું હશે.
આમ ગલબાભાઈ દ્વારા બનાસકાંઠામાં સામાજિક ક્રાંતિ લાવવામાં સફળ પ્રયત્નો રહ્યા હતા.જે નોંધનીય છે. પછી ભલે કોઈ તેની નોંધ લે કે ન લે…!
                                                                                                                                                                                                                     – ક્રમશઃ

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.