દિલ્હીમાં ખેડૂતની રેલીનો અવાજ સરકારને કાને પડશે

વીસમી સદીના ખેડૂત નેતા દીનબંધુ ચૌધરી છોટુરામે ખેડૂતને કહ્યું હતું કે, હે ભોળા ખેડૂત, મારી વાત માની લો – એક બોલતાં શીખો અને એક શત્રુને ઓળખી લો. લાગે છે કે ૧૦૦ વર્ષ પછી ભારતના ખેડૂતોએ તેમની વાત સાંભળી લીધી છે. આજે દેશભરના ૨૦૦થી વધુ ખેડૂત સંગઠન ‘કિસાન મુક્તિ મોરચો’ લઈને દિલ્હી પહોંચી રહ્યાં છે. આ કૂચની મદદથી ખેડૂત બોલતાં શીખી રહ્યો છે. કદાચ આ વખતે પોતાના શત્રુને પણ ઓળખી જશે.
 
 
વીતેલાં ૭૦ વર્ષમાં ખેડૂતની મુશ્કેલી એ છે કે તે કદી એક સ્વરમાં નથી બોલ્યો. અલગ અલગ વિસ્તારો, વર્ગ અને જાતિના ખેડૂતો અલગ અલગ અવાજમાં બોલતા રહ્યા, તેથી ખેડૂતોનો અવાજ કદી ના સંભળાયો, પરંતુ હવે દિલ્હીમાં ‘અખિલ ભારતીય કિસાન સંઘર્ષ સમન્વય સમિતિ નાં બેનર હેઠળ સમગ્ર દેશના દરેક વર્ગના ખેડૂતો, વિવિધ પ્રકારના ધ્વજ અને વિચારધારાના ખેડૂતો એકઠા થઈ રહ્યા છે. પહેલી જ વાર ખેડૂતોની સાથે શહેરી નાગરિકો, વકીલો, તબીબ, વિદ્યાર્થી વગેરે પણ જોડાઈ રહ્યા છે. પહેલી જ વાર ખેડૂતો માત્ર વિરોધ નથી કરી રહ્યા પણ વિકલ્પ આપી રહ્યા છે, માગણી કરી રહ્યા છે કે સંસદનું એક વિશેષ અધિવેશન યોજાય કે જેમાં ખેડૂતો માટે બે કાયદા ઘડવામાં આવે. પ્રથમ કાયદો તો એ કે ખેડૂતોને તેમનાં ઉત્પાદનનું યોગ્ય મૂલ્ય કાયદેસરની ગેરંટી સાથે મળે. બીજો કાયદો એ લાવવાનો રહે કે ખેડૂતોને એક ઝાટકે દેવાંથી મુક્ત કરાવવામાં આવે. આ વિધેયક સંસદ સામે રજૂ થઈ ચૂક્યાં છે, તેથી વિશ્વાસ બેસે છે કે આ વખતે ખેડૂતોનો અવાજ સંભળાશે. શત્રુની ઓળખનો મુદ્દો વધુ પેચીદો છે. ખેડૂતવિરોધી હોવાના ત્રણ અલગ અલગ અર્થ હોઈ શકે છે. પ્રથમ તો ખેડૂતવર્ગના વિરોધી હોવું, અર્થાત્ જાણીબૂજીને ખેડૂતને બદલે અન્ય વર્ગનું હિત સાધીને ખેડૂતને પાછળ ધકેલવા. આવો વિરોધ કરનારો ખેડૂતનો હરીફ કે શત્રુ બંને હોઈ શકે છે. આ ભાવનાત્મક વિરોધ છે અને વેર કે દુર્ભાવથી જન્મે છે.
 
બીજા અર્થમાં ખેડૂતવિરોધી હોવાનો મતલબ ખેડૂતનો વૈચારિક વિરોધ હોવો, જરૂરી નથી કે ખેડૂતનો વૈચારિક વિરોધી તેની સાથે વેર કે દુર્ભાવના હોવાને કારણે આમ કરતો હોય. વૈચારિક વિરોધ ખેડૂત સાથે દયાભાવ કે પ્રેમ પણ ધરાવી શકે છે, પરંતુ દેશ અને વિશ્વના નકશામાં તે ખેડૂત માટે સ્થાન નથી જોતો, ખેડૂતોનો વૈચારિક વિરોધી કહે છે કે ખેડૂતને મદદ કરવી હોય તો તેને ખેતીના શ્રાપથી મુક્ત કરવામાં મદદ કરો. તે એમ માને છે કે ખેડૂત અને ખેતી તો ભૂતકાળનાં અવશેષ છે. આધુનિક વિશ્વમાં ભવિષ્ય બનાવવા માટે તેનું કોઈ કામ નથી. આ માનસિક વિરોધ પૂર્વગ્રહ કે અજ્ઞાનને કારણે જન્મતો હોય છે.
 
ત્રીજા અર્થમાં ખેડૂતવિરોધનો મુકાબલો છે ખેડૂતનો વ્યવસ્થાગત વિરોધ અર્થાત્ એવી નીતિઓ અને સંસ્થાઓનું નિર્માણ કે જેને કારણે અંતે ખેડૂતને જ નુકસાન થાય છે. વિશ્વવેપારની આર્થિક નીતિઓ કે વિશ્વવિદ્યાલયોના અભ્યાસક્રમ તૈયાર કરનારા જાણ્યે-અજાણ્યે આ અર્થમાં ખેડૂતવિરોધીની ભૂમિકામાં આવી જાય છે. વ્યવસ્થાગત વિરોધ અજાણ્યે કે ભોળપણથી પણ થઈ શકે છે. પોતાને ખેડૂતના હિતેચ્છુ સમજનારાં લોકો પણ તેમનું વ્યવસ્થાગત નુકસાન કરી શકે છે. તે વ્યવહારગત વિરોધ છે કે જે ઉદાસીનતાથી જન્મે છે.
 
દિલ્હીમાં એકઠાં થઈ રહેલાં સંગઠનોનું માનવું છે કે ભાજપ સરકાર દેશની સૌથી વધુ ખેડૂતવિરોધી સરકાર છે. ભાજપરાજનો ખેડૂતવિરોધ માત્ર આ સરકારની વચનપાળવામાં આનાકાની કે ખોટાં વચનો સુધી સીમિત નથી. ચૂંટણી પહેલાં ખેડૂતોને મોટાં મોટાં વચનો આપવાં અને ચૂંટણી પછી તે વચનો ભૂલી જવાં તે સરકારો માટે કોઈ નવી વાત નથી. બસ, મોદીજી વચન પાળવામાં પાછી પાની કર્યા પછી સિનાજોરી પણ કરે છે. ખેડૂતકલ્યાણનાં ખોટાં વચનો આપવાં તે પણ નવી વાત નથી. બસ, ભાજપના દાવા અને સચ્ચાઈ વચ્ચેનું અંતર પહેલાને મુકાબલે વધી ગયું છે. ખેડૂતોનું નામ લઈને મોટા મૂડીપતિઓનાં હિતમાં સરકાર ચલાવવી તે પણ આ દેશમાં નવાઈભરેલું કામ નથી. બસ, મોદીજી, આ વાત વધુ ખૂલીને કરે છે. માત્ર આ કારણોસર ભાજપ સરકારને દેશની સૌથી વધુ ખેડૂતવિરોધી સરકાર ના કહી શકાય.
 
ભાજપરાજને દેશની સૌથી વધુ ખેડૂતવિરોધી સરકાર એટલા માટે કહેવામાં આવે છે કે દેશની એવી પહેલી કેન્દ્ર સરકાર છે કે જે ત્રણ અર્થમાં ખેડૂતવિરોધી છે. વ્યવસ્થાગત રૂપમાં તે ખેડૂતવિરોધી છે, પોતાના વિચાર અને દૃષ્ટિકોણની રાહે તે સરકાર વિરોધી છે અને તેની ઇચ્છા ખેડૂતોના વર્ગ વિરોધની છે. તે વ્યવહારિક, માનસિક અને ભાવનાત્મક એમ ત્રણેય રીતે ખેડૂતવિરોધી છે. આ સરકારનો ખેડૂતવિરોધ માત્ર તેની કૃષિનીતિ કે અનીતિને જોઈને નહીં પારખી શકાય, તે વિરોધને સમજવા સરકારની નીતિઓને તેની સમગ્રતામાં મૂલવીને તેમાં ખેડૂતનાં રહેલાં સ્થાનને ચકાસવા પ્રયાસ કરવો પડશે. ભાજપરાજની આર્થિક નીતિએ તે તમામ સંસ્થાઓને મજબૂત કરી છે કે જે અંતે ખેડૂતને નબળા પાડે છે, તે વિદેશવેપાર, વિદોશી રોકાણને પ્રાથમિકતા હોય કે પછી પર્યાવરણ, કુદરતી સંસાધનોની નીતિ હોય કે પછી ઋણનીતિ હોય તેમાં ખેડૂતનું હિત ક્યાંય જોવા નહીં મળે. આ વ્યવસ્થાને ખેતઉત્પાદનની ચિંતા છે, ઉત્પાદકની નહીં. વડા પ્રધાન મોદી અને તેમની સરકારનો દૃષ્ટિકોણ દેશનું ભાવી ખેતીવાડીમાં નહીં પણ ખેતીપ્રવૃત્તિથી દૂર થવામાં રહેલું હોવાનું જણાવે છે. ભાજપરાજ જે વિચારધારાનું પ્રતિનિધિત્વ કરે છે તેમાં ગામડાં ઊજડી જશે, ખેડૂતોના હાથમાંથી ખેતી જતી રહેશે અને ખેડૂત શહેરોમાં આવીને મજૂર બની જશે.
 
માત્ર વ્યવસ્થાવિરોધ અને વૈચારિક વિરોધના સંદર્ભમાં ભાજપ સરકાર દેશની પહેલી સૌથી વધુ ખેડૂતવિરોધી સરકાર નથી જ. વ્યવસ્થાની દૃષ્ટિએ તો દેશની તમામ સરકાર ઓછા-વત્તા અંશે ખેડૂતવિરોધી રહી છે. સમય જતાં વ્યવસ્થાની તંત્ર ભણીની ઉદાસીનતા વધતી જાય છે. વૈચારિક દૃષ્ટિથી ડો. મનમોહનસિંહનાં નેતૃત્વમાં બનેલી કોંગ્રેસ સરકાર કદાચ વધુ ખેડૂતવિરોધી રહી હશે. પોતાને ખેડૂતોના હિતેચ્છુ કહેતા રહેતા દેવગૌડાની સરકાર પણ ભાજપ સરકાર જેટલી જ ખેડૂતવિરોધી રહી હતી, પરંતુ તફાવત માત્ર એટલો છે કે બાકીની સરકારોના વ્યવસ્થાગત વિરોધની કેટલીક મર્યાદાઓ રહી છે. તેમનો રાજકીય લાભ તેમને એક હદથી આગળ ખેડૂતવિરોધ કરતાં તેમને રોકતો હતો. ભાજપ સરકારમાં આવી આંતરિક લોકશાહી નથી, એવા કોઈ જમીની નેતા પણ નથી કે જે વ્યવસ્થાગત વિરોધને એક સીમાડામાં બાંધી શકે
 
ભાજપ સરકારની ખાસિયત એ રહી કે તેણે વ્યવસ્થાગત અને વૈચારિક વિરોધની સાથે વર્ગવિરોધને પણ સરવાળામાં સામેલ કરી દીધો. ભાજપરાજ પહેલાં દેશની એવી કોઈ સરકાર નહોતી કે જેણે ખેડૂતો પ્રતિ આટલો વેરભાવ અને નિષ્ઠુરતા દર્શાવી હોય, તે પછી ભલે જમીનસંપાદન માટે ખેડૂતઅધિકારોને નબળા કરવાની જીદ હોય કે પછી વનોનો અધિકાર છીનવી લેવાની ઉતાવળ હોય, સતત દુકાળની સ્થિતિ વચ્ચે સરકારી ઉદાસીનતા હોય કે ખેતપેદાશના ઘટતા ભાવ પ્રતિ સરકારની ચુપકીદી હોય, નોટબંધીનો આતંક હોય કે વધતા કૃષિખર્ચનો બોજ-દેશના ઇતિહાસમાં એવી બીજી સરકાર શોધવી મુશ્કેલ છે કે જેણે ખેડૂતો પ્રતિ આટલી ઉદાસીનતા દાખવી હોય.
 
દિલ્હીમાં યોજાયેલી રેલીના જવાબમાં ભાજપ સરકાર ખેડૂતોએ ઉઠાવેલા સવાલને મુદ્દે સંસદનું વિશેષ સત્ર બોલાવીને માગણી મુજબના બંને પ્રસ્તાવ જો મંજૂર કરી દે છે તો તેની ખેડૂતવિરોધી છબી ભૂંસાઈ શકે છે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.