અમરેલીના SP નિર્લિપ્ત રાય અને PSIની ચકમકઃ રાત્રે લોકોના ટોળા આવ્યા SPના બંગલે

 શનિવારની રાત્રે અમરેલીની સિવિલ હોસ્પિટલમાં ભરતી થયેલા અમરેલી સિટી પોલીસ ઈન્સપેકટર ગોસાઈએ આરોપ મુકયો એસપી નિર્લિપ્ત રાયે તેમને ઢોર માર્યો છે. આ ઘટના બાદ અમરેલીના એસપી નિર્લિપ્ત રાયના બંગલે અમરેલીના લોકો એકત્રીત થવા લાગ્યા હતા. બંગલાની બહાર એકત્રીત થઈ રહેલા લોકોના મનમાં દહેશત હતી કે તેમના એસપીની બદલી થાય નહીં. તેઓ બધા જ રાયના સમર્થનમાં બહાર આવ્યા હતા, બંગલાની બહાર આવેલા એસપી નિર્લિપ્ત રાયે લોકોને સમજાવ્યા હતા કે, આ આખો મામલો પોલીસની આંતરિક બાબત છે તેથી પ્રજાએ તેમાં દરમિયાનગીરી કરવી જોઈએ નહીં, છતાં લોકો કહી રહ્યા હતા કે અમે તમારી સાથે છીએ.

અમરેલીના એસપી જગદીશ પટેલ અને પોલીસ ઈન્સપેકટર અનંત પટેલી બિટકોઇન કેસમાં ધરપકડ થયા બાદ અમરેલીની સ્થિતિને સંભાળવા માટે ગૃહરાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ તત્કાલ નિર્લિપ્ત રાયને અમરેલીનો હવાલો સંભાળી લેવા આદેશ આપ્યો હતો. સામાન્ય રીતે સતત બદલીનો આદેશ લઈ ફરતા નિર્લિપ્ત રાય માટે તેમની છ વર્ષની નોકરીમાં આઠમી બદલી હતી, પણ અમરેલીનો ચાર્જ લેતા તેમને શરૂ કરેલી કામગીરીને કારણે ગુંડાઓ તો ઠીક પણ ખુદ અમરેલી પોલીસ પણ ફફડી ગઈ હતી. તેમણે કામ નહીં કરનાર અને ગુંડાઓને મદદ કરનાર પોલીસને પણ લાઈનમાં ઊભા રાખી દીધા હતા.

વર્ષો પછી અમરેલીમાં નિયમ પ્રમાણે બધું ચાલી રહ્યું હતું, આ દરમિયાન અમરેલીના સિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં રાજેશ રાણા નામનો ગુંડો અને તેના સાગરિતો લોકોને ચાકુ બતાવી ધમકાવતા અને પોતાની ઈચ્છા પ્રમાણે દુકાનોમાંથી વસ્તુઓ લઈ જતા હતા. આ મામલે એસપી નિર્લિપ્ત રાય પાસે વેપારીઓની ફરિયાદ આવતા તેમણે સિટી પોલીસ સ્ટેશનના સબઈન્સપેકટર ગોસાઈને ગુનો દાખલ કરી આરોપીઓની ધરપકડ કરવા કહ્યું હતું. જો કે એસપીના સતત દબાણ બાદ પણ ગોસાઈએ આરોપીને પકડયા નહીં, આ દરમિયાન એક આરોપી રાજેશે કોર્ટમાં આગોતરા જામીન મુકયા હતા. આ જામીન સામે પીએસઆઈએ સોંગદનામું કરવાનું હતું પણ તેમણે તે પણ કર્યું નહીં તેના કારણે રાજેશને આગોતરા જામીન મળી ગયા હતા.

જ્યારે ગુંડાગીરી કરનાર રાજેશને જામીન મળી ગયા ત્યારે એસપી રાયે પીએસઆઈ ગોસાઈને બોલાવી કહ્યું આગોતરા જામીન ભલે મળી ગયા પણ હજી બાકીના આરોપી પકડવાના બાકી છે, અને રાજેશ ફરાર હતો ત્યારે તેને કોણે આશ્રય આપ્યો હતો. તેની તપાસ માટે કોર્ટમાં રિમાન્ડ અરજી કરવામાં આવે. ગોસાઈએ આદેશ મળતા કોર્ટમાં રિમાન્ડ અરજી તો કરી પણ જ્યારે કોર્ટ દ્વારા ખુલ્લી કોર્ટમાં પીએસઆઈને પુછ્યું કે તમારે આરોપીના રિમાન્ડની જરૂર છે ત્યારે તેમણે કોર્ટને કહ્યું કે રિમાન્ડની જરૂર નથી, પરંતુ તેમણે ઉપરી અધિકારીના દબાણને કારણે રિમાન્ડ માંગ્યા છે. આથી કોર્ટે રિમાન્ડ અરજી ફગાવી દીધી હતી. આમ ખુલ્લી કોર્ટમાં વકિલોની હાજરીમાં પીસઆઈ ગોસાઈએ રિમાન્ડ અરજી કરી હોવા છતાં મૌખીક રીતે કોર્ટને રિમાન્ડની જરૂર નથી તેમ જણાવ્યું હતું.

આ વાતની જાણ જ્યારે એસપી નિર્લિપ્ત રાયને થઈ ત્યારે તેઓ સિટી પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને તેમણે પીએસઆઈ ગોસાઈને ઠપકો આપી તેમની સામે ખાતાકીય કાર્યવાહી કરવાનું કહ્યું હતું, આ મામલે ડરી ગયેલા ગોસાઈ સીધા સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા અને તેમણે એસપી દ્વારા માર મારવામાં આવ્યો હોવાની ફરિયાદ કરી હતી. ગોસાઈ દ્વારા આ મામલે ટીવી સામે ઈન્ટરવ્યૂ આપવાની શરૂઆત કરતા લોકોના ટોળા એસપીના બંગલે પહોંચ્યા હતા અને અમરેલીના લોકો તેમની સાથે છે, તેવી ખાતરી આપી હતી. જો કે માહોલ એસપી તરફ જઈ રહ્યો છે તેવી ખબર પડતા પીએસઆઈ ગોસાઈ એસપી સામે ફરિયાદ આપવાની ના પાડી દીધી હતી.

પણ રવિવારના દિવસે હવે સમગ્ર અમરેલીમાં લોકો એકત્રીત થઈ રાયની સાથે હોવાની ચર્ચા કરી રહ્યા છે. અમરેલીના અનેક વ્હોટસએપ ગ્રુપમાં એસપી રાયનો ફોટો લાગી ગયો છે. આમ પ્રજા એસપીની સાથે અને પોલીસની વિરૂધ્ધ થઈ ગઈ છે. આ એક વિચિત્ર પ્રકારની સ્થિતિ નિર્માણ થવા પામી છે.

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.