ધાનેરા તાલુકાનાં નાનામેડા ગામની સીમમાં એક ખેતરમાં આજે સવારે હિંસક દીપડો નદી માર્ગેથી ઘૂસી આવ્યો હતો. જેની જાણ થતાં વન વિભાગની ટિમ ઘટના સ્થળે દોડી આવી દીપડાને પકડવા તજવીજ હાથ ધરી હતી. જે સમયે દીપડાએ એક વન કર્મીને પણ ઇજા પહોચાડી હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવના પગલે ગ્રામજનોમાં ભારે ભયની લાગણી છવાઈ ગઈ હતી. ગામની શાળાના બાળકો પણ શાળા છોડી ઘરે દોડી ગયા હતા. બનાવની જાણ થતાં ધાનેરા પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી. દીપડાને પકડવા વન વિભાગની ટિમ દ્વારા પાંજરું મૂકી રેસક્યું ઓપરેસન હાથ ધરવામાં આવ્યું હતું. જે સમયે દીપડાએ વન વિભાગના મહેન્દ્રસિંહ નામના કર્મી સહિત ત્રણ લોકો ઉપર હુમલો કરી ગંભીર ઇજા પહોચાડી હતી.