3 વર્ષની ઓફેલિયા મોર્ગન ડ્યૂ બ્રિટનની સૌથી તેજસ્વી બાળકી છે, કેમ કે તેનો આઇક્યુ આલ્બર્ટ આઇન્સ્ટાઇનથી પણ વધુ છે. આટલી નાની ઉંમરમાં જ ઓફેલિયાનો આઇક્યુ 171 છે, મતલબ કે આઇન્સ્ટાઇનથી 11 પોઇન્ટ વધુ. હેયરફોર્ડશાયરની ઓફેલિયા 8 મહિનાની હતી ત્યારે જ પહેલો શબ્દ બોલી હતી અને ખૂબ જલદી રંગો, નંબરો અને આલ્ફાબેટ્સ વિશે પણ જાણવા લાગી. તે ભલે 3 વર્ષની છે પણ તેને તે 1 વર્ષની હતી ત્યારનું પણ બધું યાદ છે.
વિશ્વની બેસ્ટ આઇક્યુ સોસાયટી મેન્સા ઇન્ટરનેશનલના ટેસ્ટમાં ઓફેલિયા 171ના સ્કોર સાથે પહેલા નંબરે રહી. બ્રિટનના સૌથી તેજસ્વી બાળકોમાં તે પછી ભારતીય મૂળના અર્ણવ શર્મા અને રાહુલ દોશીનો નંબર આવે છે. તેમનો આઇક્યુ સ્કોર 162 રહ્યો. ઓફેલિયા હવે મેન્સા સોસાયટીની સૌથી યુવા સભ્ય છે અને તેનાથી બમણી ઉંમરના બાળકો જેટલી ઇન્ટેલિજન્ટ છે.
ઓફેલિયાની માતા નેટલી કહે છે કે તે જન્મી ત્યારથી ઘણી એક્ટિવ છે. તેને હંમેશા કંઇ ને કંઇ કરતા રહેવું ગમે છે. તેને કઝિન્સ સાથે પાર્કમાં રમવું ખૂબ પસંદ છે. ઘણા પેરન્ટ્સ તેમના બાળકોની બૌદ્ધિક સિદ્ધિઓનો જશ્ન મનાવતા ગભરાય છે, કેમ કે તેમને લાગે છે કે તેમ કરવાથી કદાચ તેમનું બાળક લોકોની નજરમાં આવી જશે. હું પણ પહેલા આવું જ વિચારતી હતી પણ પછી લાગ્યું કે જો આપણું બાળક કોઇ રમતમાં મેડલ જીતી લાવે તો આપણે લોકોને ઉત્સાહભેર તે વિશે જણાવીએ છીએ તો હું મારી દીકરીના ઇન્ટેલિજન્સ વિશે લોકોને શા માટે ન જણાવું? ઓફેલિયાની યાદશક્તિ ગજબની છે.
તે એક વર્ષની પણ નહોતી થઇ ત્યારની પણ મોટા ભાગની બાબતો તેને યાદ છે. તે અઠવાડિયામાં 3 દિવસ નર્સરી સ્કૂલમાં જાય છે. સ્કૂલમાં તેની એક્ટિવિટી જોઇને હું તેને ચાઇલ્ડ સાઇકોલોજિસ્ટ પાસે લઇ ગઇ હતી, જેમણે અમને મેન્સામાં તેનો આઇક્યુ ટેસ્ટ કરાવવા કહ્યું અને અમને અમારી દીકરીની પ્રતિભા વિશે જાણવા મળ્યું. હું ઇચ્છું છું કે તે ભવિષ્યમાં ખૂબ પ્રગતિ કરે.
Tags :