થરાદ પંથકમાં તીડના આક્રમણથી ૭૧૫૦ હેક્ટરમાં નુકશાન

બનાસકાંઠા
બનાસકાંઠા

રખેવાળ ન્યુઝ થરાદ
બનાસકાંઠાના સરહદી વાવ સુઇગામ પંથકમાં ત્રાટકીને ખેડુતોનો હરિયાળો મોલાત અને કુદરતની હરીયાળીને ગણતરીની મિનીટોમાં સફાચટ્ટ કરનાર તીડ ગત ડીસેંબરના છેલ્લા પખવાડીયામાં સુઇગામ, વાવના માડકા, મોરીખા તરફથી થરાદના ખાનપુર, ડોડગામ, જાંદલા, ડેલ તરફ આવ્યાં હતાં. જે થરાદ તાલુકાની હદમાં ચિભડા (સણાવ) થી દિયોદર તાલુકામાં જતાં રહ્યાં હતાં. જો કે આ તીડનું ટોળું થરાદ વિસ્તારના પટ્ટામાં બે બાય ત્રણ કિલોમીટરના વિસ્તારમાં પસાર થયું હતું. ત્યાર પછીના અઠવાડીયા માં પંદરથી વીસ કિલોમીટરના ઘેરાવામાં વાવના દૈયપની સીમમાંથી ત્રાટકેલા 
થરાદ પંથકના રાજસ્થાનની બોર્ડર પર આવેલા અઢાર જેટલા ગામોના ખેડુતોની ખેતીપાકોનો સફાયો કરી દીધો હતો. જે પૈકીના અડધાને કેંદ્રની તીડનિયંત્રણ અને રાજ્યસરકારની ટીમોએ સ્થાનિક ખેડુતો સાથે મળીને મારી નાખ્યાં હતાં. જ્યારે બાકીનાં પવનની દિશા પ્રમાણે રાજસ્થાનમાં જતાં રહ્યાં હતાં.પરંતુ આ લાલ કલરનાં તીડ ખેડુતોના ખેતરો ઉજ્જડ કરીને ખેતી પાકોને નુકશાનીનો કાળો કેર વર્તાવતાં ગયાં હતાં. આ ગામોમાં પંદરથી વીસ કિલોમીટરના ઘેરાવાના ગામોમાં તીડના કારણે ખેડુતોને ભારે નુકશાન થવા પામ્યું હતું. આ ઉપરાંત આજુબાજુના અન્ય ગામોમાંથી તીડ પસાર થયા હતા. પરંતુ રાત્રિરોકાણ કર્યું ત્યાં નુકશાન વધુ પ્રમાણમાં (સંપુર્ણ) હોવાનું ખેતીવાડી વિભાગના સુત્રોએ જણાવ્યું હતું.
આ અંગે થરાદની કચેરીના મદદનીશ ખેતીનિયામક એમ.જી. ઉપલાણાએ જણાવ્યું હતું કે ગત મંગળવારથી જીલ્લા ખેતીવાડી અધિકારીની સુચના મુજબ જીલ્લાના વિવિધ તાલુકાઓના ગ્રામસેવકો અને ખેતીવાડીવિભાગના કર્મચારીઓની ૧૧ ટીમો બનાવીને પંદર ગામના સર્વે નંબર મુજબ નુકશાનના સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં ખેડુતોના કુલ ૧૪૦૬૪ વાવેતર વિસ્તાર પૈકી ૭૧૫૦ હેક્ટર વિસ્તારમાં રાઇ,જીરૂ,ઇસબગુલ,મેથી,દિવેલા,વરીયાળી,અજમો,ઘઉં,રાજગરો,ધાણા જેવા પાકોને નુકશાન થવા પામ્યું હતું. ખેતીવાડી વિભાગ દ્વારા ૩૩ ટકાથી વધુ નુકશાન ધરાવતા ૧૮ ગામોના ૪૨૫૪ ખેડુતોના ખેતરો ખુંદીને સર્વે કરવામાં આવ્યો હતો. જેમાં એક અઠવાડીયાનો સમય લાગ્યો હતો. આ નુકશાન ધરાવતા ખેડુતોને સરકાર દ્વારા નિયમ પ્રમાણે હેક્ટરદીઠ સહાય આપવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે તાલુકાના જાંદલા,મોટીપાવડ, નાનીપાવડ ,નાગલા, ખાનપુર અને જેવા રાજસ્થાન સરહદનાં અન્ય ગામોમાં તીડ પસાર થયાં હતાં. પરંતુ જે ગામોમાં ૩૩ ટકાથી ઓછુ નુકશાન થયુ હોઇ તેમની ગણતરી કરવામાં આવી ન હતી.
 
                                                                                                                                                                                                 અહેવાલ : વિષ્ણુ દવે 

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.