નરોડામાં પત્નીએ પતિ પર મરચાંની ભૂકી નાખીને છરીના ઘા ઝીંક્યા

અમદાવાદ: શહેરના નરોડા વિસ્તારમાં ગઇ કાલે મોડી રાતે એક ટ્યૂશન ટીચરે તેના પતિ પર મરચાંની ભૂકી નાખીને છરીઓના ઘા ઝીંકી દેવાની હિંસક ઘટનાને અંજામ આપ્યો છે. સાવકા પુત્રને જમવાનું આપવાનું કહેતાં પતિ પર પત્નીએ હુમલો કર્યો છે.

નરોડા વિસ્તારમાં આવેલ મધુવન સોસાયટીમાં રહેતા અને ટ્યૂશન ક્લાસીસ ચલાવતા ૪૯ વર્ષીય કનુભાઇ નટવરભાઇ પટેલે નરોડા પોલીસ સ્ટેશનમાં તેમનાં પત્ની વિરુદ્ધમાં હત્યાની કોશિશની ફરિયાદ કરી છે. કનુભાઇ પટેલની પત્નીનું દોઢ વર્ષ પહેલાં મૃત્યુ થઇ ગયું હતું.

કનુભાઇ તેમના પુત્ર મીત સાથે રહેતા હતા ત્યારે એક મેરેજ બ્યૂરોએ તેમને એક ‌િડવોર્સી અને એક પુત્રીની માતા ‌લલિતાબહેન સાથે લગ્ન કરવા માટેનો પ્રસ્તાવ આપ્યો હતો. કનુભાઇ અને લ‌િલતાબહેન વચ્ચે મનમેળ થઇ જતાં બન્ને જણાએ લગ્ન કરી દીધાં હતાં. કનુભાઇ તેમનો પુત્ર મીત તેમજ લ‌િલતાબહેન અને તેમની સાત વર્ષની પુત્રી દેવાંશી હળી-મળીને રહેતાં હતાં.

કનુભાઇ અને લ‌િલતાબહેન બન્ને જણાએ ટ્યૂશન ક્લીસીસ શરૂ કર્યા હતા. ગઇ કાલે રાત્રે મીતને ભૂખ લાગી હોવાથી તેણે લ‌િલતાબહેન પાસે જમવાનું માગ્યું હતું. લ‌િલતાબહેને જમવાનું નહીં આપતાં કનુભાઇએ તેમને ટકોર કરીને મીતને જમવાનું આપવા કહ્યું હતું. લ‌િલતાબહેને મીતને જમવાનું આપવાની ના પાડી દીધી હતી અને મકાન મારા નામે કરી દઇશ તેવી વાત કરીને ઝઘડો શરૂ કર્યો હતો.

કનુભાઇ બોલે તે પહેલાં લ‌િલતાબહેન રસોડામાં ગયાં હતાં અને હાથમાં મરચું અને છરી લઇને બહાર આવ્યાં હતાં. મીતની હાજરીમાં આજે તને જાનથી મારી નાખીશ તેવું કહીને લ‌િલતાબહેને કનુભાઇની આંખમાં મરચાંની ભૂકી નાખી હતી અને ઉપરાછાપરી છરીઓના ઘા ઝીંકી દીધા હતા.

કનુભાઇ ઇજાગ્રસ્ત થતાં તેમને સારવાર માટે નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમની ત‌િબયત નાજુક હોવાથી આઇસીયુમાં રાખવામાં આવ્યા છે. નરોડા પોલીસે આ મામલે લ‌િલતાબહેન વિરુદ્ધમાં હત્યાની કોશિશનો ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે.

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.