અમીરગઢઃ મહિલાકર્મીએ તબીબ પુત્ર પાસે ડીલીવરીના ૪૦૦ કેસ મોકલ્યા

બનાસકાંઠા
બનાસકાંઠા

      અમીરગઢ તાલુકા આરોગ્યમાં સનસનાટી મચાવી દે તેવો સરકારી સ્ટીંગ ઓપરેશનનો કિસ્સો સામે આવ્યો છે. મહિલા કર્મચારી આરોગ્ય કેન્દ્રમાં આવતા દર્દીઓને ખાનગી ડોક્ટર પાસે મોકલતી હોવાનું ઝડપાઇ ગયુ છે. પોતાના ડોક્ટર પુત્ર માટે આવક ઉભી કરવા સરકારી દવાખાને આવતી મહિલા દર્દીઓને ડીલીવરી માટે પોતાના ઘરે મોકલતી હોવાનો ઘટસ્ફોટ થયો છે. તપાસ દરમ્યાન ડોક્ટર પુત્ર પાસેથી સરકારી દવાનો જથ્થો મળી આવ્યો છે. આથી ફરીયાદ દાખલ કરવાની તૈયારી શરૂ થઇ છે.
        બનાસકાંઠા જીલ્લાના અમીરગઢ તાલુકાના ધનપુરા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની સુપરવાઇઝર ગીતાબેન પઢીયાર વિરૂધ્ધ સૌથી મોટી ઘટના બહાર આવી છે. આરોગ્ય કેન્દ્રની મહિલા કર્મચારી હોવા છતાં દર્દીઓને ખાનગી દવાખાને સારવાર કરાવવા મોકલતી હોવાનુ ઝડપાઇ ગયુ છે. જીલ્લા આરોગ્યની ટીમે રેડ કરતા ગીતાબેન પઢીયાર પોતાના ડોક્ટર પુત્ર સુજલ માટે આવકનો સ્ત્રોત ઉભો કરવા સુવાવડના કેસ પોતાના દવાખાને રવાના કરતા આબાદ ઝડપાઇ ગયા છે.    
         સુત્રોએ જણાવ્યુ હતુ કે, જીલ્લા આરોગ્ય ટીમે બનાવટી મહિલા દર્દી ઉભી કરી ગીતાબેન પઢીયારને ત્યાં સારવાર મોકલી હતી. આ દરમ્યાન આરોગ્ય કેન્દ્રના મહિલા કર્મચારી ગીતાબેન સારવાર સામે રકમ લેતા ઝડપાઇ ગયા હતા. જેની પુછપરછમાં મહિલા કર્મચારીએ પોતાનો પુત્ર ડોક્ટર હોવાથી ડીલીવરી અને સારવાર કરતા હોવાનું જણાવ્યુ હતુ. આ દરમ્યાન મહિલાના ઘરેથી સરકારી દવાનો જથ્થો પણ મળી આવ્યો હતો. આથી જીલ્લા આરોગ્ય દ્રારા મહિલા કર્મચારીના ડોક્ટર પુત્ર વિરૂધ્ધ અમીરગઢ પોલીસ મથકે એફઆઇઆર દાખલ કરવાનું નક્કી થયુ છે.
 
       જીલ્લા આરોગ્યને ખાનગી બાતમી મળતા સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપને સાથે રાખી સ્ટીંગ ઓપરેશન કર્યુ હતુ. જેની સફળતા બાદ મહિલા કર્મચારીના ઘરે અત્યાર સુધી ડીલીવરીના કેટલા કેસ આવ્યા તેની તપાસ થઇ હતી. જેમાં તલાટીએ ૪૦૦થી વધુ ડીલીવરી થયાનું વિગતો જણાવતાં આરોગ્ય આલમમાં ચકચાર મચી ગઇ છે. સમગ્ર બાબતે તાલુકા આરોગ્ય અધિકારીની ભુમિકા શંકાસ્પદ જણાતાં ડીડીઓએ અત્યંત નારાજગી વ્યક્ત કરી છે.
          ધનપુરા આરોગ્ય કેન્દ્રની મહિલા કર્મચારી ઝડપાઇ ગયા બાદ તેના વિરૂધ્ધ સસ્પેન્ડ કરવા સુધીની કાર્યવાહી તાત્કાલિક હાથ ધરવામાં આવી છે. આ સાથે તેના ડોક્ટર પુત્ર સુજલ પઢીયાર વિરૂધ્ધ અમીરગઢ પોલીસ મથકે આઇપીસીની કલમ ૨૬૯,૨૭૦,,૨૭૮ અંતર્ગત ફરીયાદ દાખલ કરવા આરોગ્યના અધિકારીઓ પહોંચ્યા છે. ઘટનાને પગલે બનાસકાંઠા જીલ્લામાં હડકંપ મચી ગયો છે.

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.