વડોદરામાં બની 5 લાખના ખર્ચે 18 ફૂટના ગણપતિની ફાઇબરની પ્રતિમા, વિસર્જન નહીં થાય

ગણેશ ઉત્સવ દરમિયાન પ્લાસ્ટર ઓફ પેરિસની પ્રતિમાથી જળપ્રદૂષણ થતું હોવાથી શહેરના મૂર્તિકાર અને મંડળો દ્વારા નવો ટ્રેન્ડ શરૂ કરાયો છે. વડોદરા શહેરના મૂર્તિકારે પહેલી વખત 18 ફૂટની ફાઇબરની ગણપતિની પ્રતિમા બનાવી છે. જેની કિંમત 5 લાખ રૂપિયાથી વધુ છે. માંજલપુરચા રાજા તરીકે પ્રખ્યાત મંડળ દ્વારા આ વર્ષે ફાઇબરની પ્રતિમા બનાવી વાજતે- ગાજતે પ્રતાપનગરથી માંજલપુર પંડાલ સુધી નીકળેલી શોભાયાત્રાએ આકર્ષણ જમાવ્યું હતું. આ પ્રતિમાનું વિસર્જન કરવામાં નહીં આવે. આવતા વર્ષે આ જ પ્રતિમા પુન: શોભાયમાન થશે.
 
વડોદરા શહેરમાં આ વર્ષે સુરસાગર તળાવમાં વિસર્જન પર પ્રતિબંધ છે. પોલીસે મોટી મૂર્તિ બનાવવા માટે મનાઇ ફરમાવી છે. ત્યારે માટીની પ્રતિમાને બદલે ફાઇબરની પ્રતિમા બનાવવાનું શરૂ થયું છે. પ્રતાપનગર યમુના મિલ સ્થિત મૂર્તિકાર ભરત કહારે બે પ્રતિમા બનાવી છે જે પૈકી માંજલપુર જનકપુરીના શ્રીજીની ગ્રહમંડળના ડેકોરેશન સાથે પ્રતિમાનું કાર્ય પણ થયું હતું. શ્રીજીની પાછળ સૂર્યની પ્રતિમાના હાથમાં તમામ અન્ય ગ્રહ સાથે શ્રીજી દૈદીપ્યમાન હતા. માંજલપુર ચા રાજા મંડળના અગ્રણી સેતુભાઇ પટેલે જણાવ્યું હતું કે , આ પ્રતિમા આવતા વર્ષે ફરી પ્રસ્થાપિત કરીશું. વિસર્જન યાત્રા બાદ માત્ર સ્થાપનાની મૂર્તિનું વિસર્જન થશે. બે વર્ષ બાદ ફરી રિમોલ્ડ કરીને નવી પ્રતિમા બનાવાશે. પર્યાવરણ રક્ષણ માટે નિર્ણય લેવાયો છે. આ પ્રતિમાને માંજલપુરના કીર્તનભાઇ અને પ્રતિમાબેન વાઘેલા રોજ નવાં વસ્ત્ર પહેરાવશે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.