સુરતમાં સિટી બસે માતા પુત્રી સહિત 4વ્યક્તિને અડફેટમાં લીધા

સુરતઃ ઉધના સત્ય નગર બીઆરટીએસ બસ સ્ટેન્ડ પાસે  પુરપાટ ઝડપે આવતી સિટી બસના ચાલકે માતા પુત્રી સહિત 4 વ્યક્તિને અડફેટમાં લીધા હતા. આ અકસ્માતમાં દોઢ વર્ષની માસુમ બાળકીનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે બાળકીની માતા અને મામી તેમજ એક રાહદારી આધેડને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા. જ્યાં આધેડનું પણ ટૂંકી સારવાર બાદ મોત નીપજ્યું હતું. રોષે ભરાયેલા લોકોના ટોળાએ સિટી બસમાં તોડફોડ કરી હતી. તેમજ બસના ડ્રાઇવર પકડવાની માંગણી સાથે માસમૂનો મૃતદેહ ઊંચકવાનો ઇનકાર કરી બીઆરટીએસ રૂટમાં જ ધરણા પર બેસી ગયા હતા.
 
ઉધના ભાઠેના માનવ પરિવાર એપાર્ટમેન્ટ ખાતે રહેતા મનીષભાઈ પટેલ લુમ્સના કારખાનામાં સુપરવાઈઝર છે. તેમની પત્ની રોશનીબેન દોઢ વર્ષની પુત્રી વિની અને ભાભી પ્રિતીબેન વિકાસભાઈ પટેલ ઘરેથી શોપીંગ કરવા માટે નિકળ્યા હતા. તેઓ ઉધના સત્ય નગર બીઆરટીએસ બસ સ્ટેન્ડ પાસે ઝેબ્રા ક્રોસિંગ પરથી પસાર થઈ રસ્તો ઓળંગતા હતા ત્યારે પુરપાટ ઝડપે આવતી સિટીબસના ચાલકે રોશનીબેન તેમની પુત્રી વિની, ભાભી પ્રિતીબેન તેમજ નવાગામ ડિંડોલી ખાતે રહેતા અને લુમ્સના કારખાનામાં નોકરી કરતા દિનેશભાઈ અર્જુનભાઈ પટેલને અડફેટમાં લઈ લીધા હતા. જેમાં દોઢ વર્ષની માસુમ વિનીનું ઘટના સ્થળે જ અરેરાટીભર્યું મોત નીપજ્યું હતું. જ્યારે રોશનીબેન સહિત અન્ય 3 ગંભીર રીતે ઘવાયા હતા. જેથી તેમને સારવાર માટે ખસેડાયા હતા. જ્યાં ટુંકી સારવાર બાદ દિનેશ પટેલનું પણ મોત નીપજ્યું હતું.
 
લોકોમાં રોષ ભભુકતા સિટીબસમાં તોડફોડ કરી હતી. બનાવની જાણ થતા ઉધના પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી. ઘટના સ્થળે દોડી ગયેલા રોશનીબેનના સંબંધીઓએ જ્યા સુધી ડ્રાઈવરની ધરપકડ કરી પોલીસ ઘટના સ્થળે ન લઈ આવે ત્યા સુધી માસુમ વિનીનો મૃતદેહ ત્યાંથી ઊંચકવા દેવાનો ઈન્કાર કરી દીધો હતો. સમાજના લોકો બીઆરટીએસ રૂટમાં મૃતદેહની પાસે જ બેસી ગયા હતા. 4 કલાકની સમજાવટ બાદ આખરે પોલીસે ડ્રાઈવરની ધરપકડ કરી હોવાની જાણ કરી ન્યાયની ખાતરી આપતા આગેવાનોએ મૃતદેહ ઉચકવા દીધો હતો.
 
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.