ભરૂચમાં દારૂના નશામાં ચિક્કાર મહિલાએ ફ્લેટમાં લગાવી આગ, આઠ લાખથી વધુનું નુકશાન

ભરૂચની જીએનએફસી ટાઉનશીપની બાજુમાં આવેલા આનંદ એપાર્ટમેન્ટમાં રહેતાં રહીશના ફલેટમાં દારૂના ચિકકાર નશામાં ધસી આવેલી મહિલાએ આગ લગાવી દેતાં ફલેટ ધારકને આઠ લાખ રૂપિયા ઉપરાંતનું નુકશાન થયું છે. પોલીસે આરોપી મહિલાની ધરપકડ કરી છે જયારે ફરાર થઇ ગયેલા તેના પતિને ઝડપી પાડવા માટે કવાયત હાથ ધરી છે. ફલેટ માલિકે તેમનું અન્ય મકાન દંપતિને રહેવા માટે આપ્યું હતું પરંતુ બાદમાં મકાન ખાલી કરાવી દેતાં દુશ્મનાવટ ઉભી થઇ હતી. મહિલા તથા તેના પતિએ ધમાલ કરતાં ફલેટના માલિક અને તેમના બે પુત્રો બહાર દોડી આવ્યાં હોવાથી આગની ઘટનામાં તેમનો બચાવ થયો છે. 
 
પોલીસ સુત્રીય માહિતી અનુસાર આનંદ એપાર્ટમેન્ટના ફલેટ નંબર 14માં સંજય અંબાલાલ પટેલ તેમના પરિવાર સાથે રહે છે. તેમના પિતાની ઓળખાણના કારણે તેમણે અવધુત નગર સોસાયટીના મકાન નંબર 104માં રહેતાં મિતેશ પ્રિતમ ભવાની અને તેની પત્ની જયોતિને પ્રિતમ રેસીડન્સીનું મકાન રહેવા માટે આપ્યું હતું. આ મકાનની 20 લાખની લોન બાકી હોવાથી બેંકે ફેબ્રુઆરી 2018માં મકાનને સીલ મારી દીધું હતું. બાદમાં સંજય પટેલે આ મકાનની લોન ભરપાઇ કરી કબજો મેળવ્યો હતો. મકાન બાબતે ભવાની દંપતિ અને સંજય પટેલ વચ્ચે અવારનવાર ઝગડા થતાં હતાં.
 
બુધવારે રાત્રીના સમયે સંજય પટેલ તેમના બે પુત્રો સાથે તેમના આનંદ એપાર્ટમેન્ટના ઘરમાં હાજર હતાં. તે વેળા મિતેશ અને જયોતિ ભવાનીએ ત્યાં આવી ધમાચકડી મચાવી હતી. ચિકકાર નશામાં આવેલી જયોતી ફલેટમાં ઘુસી જતાં સંજય પટેલ તેમના બંને પુત્રો સાથે બહાર દોડી આવ્યાં હતાં. દરમિયાન મિતેશ ભવાનીએ તેમની સાથે ઝપાઝપી કરી મારી નાંખવાની ધમકી આપી હતી. 
 
ગભરાયેલા સંજય પટેલ સી ડીવીઝન પોલીસ સ્ટેશન પહોંચ્યાં હતાં. દરમિયાન જયોતિ ભવાનીએ તેમના ફલેટમાં આગ લગાવી દીધી હતી. ઘટનાની જાણ થતાં નગરપાલિકાના લાશ્કરોએ દોડી આવી આગ પર કાબુ મેળવ્યો હતો પરંતુ ત્યાં સુધીમાં બધી ઘરવખરી બળીને રાખ થઇ ગઇ હતી. બનાવ સંદર્ભમાં જયોતિ અને મિતેશ વિરૂધ્ધ સી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાય છે. પોલીસે જયોતિની ધરપકડ કરી છે જયારે ફરાર મિતેશને ઝડપી પાડવા કવાયત હાથ ધરવામાં આવી છે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.