બાણોદરા ગામના ભયભીત પરિવારોના કલેક્ટર કચેરીએ ધામા

રખેવાળ ન્યુઝ ૫ાલનપુર : દાંતા તાલુકાના તોરણીયા ગામના એક યુવકનું ૫ વર્ષ અગાઉ મોત થયું હતું. જેને લઈને માથાભારે તત્વો દ્વારા બાણોદરા ગામના પરિવારજનોને હેરાન પરેશાન કરાતા હોઈ તેઓએ પરિવાર સાથે પાલનપુર દોડી આવી કલેકટર કચેરીએ ધામા નાખી ન્યાયની ગુહાર લગાવી રહ્યા છે. દાંતા તાલુકાના તોરણીયા ગામના રમેશ ડામોર નામના યુવકનું ૨૦૧૪માં મોત થયું હતું. જેના મોત પાછળ હાથ હોવાની આશંકાને આધારે બાણોદરા ગામના આદિવાસી કોદરવી પરિવારોને છેલ્લા ૫ વર્ષથી હેરાન પરેશાન કરવામાં આવી રહ્યા છે. પોલીસ તપાસમાં પણ નિર્દોષ છૂટવા છતાં વ્હેમ રાખી કોદરવી પરિવારોને રંજાડવામાં આવી રહ્યા છે. સમાધાન માટે રૂ.૧૧ લાખની માંગ કરી પીડિત પરિવારોને ભગાડી મુકાતા ભયભીત બનેલા બાણોદરા ગામના લોકો પોતાના બાળ બચ્ચાઓ સાથે પાલનપુર દોડી આવ્યા હતા. જ્યાં તેઓએ કડકડતી ઠંડી વચ્ચે ન્યાયની ગુહાર લગાવતા ધામા નાખ્યા હોવાનું બાલુભાઈએ જણાવ્યું હતું. માથાભારે તત્વોના ત્રાસથી ભયભીત પરિવારના બાળકો અભ્યાસ કરવા પણ જઈ શકતા નથી. અને પુરુષ વર્ગ મજૂરી કરવા પણ જઈ શકતો નથી. ત્યારે માથાભારે તત્વો અને પોલીસની હેરાનગતિથી ત્રસ્ત લોકો હિજરત કરી પાલનપુર આવી પહોંચ્યા છે. કડકડતી ઠંડીમાં ઉપર આભ અને નીચે ધરતી વચ્ચે પરિવાર સાથે આવેલા ભયભીત લોકો ન્યાય માટે વલખાં મારી રહ્યા છે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.