વિરાવાડા અને દેધરોટાની સીમમાંથી મળેલી બે યુવતીની લાશનો ભેદ ઉકેલાયો

સાબરકાંઠા
સાબરકાંઠા

રખેવાળ ન્યુઝ હિંમતનગર : હિંમતનગર તાલુકાના વિરાવાડા ગામની સીમના પાણી ભરેલ ચેકડેમમાંથી અને તેના પાંચેક દિવસ બાદ દેધરોટા ગામની સીમમાંથી ૧૬ થી ૧૭ વર્ષની બે સગીરાઓની બિનવારસી હાલતમાં લાશો મળ્યા બાદ એલસીબી, એસઓજી, હિંમતનગર ગ્રામ્ય અને ગાંભોઇ પોલીસ સહિતની વિવિધ ટીમોએ બંને સગીરાઓના મોતનો ભેદ ગણતરીના દિવસોમાં જ ઉકેલી નાખી બિહારના બે યુવકોને હત્યા, અપહરણ અને દુષ્કર્મ આચરવાની ઘટનામાં દબોચી લઇ બંને સગીરા કુંટુંબી બહેનોના મોતનો ભેદ ઉકેલી નાખ્યો છે. પોલીસની ટીમોએ સગીરાનું અપહરણ કરનાર, દુષ્કર્મ આચરનાર અને હત્યા કરનાર એક યુવકને બિહારના પૂર્વ ચંપારણ જિલ્લાના નૌતન ગામેથી અને બીજાને હિંમતનગરના આર.ટી.ઓ. સર્કલ નજીકથી દબોચી લઇ વધુ તપાસ હાથ ધરી છે.
અપહરણ, દુષ્કર્મ બાદ બંને સગીરા કુંટુંબી બહેનોની હત્યાની ઘટના અંગે પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત વિગત અનુસાર ગઇ તા.૨૦ ફેબ્રુઆરી ૨૦૨૦ ના રોજ વિરાવાડા ગામની સીમમાં આવેલ પીટીસી કોલેજના પાછળ પાણી ભરેલ ચેકડેમમાંથી ૧૬ થી ૧૭ વર્ષની સગીરાની લાશ મૃત હાલતમાં ગાંભોઇ પોલીસને મળી આવી હતી. તેના પાંચેક દિવસ બાદ એટલે કે તા.૨૫ ફેબ્રુઆરી ૨૦૨૦ ના રોજ દેધરોટા ગામની સીમમાં નવાનગર તરફ જતા રોડ સાઇડમાંથી બીજી એક ૧૬ થી ૧૭ વર્ષની સગીરાની લાશ મૃત હાલતમાં મળી આવી હતી. આમ બંને સગીરાઓની પાંચેક દિવસના ગાળામાં જ લાશ મળી આવતા પોલીસને બંને યુવતીઓની હત્યા થયાની શંકા ઉપજી હતી. જેથી જિલ્લા પોલીસ અધિક્ષક ચૈતન્ય મંડલિકના માર્ગદર્શન અને તપાસ અધિકારી પ્રોબેશનર એ.એસ.પી. લવિના સિન્હાના માર્ગદર્શન હેઠળ ગાંભોઇ પોલીસ, હિંમતનગર ગ્રામ્ય પોલીસ, એલસીબી, એસઓજી સહિતની ટીમો બનાવી મૃતક સગીરાઓની ઓળખ કરવા સાથે બંને સગીરાઓની ગળુ દબાવી હત્યા કરાઇ હોવાની આશંકાને પગલે વિવિધ વિસ્તારોના સીસી ટીવી ફૂટેજ આધારે પોલીસે તપાસનો દોર શરૂ કર્યો હતો.
પોલીસ ટીમોની તપાસ દરમિયાન હિંમતનગરની એક કન્સ્ટ્રકશન કંપનીના કોન્ટ્રાકટરો, પેટા કોન્ટ્રાકટરો, મજૂરો તેમજ ડ્રાઇવરોને મૃત યુવતીઓના ફોટોગ્રાફ્‌સ બતાવતા કન્સ્ટ્રકશન કંપનીના હિટાચી મશીન પર ઓપરેટર તરીકે કામ કરતા બિહારના વિકાસકુમાર રામેશ્વર અશરફી મહતો (ઉ.વ.૨૪) અને મુન્નાકુમાર યોગેન્દ્ર જગરૂ મહતો (ઉ.વ.૨૦) બલવંતપુરામાં રહેતા નરેન્દ્રસિંહ ધુપસિંહ ચૌધરીના મજૂર કવાટર્સમાં રહેતા હતા. તે બંને યુવકો પોતાના વતનમાં ભાગી ગયાની પોલીસને જાણ થતા બંને ઉપર પોલીસની શંકા દ્રઢ બની હતી. જેથી એલસીબીના પી.આઇ. વી.આર.ચાવડાએ પી.એસ.આઇ. જે.એમ.પરમાર, બી.યુ.મુરીમા, જે.પી.રાવ સાથેની ટીમો બનાવી તે દિશામાં તપાસ આદરી હતી. એલસીબીના પી.એસ.આઇ. જે.એમ.પરમાર અને બી.યુ.મુરીમાને ટીમ સાથે યુવકના વતન બિહારમાં પૂર્વચંપારણ જિલ્લાના સંગ્રામપુર થાનાના નૌતન ગામે તપાસાર્થે મોકલી હતી. જે તપાસ દરમિયાન પાંચેક માસ ઉપર ગામની બે કુંટુંબી યુવતીઓને બંને યુવકો લઇ ગયા બાદ બંને યુવતીઓ ગામ પરત આવી નથી તેવું જાણવા મળતા પોલીસે ત્યાં વિરાવાડાની સીમમાંથી મળેલ યુવતીનો ફોટો બતાવતા ઓળખી બતાવ્યો હતો. જેથી પોલીસે ત્યાં તપાસ આદરી વિકાસકુમાર રામેશ્વર મહતોને નૌતન ગામેથી ઝડપી લઇ હિંમતનગર લઇ આવી હતી. એલસીબીએ ઝડપાયેલ યુવકની તપાસ બાદ બીજા યુવકની શોધખોળ શરૂ કરી હતી. પોલીસે સગીરાના મોતના મામલામાં ફરાર શખ્સની તપાસમાં મુન્નાકુમાર યોગેન્દ્ર જગરૂ મહતો તેનો બાકી રહેતો હિસાબ લેવા તા.૧૧ માર્ચ ૨૦૨૦ ના રોજ હિંમતનગરના આર.ટી.ઓ. સર્કલ નજીક આવેલ હોવાની બાતમી મળતા પોલીસે તેને ત્યાંથી દબોચી એલસીબી કચેરીએ લઇ આવી પુછતાછ કરી હતી. પોલીસની પુછતાછ દરમિયાન બંને યુવકોએ બંને સગીરાઓને પાંચેક માસ ઉપર બિહારથી સાથે લાવ્યાની અને દેધરોટાની સીમમાંથી મૃત હાલતમાં મળેલ સગીરાના ચારિત્ર્ય બાબતે વહેમ પડતા ગળુ દબાવી હત્યા કરેલાની કબૂલાત કરી હતી. પોલીસ અધિક્ષક ચૈતન્ય મંડલિકે જણાવ્યુ હતું કે, બંને સગીરાની હત્યા ગળુ દબાવીને કરી બંનેની લાશોને જુદી જુદી સીમોમાં ફેકી દીધી હતી. હાલમાં પોલીસે હત્યાનો ગુનો દર્જ કરી સમગ્ર ઘટનાનો પર્દાફાશ કરી નાખ્યો છે. પરંતુ તપાસ દરમિયાન બંને સગીરાઓનું અપહરણ કરી તેના ઉપર દુષ્કર્મ આચરી અને હત્યા કરાયાનું બહાર આવતા બંને યુવકો વિરૂધ્ધ અપહરણ, દુષ્કર્મ, હત્યા સાથે પોકસો એકટની કલમ હેઠળ ગુનો દર્જ કરાશે તેમ પોલીસ અધિક્ષકે જણાવ્યુ હતું. 

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.