દેશના તમામ મોટા રેલવે સ્ટેશન પર માત્ર રૂ.૫૦માં ૧૬ મેડિકલ ટેસ્ટ કરાવી શકાશે

દિવાળી પહેલા રેલવેએ પોતાના ૧૨ લાખથી વધુ કર્મચારીઓ અને કરોડો પ્રવાસીઓની ફિટનેસ તપાસ માટે મોટી પહેલ કરી છે. આ હેઠળ દેશભરના તમામ મોટા રેલવે સ્ટેશન પર કમ્પ્લિટ હેલ્થ ચેકઅપ રિપોર્ટ મશીન લગાવાઈ રહ્યાં છે. આ મશીનોથી સામાન્ય પ્રવાસીઓને મેડિકલ ટેસ્ટ કરાવવા રૂ. ૫૦ અને રેલવે કર્મીઓને આશરે રૂ. ૧૦ આપવા પડશે. ફક્ત ૧૦ મિનિટમાં ૧૬ પ્રકારની તપાસ થઈ શકશે. આ ટેસ્ટમાં બ્લડ પ્રેશર, બોડી માસ ઈન્ડેક્સ, બોન, મેટાબોલિક એજ, ફેટ, હાઈડ્રેશન, પલ્સ રેટ, હાઈટ મસલ માસ, બોડી ટેમ્પરેચર, ઓક્સિજન લેવલ અને વજન સામેલ છે.
ટેસ્ટ કરાવનારને આ તમામ તપાસના રિપોર્ટ ફક્ત દસ મિનિટમાં આપી દેવાશે. સ્ટેશન પર મશીનનું સંચાલન કરનારી કંપનીએ કહ્યું કે, આ તમામ ટેસ્ટ માટે પ્રવાસીઓને બ્લડ સેમ્પલ નહીં આપવું પડે. ના તો રિપોર્ટ માટે બહુ રાહ જોવી પડે. આ મશીનનું ઉદઘાટન રેલવે બોર્ડના અધ્યક્ષ વિનોદ યાદવે લખનઉ રેલવે સ્ટેશન પર બે દિવસ પહેલા કર્યું હતું. સોમવારે દિલ્હીમાં પણ મશીન લગાવાયા હતા. અન્ય તમામ મોટા સ્ટેશન પર કામ ચાલી રહ્યું છે, જે એક મહિનામાં પૂરું થઈ જશે. કંપનીનું કહેવું છે કે, ઝડપથી તેઓ આ હેલ્થ ચેકઅપ બુથો પર ડાયાબિટીસ તપાસ પણ શરૂ કરશે. જોકે, આ માટે અલગ ચાર્જ વસૂલાશે.
 
ઉત્તર રેલવેના સીપીઆરઓ દીપક કુમારે કહ્યું કે, રેલવે પ્રવાસીઓને સારા અનુભવની સાથે પ્રવાસ વખતે ઉત્તમ મેડિકલ સેવા ઉપલબ્ધ કરાવવા ઈચ્છે છે. આ મશીનને દેશના તમામ મોટા સ્ટેશન અને ઓફિસમાં લગાવવામાં આવશે, જેથી પ્રવાસીઓ તેનો લાભ લઈ શકે અને પોતાના આરોગ્ય માટે પણ જાગૃત થશે.
 
મશીન બુથ પર તહેનાત સ્વાસ્થ્ય કાર્યકર્તા ટેસ્ટ કરાવનારની હાથને મશીનના સેન્સરમાં રાખશે, જે તેના શરીરની ૧૬ પ્રકારની માહિતી પોતાના સર્વર પર લોડ કરી લેશે. સર્વરથી આ માહિતી નિષ્ણાતોને પહોંચશે, જે દસ મિનિટમાં જ તેનો રિપોર્ટ બનાવીને મોકલશે. તેનાથી ટેસ્ટ કરાવનારાને હાથોહાથ મેડિકલ રિપોર્ટ મળી જશે. પરંતુ જો પ્રવાસી ૧૦ મિનિટ પણ રાહ જોઈ શકે એમ નહીં હોય તો તેમને ઈ-મેઈલ કરીને મેડિકલ રિપોર્ટ મોકલાશે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.