પુરવઠો સગેવગે કરવા માટે ભૂતિયા રેશનકાર્ડ નીકળતા હોવાની રાવ

ડીસા : સરહદી બનાસકાંઠા જિલ્લામાં અમલદારશાહી વચ્ચે આમ આદમી માટે જ કાયદા કાનૂન હોવાની પ્રતીતિ કરાવતી ચોંકાવનારી વિગતો પ્રકાશમાં આવી છે. જેમાં પ્રથમ દ્રષ્ટિએ માહિતી દોષ કે ભૂલ લાગતી આ બાબત પાછળ કૌભાંડની બુ આવી રહી હોવાના આક્ષેપો થઇ રહ્યા છે. ડીસાના પુરવઠા વિભાગની પોલમપોલની પર્દાફાશ કરતા આ કિસ્સામાં ભૂતિયા રેશનકાર્ડ કાઢી સસ્તા અનાજનો જથ્થો સગેવગે કરવાનું ષડયંત્ર ચાલી રહ્યું હોવાની બુમરાણ મચી છે.
ડીસા પુરવઠા વિભાગની પોકળતાનો પર્દાફાશ કરતી વિગતો બહાર આવી છે. જેમાં સંયુક્ત કુટુંબમાંથી વિભાજન કરી અલગ રેશનકાર્ડ કાઢવાના કેસમાં પણ બબ્બે રેશનકાર્ડમાં નામ હોવાની ચોંકાવનારી વિગતો પ્રકાશમાં આવી છે. 
હાલમાં તમામ સરકારી કામકાજ ઓનલાઇન થઇ ગયા છે. ત્યારે રેશનકાર્ડની કામગીરી પણ ઓનલાઇન થાય છે. જેમાં જે-તે પરિવારના સભ્યો ના નામ આધારકાર્ડને આધારે દાખલ કરવામાં આવે છે. જોકે, આધારકાર્ડ નંબર દાખલ કરતા તેનું ડુપ્લીકેશન થતું અટકી જતું હોવાનો દાવો ખુદ તંત્ર કરી રહ્યું છે.
તંત્રનું માનીએ તો, એકજ વ્યક્તિનું નામ જો બે જગ્યાએ અલગ-અલગ રેશનકાર્ડમાં હોય તો આધારકાર્ડ નંબર નાંખતા તે પકડાઈ જાય છે. પણ ડીસામાં તો તંત્રની રહેમનજર તળે એક વ્યક્તિઓના નામ બબ્બે રેશનકાર્ડમાં હોવાની વિગતો બહાર આવી છે. આધારકાર્ડ નંબર પણ બન્ને રેશનકાર્ડમાં હોવા છતાં તંત્રની કહેવાતી બાજ નજર આ ક્ષતિને પકડી શકી નથી. ઉલ્ટાનું આ અંગે પાલનપુરના આર.ટી.આઈ. એક્ટિવિસ્ટ બિપિન ગુપ્તાએ માહિતી માંગતા નઘરોળ તંત્ર પોતાની પોલ ઢાંકવા માહિતી આપવાનો ધરાર ઇન્કાર કરતા સમગ્ર પ્રકરણમાં કંઈક રંધાઈ રહ્યું હોવાનું બૂ આવી રહી છે. 
જોકે, એકાદ-બે કેસોમાં નહીં પણ સિલસીલાબંધ રેશનકાર્ડ નંબરો રજૂ કરતા બિપિન ગુપ્તાએ આ રેશનકાર્ડ ભૂતિયા રેશનકાર્ડ હોઈ પુરવઠો સગેવગે કરવા માટેનું સુનિયોજિત ષડયંત્ર ચાલતું હોવાના ગંભીર આક્ષેપો કર્યા છે. ત્યારે જિલ્લા કલેકટર આ અંગે તટસ્થ તપાસ કરાવી ભૂતિયા રેશનકાર્ડ નાબૂદ કરી તે કાર્ડ કાઢી આપનાર જવાબદાર કર્મચારીઓ અને અધિકારી ઓ સામે પગલાં ભરે તેવી માંગણી જોર પકડી રહી છે. 
 
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.