સૌના સાથ સૌના વિકાસ’’સાથે સૌનો વિશ્વાસ કેળવવો આવશ્યક : રૂપાણી

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ ભાજપા પ્રદેશ કાર્યાલય ‘‘શ્રી કમલમ્’’ ખાતે યોજાયેલ પ્રદેશ બેઠકમાં સંબોધન કરતા જણાવ્યુ હતુ કે, ગત લોકસભા ચૂંટણીમાં ટીમ ગુજરાત ભાજપાના લાખો કાર્યકરો દ્વારા આપણાં નરેન્દ્રભાઇ મોદીને ફરી એકવાર પ્રધાનમંત્રી બનાવવાનાં મિશન સાથે પરિશ્રમની પરાકાષ્ઠા સર્જીને ગુજરાતની તમામ ૨૬ લોકસભા બેઠકો પર ઐતિહાસિક વિજય અપાવવા બદલ હું સમગ્ર ગુજરાત ભાજપા ટીમને અભિનંદન પાઠવું છું. રૂપાણીએ જણાવ્યુ હતુ કે, લોકસભા ચૂંટણી પ્રચાર દરમ્યાન જનતામાં પણ ભાજપા પ્રત્યે અભૂતપૂર્વ આવકાર હતો. ભાજપાના તમામ કાર્યક્રમોમાં જનતા સ્વયંભૂ રીતે બહોળી સંખ્યામાં જોડાઇ હતી. ધોમધખતા તડકામાં ૪૪ ડીગ્રી જેટલા તાપમાનમાં ભાજપાના પ્રત્યેક કાર્યકર્તાએ ઉમંગ-ઉત્સાહભેર અથાગ મહેનત કરી હતી અને મતદાનના દિવસે વહેલી સવારથી જ જનતા સ્વયંભૂ મોટી સંખ્યામાં મતદાન માટે ઉમટી પડી હતી. ચૂંટણીના પરિણામો જાહેર થયા તે પહેલા જ પરિણામ સ્પષ્ટ થઇ ગયુ હતુ.     ૨૦૧૯ની લોકસભા ચૂંટણીમાં ભવ્ય વિજયના મૂળમાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીની છેલ્લા બે દશકાથી નિષ્ઠા-પ્રામાણિકતા-ઇમાનદારીપૂર્વક કરેલ અથાગ મહેનત, પ્રગાઢ દેશભક્તિ તેમજ પરિશ્રમની પરાકાષ્ઠા રહેલી છે. કોંગ્રેસે આશરે પાંચ દાયકા સુધી મનીપાવર, મસલ્સપાવર, વોટબેંકની રાજનીતિ, જાતિવાદ અને તૃષ્ટિકરણના આધારે દેશ ઉપર રાજ કર્યુ હતુ. ૨૦૧૪ની ચૂંટણી પહેલા સમગ્ર દેશમાં નિરાશાનો માહોલ હતો, દેશનું હવે કંઇ ન થઇ શકે તેવો ભાવ દેશની જનતામાં સ્પષ્ટપણે જોઇ શકાતો હતો. તેવી વિકટ પરિસ્થિતિમાં નરેન્દ્રભાઇ મોદીએ દેશનું સુકાન સંભાળી દેશને એક નવી દિશા આપી હતી અને આજે સમગ્ર દેશની જનતાએ ફરી એકવાર ભાજપા સરકાર બનાવીને પ્રસ્થાપિત કર્યુ છે કે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં દેશ સાચી દિશામાં આગળ વધી રહ્યો છે.  રૂપાણીએ જણાવ્યુ હતુ કે, ગુજરાત હંમેશાથી સંગઠન અને સરકાર એમ બંનેની કામગીરીમાં રોલ મોડલ રહ્યું છે ત્યારે, ગુજરાત ભાજપાની ‘‘સદસ્યતા વૃધ્ધિ અભિયાન’’માં એક વિશેષ જવાબદારી છે. ‘‘સૌના સાથ સૌના વિકાસ’’ની સાથે સૌનો વિશ્વાસ કેળવવો એ લોકશાહીમાં અતિઆવશ્યક છે. જનસંઘના સમયથી નિસ્વાર્થ કાર્યકર્તાઓએ ભવિષ્યની પેઢીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે કરેલા તપ-બલીદાન-પરિશ્રમના કારણે જ આજે ભાજપા વિશાળ વટવૃક્ષ સમાન બન્યુ છે. સત્તાનો જન્મ જે તે રાજનૈતિક પાર્ટીની સંગઠનશક્તિથી જ થાય છે. સંગઠન પર્વ માત્ર સદસ્યતા વૃધ્ધિ માટે જ નહીં પરંતુ ભાજપાની વિકાસવાદી અને રાષ્ટ્રવાદી વિચારધારા સાથે સમાજના તમામ વર્ગો, યુવાનો, મહિલાઓ, ખેડુતો, આદિવાસીઓ તેમજ દરેક ક્ષેત્રના પ્રતિષ્ઠિત નાગરિકોને સાંકળીને સામાજીક સમરસતાનું વાતાવરણ ઉભું કરવાનું એક પર્વ છે. ‘‘દશો દિશાઓ મે જાયે, દલ બાદલ પે છા જાયે’’ પંક્તિને યથાર્થ કરી ગુજરાતના તમામ બુથ પર ભાજપાના સંગઠનને વધુને વધુ મજબૂત બનાવી ‘‘સદસ્યતા વૃધ્ધિ અભિયાન’’ને સફળ બનાવવા મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ હાકલ કરી હતી.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.