કેન્સરને બે વખત માત આપીને મહિલા બન્યા રાજ્યના શ્રેષ્ઠ શિક્ષક, શિક્ષક દિને એનાયત થશે એવોર્ડ

બે વખત કેન્સરને માત આપીને વડોદરાની સરકારી શાળાના શિક્ષિકા ગીતાબેન ચૌહાણ શ્રેષ્ઠ શિક્ષક બન્યા છે. 5 સપ્ટેમ્બરે શિક્ષક દિને રાજ્યપાલના હસ્તે એવોર્ડ આપીને તેમનું સન્માન કરવામાં આવશે. ગીતાબેન વડોદરા મહાનગર સેવાસદન દ્વારા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતીની પૂજ્ય વલ્લભાચાર્ય પ્રાથમિક શાળા નંબર-22માં શિક્ષિકા તરીકે ફરજ બજાવે છે.
 
વડોદરા શહેરના આજવા રોડ બ્લોક નંબર-1, દેણાપાર્ક સોસાયટીમાં રહેતા ગીતાબહેન ચૌહાણ 30 વર્ષથી નગર પ્રાથમિક શિક્ષણ સમિતીની શાળામાં શિક્ષિકા તરીકે ફરજ બજાવે છે. વડોદરાની એક માધ્યમિક, એક ઉચ્ચ માધ્યમિક અને બે પ્રાયમરી સ્કૂલોના ટીચર્સમાંથી ગીતાબહેનની શ્રેષ્ઠ શિક્ષક તરીકે પસંદગી થઇ છે.
 
શ્રેષ્ઠ શિક્ષક તરીકે પસંદગી પામનાર ગીતાબહેન ચૌહાણે જણાવ્યું હતું કે, શિક્ષક તરીકેની કારકિર્દીમાં અનેક ચઢાવ-ઉતાર આવ્યા છે. આજે મારી સ્કૂલમાં ભણાવી રહી છું. તે મારા સ્ટુડન્ટ્સને જ આભારી છે. તેમ કહેવામાં કોઇ અતિશયોક્તિ નથી. કારણ કે, વર્ષ-2010 અને 2013માં આંતરડાના કેન્સરનો મારે સામનો કરવાનો વખત આવ્યો હતો. તે સમયે મને થયેલા કેન્સરની ચિંતા ન હતી. પરંતુ મને મારા સ્ટુડન્ટોના શિક્ષણની ચિંતા હતી. મારી ટ્રીટમેન્ટ ચાલતી હતી. ત્યારે પણ હું સ્કૂલમાં જતી હતી. જ્યાં મારા સ્ટુડન્ટ્સને ભણાવતી ત્યારે મારા તમામ દુઃખો હું ભૂલી જતી હતી. કેન્સરને માત આપવામાં મને શિક્ષણ થેરાપી જ કામ લાગી છે.
 
આપણી શ્રેષ્ઠ શિક્ષક તરીકે પસંદગી કેમ થઇ ? તેવા એક પ્રશ્નના જવાબમાં ગીતાબહેન ચૌહાણે જણાવ્યું કે, મારી શાળામાં મારા વિદ્યાર્થીઓને ભણાવવાની પદ્ધતિ, શિક્ષણ સાથે વિદ્યાર્થીઓને સહયોગી શિક્ષણ આપવાની સિસ્ટમ, સ્કૂલમાં આવતા ઇન્સ્પેકશન દરમિયાન મારા ક્લાસના વિદ્યાર્થીઓની થયેલી ચકાસણી સાથે મારી કામગીરીની ચકાસણી જેવા પાસાઓને ધ્યાનમાં લઇને મારી શ્રેષ્ઠ શિક્ષણ તરીકે પસંદગી થઇ છે. મારી શ્રેષ્ઠ શિક્ષક તરીકે પસંદગી થવામાં મારી સ્કૂલના આચાર્ય જાનકીબહેન જયશ્વાલ, શિક્ષક સંજયભાઇ પટેલ, ત્રિલોકભાઇ મહેતા સહિતના સ્ટાફનો ફાળો છે.
 
શ્રેષ્ઠ શિક્ષક તરીકે ગીતાબહેન ચૌહાણની પસંદગી થતાં સ્કૂલના આચાર્ય તેમજ શિક્ષક સ્ટાફ દ્વારા આજે સવારે તેઓનું સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગી ગીતાબહેન ચૌહાણ પોતાના હર્ષના આંસુ રોકી શક્યા ન હતા. ગીતાબહેનના હર્ષના આંસુ જોઇ સ્ટાફ પણ ગદગદીત થઇ ગયો હતો. આચાર્ય જાનકીબહેન જયશ્વાલે જણાવ્યું હતું કે, ગીતાબહેનને તેમની મહેનતનું ફળ મળ્યું છે. તેઓ જે દિવસે કિમોથેરાપી લેતા હતા. તેના બીજા દિવસે સ્કૂલમાં આવીને વિદ્યાર્થીઓને ભણાવતા હતા.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.