બનાસકાંઠા જિલ્લાના તીડ પ્રભાવિત વિસ્તારની કૃષિ મંત્રી આર. સી. ફળદુએ મુલાકાત લીધી

બનાસકાંઠા જિલ્લાના સૂઇગામ તાલુકાના મેઘપુરા અને વાવ તાલુકાના તીડ પ્રભાવિત વિસ્તારની કૃષિ, ગ્રામ વિકાસ અને વાહન વ્યવહાર મંત્રી આર. સી. ફળદુએ મુલાકાત લઇ જાત નિરીક્ષણ કર્યુ હતું. કૃષિ મંત્રીએ સરહદી વિસ્તારના ખેડૂતો અને ગામના આગેવાનો સાથે મુલાકાત કરી તીડના આક્રમણ અને તેના સામે તંત્ર દ્વારા લેવામાં આવેલા પગલાંઓ અંગેની જાત માહિતી મેળવી હતી. તીડથી ખેડૂતોના પાકને નુકશાન ન થાય તે માટે જરૂરી તમામ પગલાંઓ ભરવા મંત્રીએ અધિકારીઓને જરૂરી સુચના આપી હતી.
 
કૃષિ મંત્રી આર.સી.ફળદુએ મિડીયા સાથેની મુલાકાતમાં જણાવ્યું કે પાકિસ્તાનની સરહદમાંથી બનાસકાંઠા જિલ્લાના સૂઇગામ અને વાવ તાલુકાના પાંચથી સાત ગામોમાં તીડના ઝુંડ આવ્યા હતાં. તેનો તે વખતે જ દવાનો છંટકાવ કરી સફાયો કરવામાં આવ્યો હતો. પરંતુ આ તીડો દ્વારા જમીનમાં ઇંડા મુકવામાં આવ્યા હતા. તે ઇંડા હવે બચ્ચા બન્યા છે. તેનો નાશ કરવામાં માટે દવાનો છંટકાવ સતત ચાલુ છે. તેમણે કહ્યું કે એક માદા તીડ આશરે ૬૦ થી ૧૦૦ ઇંડાઓ મુકતી હોય છે. જે મોટા થતાં તીડના ઝુંડ બને છે. કૃષિ મંત્રીએ કહ્યું કે તીડ નિયંત્રણ માટે કેન્દ્ર સરકાર અને રાજય સરકાર સતત એલર્ટ છે. જયાં પણ તીડના લોકેશન મળે છે ત્યાં દવાનો છંટકાવ કરી તેનો નાશ કરવામાં આવે છે. તેમણે જણાવ્યું કે કેન્દ્ર સરકાર અને રાજય સરકારના કૃષિ વિભાગના અધિકારીઓ સતત મોનીટરીંગ કરી તીડ નિયંત્રણની કામગીરી કરી રહ્યા છે. તીડ નિયંત્રણ કામગીરીમાં અહીંના સ્થાનિક લોકો, ખેડૂતો અને માલધારીઓ તંત્રને ખુબ સારો સહકાર આપી રહ્યા છે. જયાં પણ તીડના ઇંડાઓ અને બચ્ચાઓની ભાળ મળે છે ત્યાં તાત્કાલીક દવાનો છંટકાવ કરી તેનો નાશ કરવામાં આવે છે. કૃષિ મંત્રીએ ખેડૂતો અને માલધારીઓને અનુરોધ કરતાં જણાવ્યું કે જે વિસ્તારમાં તીડનાશક દવાઓનો છંટકાવ કરવામાં આવ્યો છે તેવા વિસ્તારમાં પોતાના પશુધન અને ઘેટાં-બકરાને ચરાવવા ન લઇ જાય. 
 
જિલ્લા ખેતીવાડી અધિકારી પી.કે.પટેલે જણાવ્યું કે તીડ નિયંત્રણ માટે વાવ અને સૂઇગામ તાલુકાના ૬૦૦ હેક્ટર વિસ્તારમાં દવાનો છંટકાવ કરવામાં આવ્યો છે. ૭૦ જેટલાં ગ્રામ સેવકો અને ખેતીવાડી ખાતાના અધિકારીઓ રાઉન્ડ ધ ક્લોક ફરજ બજાવી તીડ નિયંત્રણની કામગીરી કરી રહ્યા છે. 
 
કૃષિ મંત્રીની મુલાકાત દરમ્યાન પૂર્વ મંત્રી અને બનાસ ડેરીના ચેરમેન શંકરભાઇ ચૌધરી, કૃષિ વિભાગના અગ્ર સચિવ સંજયપ્રસાદ, ખેતી નિયામક બી.એ.મોદી, અગ્રણીઓ સર્વ ઉમેદદાન ગઢવી, ગુમાનસિંહ ચૌહાણ, કાનજીભાઇ રાજપૂત, વિહાજી રાજપૂત, જિલ્લા ખેતીવાડી અધિકારી પી. કે. પટેલ, નાયબ બાગાયત નિયામક જે.બી.સુથાર, નાયબ ખેતી નિયામક ભરતભાઇ પટેલ સહિત ખેતીવાડી ખાતાના અધિકારીઓ, અગ્રણીઓ, ખેડૂતો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતાં.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.