ધાનેરામાં રેલવે પુલ માટે નવા બંધાયેલા પીલ્લરો તોડી પડાતાં અચરજ

રખેવાળ ન્યુઝ, ધાનેરા : બનાસકાંઠા જિલ્લાના છેવાડાના તાલુકા મથક  ધાનેરા શહેર ખાતે વિકાસનું કોઈપણ કાર્ય સમયમર્યાદામાં પૂર્ણ થતું ના હોઈ પ્રજાકીય અસંતોષ અને નારાજગી વધી રહી છે. આવી સ્થિતિમાં ધાનેરા ખાતે રેલવે પુલની કામગીરી પૂર્ણ કરવાની નિયત સમયમર્યાદા પૂર્ણ થવા આવી હોવા છતાં હજુ સુધીમાં માત્ર ૨૦ ટકા જેટલું જ કામ પૂર્ણ થયું છે. આટલું ઓછું હોય તેમ રેલવે પુલ માટે નવા બંધાયેલ પુલના પીલ્લર તોડી પાડવાની કામગીરી શરૂ કરાતાં ધાનેરાવાસીઓનાં દિમાગ ચક્કર ખાઈ રહ્યા છે. 
 ધાનેરા બનાસકાંઠા જિલ્લાનો એવો તાલુકો છે કે જ્યાં વિવાદનો અંત જલ્દી આવતો નથી.ધાનેરા શહેરમાં પ્રવેશતા રેલવે પુલ પસાર કર્યા બાદ થરાદ અને રાજસ્થાન રાજ્યમાં પ્રવેશ કરી શકાય છે.પરંતુ જેમ જેમ સમય બદલાતો ગયો અને વસ્તી તેમજ વાહન વ્યવહારમાં વધારો થતાં રેલવે પુલ પર ટ્રાફિકની સમસ્યા રોજિંદી બની જતાં ધાનેરાના રેલવે પુલને પહોળો કરવા નગરજનોએ  આંદોલન છેડી કેન્દ્ર સરકાર સુધી રજુઆત કરી આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા માંગણી કરતાં આખરે ધાનેરા ખાતેના રેલવે પુલને પહોળો કરવાની મંજૂરી મળી હતી અને માર્ચ - ૨૦૧૮ માં નવા પુલના બાંધકામ માટે વર્ક ઓર્ડર અપાતાં ધાનેરાના નાગરિકો હરખાઇ ઊઠ્‌યાં હતા અને ધાનેરાની આ  વર્ષોજૂની સમસ્યા હલ થશે તેવા વિશ્વાસ સાથે બે વર્ષમાં પુલનું કામ પૂર્ણ થશે તેવા બુલંદ વિશ્વાસ સાથે નગરજનોએ સરકારનો આભાર માન્યો હતો.બીજી તરફ ગત વર્ષે નવેમ્બર માસથી પુલના પુલ્લારોનું કામ શરૂ કરાયા બાદ બે માસના સમયગાળામાં પુલની બન્ને બાજુ આરસીસીના પુલ તૈયાર કરાયા હતા. જોકે પીલ્લરો તૈયાર થાય એ પહેલાં રેલવે પુલ પર રાજકારણ પણ શરૂ થતાં અને એક પછી એક રજુઆતોનો દૌરશરૂ થતાં નવા પુલનું કામ ખોરંભે ચડ્‌યું હતું. આજની સ્થિતિએ દોઢ વર્ષ જેટલો સમય વીતવા આવ્યો હોવા છતાં રેલવે પુલનું કામ સાવ ગોકળગતિ ગાયની ગતિએ ચાલી રહ્યું હોઈ ધાનેરાના નાગરિકો પણ હવે પુલની ઢીલી કામગીરી સામે ભારે રોષ વ્યક્ત કરી રહ્યા છે.આ મામલે ધાનેરાના સામાજિક આગેવાન ડો. યોગેશભાઈ શર્માએ રેલવે પુલના કામ માટે સરકાર તેમજ રાજકીય આગેવાનો આગળ આવી આ સમસ્યાનો નિવેડો લાવે તેવી માંગ કરી હતી. ધાનેરા નજીક આવેલા ડીસા શહેરમાં પણ હાલ બ્રિજનું કામ ચાલુ છે.ડીસાના ઓવરબ્રિજમાં  ધાનેરાના રેલવે પુલ કરતાં ૧૦ ગણું વધુ બાંધકામ થનાર છે. જો કે ડીસામાં ઓવરબ્રિજનું કામ યુદ્ધના ધોરણે ચાલુ છે.જયારે ધાનેરા ખાતે રેલવે પુલના નિર્માણ માટે બંધાયેલ પિલ્લર પણ તોડી પાડવાની કામગીરી હાથ ધરાતાં અચરજ સર્જાયું છે. આ પુલના કામ માટે વર્ક ઓર્ડર અપાયાને બે વર્ષ પૂર્ણ થવા છતાં રેલવે પુલનું કામ હજુ અડધું પણ પૂર્ણ થયું નથી.આ પુલ નજીકથી પસાર થતા શહેર ભાજપ પ્રમુખ કાંતિભાઈ ત્રિવેદીએ પણ ધાનેરાની હાલત હાલ ખરાબ હોવાનો સ્વીકાર કરી ફરી પુલ મામલે આંદોલનની ભીતિ વ્યક્ત કરી હતી.
ધાનેરાની રેલવે પુલની સૌથી જૂની અને જટિલ સમસ્યાનો જલ્દી નિવેડો આવે તેની સૌ કોઈ રાહ જોઈ રહ્યા છે.જો કે ધાનેરાના રાજકારણીઓ રેલવે પુલ મામલે ખેલ ખેલી રહયા છે.ધાનેરાની જનતા જાણી ગઈ છે કે એક પણ રાજકીય આગેવાન રેલવે પુલ કામ ઝડપી રાહે પૂર્ણ થાય તેને લઈ રજુઆત કરવા આગળ આવે તેમ નથી.ત્યારે રાજકીય અગ્રણીઓની આવી નીતિ રીતિ પુલના કામમાં લાલીયાવાડી માટે મોકળું મેદાન પૂરું પડી રહી હોઇ નગરજનોમાં રોષ ભભૂકી રહ્યો છે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.